હયાતી/૮૮. આથમતી સાંજ
Jump to navigation
Jump to search
૮૮. આથમતી સાંજ
પાંદડામાં થોડો થોડો તડકો ભર્યો
ને પછી માળામાં પંખીને પાયો,
આંખ ભલે નીંદરનું વેન લઈ જાગે
કે ચાંચમાં ઉજાગરો લપાયો.
વાદળે સૂતેલ એક જળની પરીને
જરા ચૂમી ત્યાં વીજળીનો ઝટકો,
પરભાર્યું આગળ જવાય તો તો ઠીક
મળે એકધારી આગ અગર અટકો;
છીપમાં ડૂબેલ કોઈ ચમકીલો ભેજ
ભર્યો દરિયાનાં નીરમાં સુકાયો.
સૂકી માટીમાં આજ વાવ્યાં એ પગલાંઓ
કેડી થઈને કાલ ઊગશે,
વારતાના મેદાને વેરી જુવાર
એને સપનાનાં પંખીઓ ચૂગશે?
લંબાતી સાંજનો આ પડછાયો
આથમતાં કિરણોની જાળમાં ઝલાયો.
૫–૯–૧૯૭૪