< હયાતી
હયાતી/૮૨. મોરપિચ્છ મોકલજો
Jump to navigation
Jump to search
૮૨. મોરપિચ્છ મોકલજો
મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે
શ્યામ, વૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ
કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.
ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી
હવે સૌરભનું લેશ ન ઓસાણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે
હવે કોઈની રહી ન ઓળખાણ,
કોઈ જરા ફૂલને સૂંઘાડી જુઓ, ક્યારનોય
અટકી ગયો છે મારો શ્વાસ.
ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાંય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઈ ન કરું આશ.
૨–૬–૧૯૭૩