હયાતી/૮૪. જૂનાગઢ : બે ચિત્રણો
[૧]
કહે છે કે રા’કવાટ હજી ઉપરકોટની બૌદ્ધ ગુફાઓમાં
સાધુઓ પાસે જડીબુટ્ટીની તલાશમાં ફરે છે :
અડીકડી વાવનાં એકસોબોંતેર પગથિયાં
હવે પનિહારીઓ ઊતરતી નથી, ચડતી નથી.
હા, કોઈ આધાશીશીનો દર્દી આવી
મસ્તક પર લીલનો લેપ કરી જાય છે,
ત્યારે એ પગથિયાંમાં
જે ઊતરી પણ પાછી ક્યારેય ચડી નહીં
એવી પનિહારીઓ અજંપાથી ચિત્કાર કરી ઊઠે છે :
– ‘દરદથી મુક્તિ મેળવવી છે?
તો અમારી માફક આ એકસોબોંતેર પગથિયાં ઊતરો
અને પછી ક્યારેય ચડો જ નહીં!’
વાવની પનિહારીઓ નસીબદાર છે.
નવઘણ કૂવાનાં બસ્સોપાંસઠ પગથિયાં ઊતરી
ત્યાં જ રહી ગયેલી પનિહારીઓને
રોજ થોડી થોડી વારે પથ્થરો વાગે છે –
પથ્થર ફેંકો, ઘડિયાળ સામે જુઓ,
ચાર સેકંડ પછી ‘ડૂબક’ અવાજ સાંભળો
– આ સહેલાણીઓને કેમ સમજાય કે
રાણકની આંખનાં આંસુને
આ તળિયે પહોંચતાં એથી વધારે સમય લાગ્યો હતો!
ક્યારેક સોમનાથ પર
બબ્બે માઈલના અંતરેથી આગ વરસાવી હતી
એ ગીઝનીની તોપોમાં હવે ઉંદરો દર કરે છે.
નવ નવઘણ, સોળ સામંત, એક માંડળિક
અને ખેંગારની ગાદી....
હવે ત્યાં છે વેરાન રાજમહેલ, અપૂજ ઈબાદતગાહ.
સામે શિવાલય છે, શિવલિંગ વિનાનું.
હજી થોડોક જીવ છે રાણકની ચોરીના ચાર થંભોમાં,
ત્યાં આયરાણીઓ આવી કંકુ વેરી જાય છે.
[૨]
મૃત્યુ અહીં સદીઓ થયાં વસે છે,
પણ મકબરાથી એને સજાવ્યે હજી
દાયકાઓ જ થયા છે!
મહોબતમકબરાની આખડી લીધી છે એમ કહેતા જ
આખડી પૂરી કરનાર નવાબ હવે નથી
એટલે અઢી દાયકાથી બહુ લોકો માનતાએ આવતા નથી!
મૃત્યુને સંતસ્થાને મૂકતી સત્તા નથી
એટલે શેષ રહે છે મૃત્યુ
ક્યામતના દિવસની રાહ જોતું
સામે જ માણસે ઊભી કરેલી અદાલતની ઉપેક્ષા કરતું
શુદ્ધ મૃત્યુ અહીં વસે છે.
હવે કદાચ કોઈ મૃત્યુની આખડી રાખે
તો ફળે પણ ખરી!
વૃક્ષો જીવે છે મૃત્યુ પર વીંઝણો કરતાં.
આ વચ્ચે છે
વરસોથી વપરાવાને કારણે જેનાં પાન
છૂટાં પડી ગયાં છે
એ કુરાનસાહેબની નકલ :
કહે છે કે હજી થોડા માણસોના
છિન્નભિન્ન ભીતરને સાંધી આપે છે!
૨૬–૯–૧૯૭૧