zoom in zoom out toggle zoom 

< હયાતી

હયાતી/૭૫. શ્રી માતાજીને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૫. શ્રી માતાજીને

સુદૂરે કોઈ એ નગર, લઘુ ખંડે ત્યહીં તમે
રહીને સાધ્યું જે પરમ તપ, એ આજ સઘળે
ગયું ફેલાઈ, આ ગગન પણ ઓછું અવ પડે
તમારા શ્વાસોથી સુરભિમય વાતાવરણ છે.

અચિંતા વાયુની લહરી થઈ આવ્યાં જનની, ને
સમૂચાં અંજાયાં નયન મહીં કો જાગૃતિ બની,
નિહાળું જે કૈં એ અલગ, તવ રંગે છલકતું
ન આ પ્હેલાં આવું હૃદય વસવું મા, અનુભવ્યું!

કદી બોલ્યાં’તાં જે સહજ ત્યહીં એ શબ્દ અવ તો
બન્યો પાયો જ્યાંથી ભવન વિલસે છે અવનવાં.
હવે થંભી વાચા, અકલ તવ એ મૌન સઘળે
છવાતું ને થાતાં મુખરિત રહસ્યો ભુવનનાં.

હજી ફંફોળું કે કુટિર થકી દીવો ક્યહીં ગયો
પછી ચોળું આંખો નભ મહીં થઈ સૂર્ય વિલસ્યો.

૧૮–૧૧–૧૯૭૩