હયાતી/૬૫. એક કોલાજ
જે અહેસાનો ઉઠાવ્યાં નથી
એ માટે પણ ઋણી હોઉં
ત્યારે
આજે સવારે
મારી વાંસની ઝૂંપડીની
તિરાડમાંથી પ્રવેશેલા સૂર્યકિરણ માટે
આભાર કેમ ન માનું?
મારી પ્રતીક્ષાની ક્ષણોમાં
જેને વસવા નિમંત્ર્યા છે
એ ભગવાન
એક એક યુગને પાંદડું બનાવી
કાળનો વડલો ઊભો કરી દેશે
એની ક્યાં ખબર હતી?
સંબંધો ઝાકળની જેમ ઊગે
ત્યારે એની ભીનાશ ન પણ અડકે
પણ ફટકિયા મોતીની જેમ ફૂટે
ત્યારે એની કરચ વાગ્યા વિના રહેતી નથી.
મને વાગે
એ માટે પાથરેલી
કરચો પરથી
હું હસતાં હસતાં પસાર થઈ જાઉં છું.
અને
મારા પગનાં તળિયાં પરની લોહીની ટશરો
લૂછતાં પૂછું છું....
માર્ગમાં વેરેલા કંકુમાં કાચની કણી રહી ગઈ હતી?
મારી પ્રાર્થનામાં
ઉચ્ચારાતા શાપના સોગંદ,
મારા શાપમાં
ક્યારેક પ્રાર્થનાનું વરદાન પણ છે.
કોલસાની ખાણ જેવો હું
– મને તળિયેથી ખોતરો :
મારી સંપત્તિ ખસેડી, ત્યાં રેતી પૂરો.
ક્યારેક
આ શ્યામ વૈભવની સૃષ્ટિને
હું રેતનગરમાં ફેરવી શકીશ –
પછી ભલે એ માટે જન્મારો લાગે.
સારીયે સૃષ્ટિ નિદ્રાધીન છે :
તિખારેલા આકાશ
અને ભસતા રસ્તાઓ વચ્ચે
હું જાગું છું
– છતાં યોગી નથી!
કોઈ પણ ખુલ્લા દરવાજામાંથી
બહાર નીકળતાં માથું અફળાય છે :
શિર પર ફૂટી નીકળે છે વેદનાનો જ્વાળામુખી
ભીતર ઊકળે છે ધગધગતો લાવા
અને એને પ્રગટવા મુખ નથી ફાટતું.
બહાર નીકળું ત્યારે
આકાશ અને ક્ષિતિજોની વિશાળ દીવાલો વચ્ચે
ફરી એક વાર કારાવાસનો અનુભવ કરું છું
અને
અંદર જવાનાં દ્વાર હવે બંધ છે.
યાતનાનાં દ્વાર પર
નચિકેતાની જેમ ઊભેલો હું
ન જીવન માગું છું ન મૃત્યુ;
ન વરદાન માગું છું, ન શાપ;
ન ફૂલ માગું છું, ન કાંટા;
ન વાણી માગું છું, ન મૌન :
અને માગ્યા જ કરું છું.
૧૦–૧૧–૧૯૭૩