હયાતી/૭૦. સો વરસ પહેલાં સો વરસ પછી કે પછી આજે
[કાન્તની જન્મશતાબ્દી પ્રસંગે]
જુઓ તો, આ ધરામાં જ ક્યાંક
હજી ગઈ તે વસંતે કોઈ વાવી ગયું શબ્દ;
એના કોંટા ક્યાંય ફૂટ્યા?
સંભાળીને ચાલો,
ક્યાંક બળી ગયાં બીજ થકી દાઝી જશો!
કાળી માટી પથરાઈ રહી
જાણે માપી માપી ઘાવ કર્યા હોય એવા ઊંડા ચાસ :
ચરણ ચંપાતાં ધૂળ થઈ ગયાં ઢેફાં
પાછાં નયનનાં જળથી બંધાય–
ખારાશના શ્વેત શ્વેત કણો હજી જડે
ક્યાંય નથી કળાતું એ લીલુંછમ ઘાસ.
ઝીણી આંખે જુઓ,
ક્યાંક ધરતીના ગહનમાં એકાદું તરણ મથે પ્રકટવા :
ધરતીમાં સીંચી જો શકત થોડી હવા.
રણના કૂવેથી કોઈ કોસે કોસે ઠાલવે છે
વેરાનીનું જળ :
બળીઝળી લૂનો હળુ ઢોળાતો ચામર :
સૂસવતી શૂન્યતા તો
પોતાના જ ચરણનાં
ઝાંઝરનો બિહામણો રવ સુણી ડરે.
અહીં ક્યાંક
આજુબાજુ આટલામાં
જુઓ તો,
ઊગ્યો છે પેલો શબ્દ
ગઈ
તે વસંતે
કોઈ ગયું હતું વાવી?
[૨]
વાક્યો નહીં
કંડિકાઓ, પ્રકરણો, સર્ગો, મહાસર્ગો તણું વન.
(આ જ હશે કાળી માટી મહીંથી ફૂટેલા
પેલા તરણાના છોડ કેરી ડાળખીએ
બેઠેલાં એ ફૂલ?)
અટવાતાં વધુ ને વધુ,
જ્યાં જરી અડકીએ
સરતાં સુદૂર –
વાક્યો, કંડિકાઓ, પ્રકરણો અને સર્ગ.
શીત ખંડે યોજાયેલા
ફૂલોના પ્રદર્શનેથી પાછા ફરી
સુકાયેલાં કુસુમનો ગુચ્છ
લઈ ટેબલેથી
ટોપલીમાં નાખી
ફરી શોધતા કે ક્યાંય હજી
મૂળ નાખી શક્યો હશે અટૂલો એ શબ્દ!
નદીને જ
શોષી રહી હિમશિલા....
થીજીથીજી જળ એમાં જોડાતું તે
પ્રવાહનો અચાનક લય.
બાકી રહ્યું એક કણ
તુહિનના થર પરે અટૂલું આથડતું કે
બંધાયે ના હિમકણ
પ્રગટતી નહીં ગતિ.
કોઈ એને દૃષ્ટિતાપે વાદળ બનાવી
લઈ જાય પેલી કાળી માટી પરે,
કદાચ તો ઊગે પેલો શબ્દ.
વાદળની બંધાતી છાયામાં
બધાં ઝાંઝવાં અદૃશ્ય
ક્યાંય નહીં વાક્ય, પરિચ્છેદ, નહીં સર્ગ.
હજી તો આ માટી મહીં
પ્રગટવા મથામણ કરી કહે
રોપાયેલો શબ્દ.
[૩]
ગહન આકાશે હજી આથમતા સૂર્યની
સિંદૂરરંગી આભામાં
હજી ઊંચે જતાં પેલાં પંખીઓને જોઈ
શ્યામ વાદળાં વિમાસે...
વેધક અણીથી હવા પાડી રહી ઊંડા ચાસ
એમાં ક્યાંક બોવાઈ તો ગયો નથી શબ્દ?
કાળી માટી જેવાં કાળાં વાદળાંમાં
ફૂટી એક ડાળ પરે
વિસામો લેવાને બેઠાં પંખીઓની
ખરી પડી પાંખ.
અંધારાના તાપમાં ઓગળી જતી ડાળ
હવે પાંખ વિના પંખી
શ્યામ આકાશમાં સાવ પાસે
રહી ચિર – વિરહની ઉકેલે છે ઘડી
ચીમળાઈ ગઈ ક્ષણો મૃદુ અંગે ખૂંચે.
સિંદૂરિયા રંગની
એ આભા
ફરી પ્રગટે તો ખરી....
વાદળની
ઓગળેલી ડાળ
ફરી બંધાશે કે?
દૃઢ ચરણોની અંગુલીથી
જકડીને અવકાશ
હજી દગ્ધ ચક્રવાકી
ખીણ મહીં નથી સરી.
