હયાતી/૬૯. લોહીનો રંગ લાલ છે.
તારા માટે ઢાકાની મલમલ ક્યાંથી લાવું સુન્દરી!
કહે છે કે હમણાં એને લાલ રંગ ચડાવાયો છે.
એના એકએક તાર પર એક એક હૃદય પરોવાયું છે,
જીવતું જાગતું ધબકતું હૃદય.
કહે છે કે હમણાં ત્યાં દારૂખાનું ફૂટે છે....
એમાંથી એકાદ ચિનગારી અડકતાં
મલમલ જેવા સુંવાળા દેહો સળગી ઊઠે છે.
શ્યામ સુવર્ણ જેવી એ ધરતી પર
લોહીની ખેતી થઈ રહી છે;
અસ્થિઓનાં વન ઉગાડાઈ રહ્યાં છે,
કબ્રસ્તાનનાં નગરો વસાવાઈ રહ્યાં છે.
આઝાદીના એક વિચારને ગોળીએ દેવા
કહે છે કે આખું લશ્કર ઊતરી પડ્યું છે;
તડાતડ ફૂટતી ગોળીઓએ
૨૬મી માર્ચની રાત્રે ઢાકા યુનિવર્સિટીમાં
એ વિચાર જેમાં કેદ હતો
એ હાડપિંજરોનો નાશ કર્યો.
પારધીએ જ જાણે પંખીને છોડી મૂક્યું
ગોળી દેહને વાગી–દેહની કેદમાંથી છૂટી
વિચાર દેશના આકાશને આંબી ગયો.
કહે છે કે હવે ત્યાં સૂરજ નથી ઊગતો
યાતનાઓ ઊગે છે
કહે છે કે હવે ત્યાં રાત્રિઓ નથી ઢળતી
ઠંડીગાર વેદનાઓ પ્રજળે છે.
નગર નથી,
વન નથી,
દરિયો નથી,
નદી નથી.
‘નથી’, ‘નથી’ના તાણામાં ‘હા’નું મલમલ વણાઈ રહ્યું છે,
એનો એકએક તાર વણતા
એકએક કસબીનો અંગૂઠો નહીં, માથું વઢાય છે.
ટૅન્કોના હળથી થતી ખેતીની વાત સાંભળી
અહીં બેઠાં કમકમી ઊઠતા
હું – તમે – તેઓ – અમે – આપણે બધાં જ
ચાલો, એટલું તો નક્કી કરીએ કે
લોહીનો રંગ લાલ છે.
૨૪–૭–૧૯૭૧