હયાતી/૮૧. કોણ માનશે?
૮૧. કોણ માનશે?
મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં કળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એણે માથાનું મોરપિચ્છ વાને ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
એ જ નિશ્ચય થયો જ્યાં એની વાત સાંભળું,
કે મારી સંગમાં હળ્યા’તા શ્યામ, કોણ માનશે?
મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંકે વ્હાલ મલકી ગયું,
મીટ મળતામાં ક્યાંક કાંક ઝલકી ગયું,
મારી છાતીએ ઢળ્યા’તા શ્યામ કોણ માનશે?
મને મારગે મળ્યા’તા શ્યામ કોણ માનશે?
૬–૨–૧૯૭૩