[૪]
જેરૂસલેમના આકાશે ઊગેલો
પ્રભાતતારક જોઈ
જન્મની વધાઈએ ગયેલા આત્માએ
કપરી યાત્રાને અંતે
નીરખ્યો
વધસ્તંભ પર ખોડાયેલો દેહ.
વૅટિકનના કાંગરે કાંગરે
એકધાર્યા વાગતા ઘંટના પ્રતિધ્વનિ
થોડો વિસામો લઈ
પાછા વાયુમંડળમાં વહેતા હતા, ત્યારે
જન્મની વધાઈનાં સ્તવનો
ઘડતા એક કવિને જોઈ અટક્યા –
મૃત્યુની હવાથી જન્મને ગૌરવ આપવા
એ નિરાકાર ધ્વનિ
સુકાયેલા રક્તની કાળાશના
બિંદુએ બિંદુએ
પ્રકટી ઊઠ્યા....
સાકાર કોલાહલથી
વિસ્મિત કવિનાં
વિસ્ફારિત નયનમાં
કોણે ધૂળ ઉડાડી?
પેલો કઠોર વાંસો બતાવી
દોડે છે એ ઓળો
કાળી માટીના ખેતર પર ઊંડાં પગલાં આંકે છે.
ક્યાંય એના પગમાં
પેલો ગઈ વસન્તે વાવેલો શબ્દ
ચીટકી તો નથી ગયો?
પગમાં છોડ ઊગે
અને એનાં મૂળ
ઉપરની ત્વચાને ભેદી નીકળે
એ પહેલાં
કોઈ રોકો એ દોડી રહેલા ઓળાને.
વધસ્તંભે ચડેલા માનવીની માફી
પામેલો જુડાસ
હજી શાપિત થઈ ફરે છે.
જન્મની વધાઈએ જનારા
હવે જ્યાં લોહી ઝર્યું છે
એ ભૂમિને તપાસે છે –
કદાચ ત્યાંથી પેલો શબ્દ ઊગી નીકળે!
વૅટિકનમાં
હજીયે ઘંટ વાગ્યા જ કરે છે.
ઍન્ગ્યુલસના એ
ત્રણ ટકોરા પછી થોડો શ્વાસ લઈ
આગળ ચાલતા બીજા ત્રણ અને ત્રીજા ત્રણ
ટકોરાનો રૂપેરી રણકાર
જેરૂસલેમમાં ૧૯૦૦ વરસ પહેલાં ઊગેલા
એક પ્રભાતની
હવા પાથરે છે –
જન્મના પ્રભાત પર છવાતું વધસ્તંભનું પ્રભાત.
એક ટકોરાના ધ્વનિનો રણકાર પૂર્ણ પ્રકટે એ
પહેલાં વાગતો બીજો ટકોરો.
[૫]
ખંડેરની દીવાલોમાં ઊગેલા આ લીલા ઘાસે
વસંતને આવાહન દીધું હતું
સુકાયેલા તરણાને હજીયે એ યાદ.
કાન માંડીને સાંભળો તો
ધરતીના પેટાળે
પેલો વાવેલો એ શબ્દ હજી બળ્યો નથી.
રણના કૂવેથી હજી ઠલવાતા કોસ,
હજી ગણી રહે ચખ ઝાંઝવાના દીવા.
વાક્યો, પરિચ્છેદો, પ્રકરણો તણી નદી
અંજલિમાં એકેય ન શબ્દ છતાં પીવા :
[૬]
એ ખેતર
– જ્યાં ગઈ વસંતે શબ્દ વાવ્યો
તેની શોધમાં
તું, તે, અમે, હું, તેઓ, તમે, સૌ
નીકળ્યાં છીએ :
હવે જો નવી વર્ષાનાં બંધાતાં વાદળાં
વરસતાં વરસતાં
એ ખેતરમાં આવીને અટકે
તો કદાચ બીજ તરણામાં કોળી ઊઠે.
વીસમી નવેમ્બરે
....એટલે કે
સો વરસ પહેલાં કે સો વરસ પછી
કે પછી આજે
એટલે કે અઢારમી કે દસમી કે પંદરમીએ
કોઈ પણ દિવસે
ક્યાંય કોઈ તરણું માટીને તોડીને માથું ઊંચું કરે
ત્યારે
સો વરસ પહેલાં કે સો વરસ પછી
કે પછી આજે
એની આગળ મસ્તક નમાવીને વંદન કરવા કાજે
નવી વર્ષાનાં બંધાતાં વાદળાં લઈને
તું, તે, તેઓ, હું, અમે, તમે સૌ
ખેતરે ખેતરે પડેલા ઊંડા ચાસમાં
નીકો વહેવડાવીએ છીએ;
કદાચ કોઈ તરણું ફૂટે તો.
૧૯૬૭