હયાતી/૬૪. એકલવાયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૪. એકલવાયો

મારા એકાંતમાં
ધસી રહી છે એ સભાઓ
–જેમાં હું ગયો નથી.

મારા પુણ્યમાં પ્રબળ
રહ્યાં છે એ પાપો
–જે મેં કર્યાં નથી.

મારી ગતિમાં
જે વળાંકે વળ્યો ન હતો
એ તરફનો ઝોક છે.

નથી આચરી શક્યો
એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે
મારી નિર્દોષતાનો અરીસો.

મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું
કે હું એકલવાયો છું!

૧૬–૬–૧૯૭૧