હયાતી/૮૭. ફણિધર
ઈર્ષ્યાના ફણિધરે ડંખ દીધો છે
અને રૂંવે રૂંવે લીલોતરી ઊગી ગઈ છે.
સુંવાળા જીવનની શોધમાં
લીધેલા કાંટાળા રસ્તા પર
એટલા તો ઉઝરડા થયા છે કે
એ રૂઝવવા આ એક જન્મારો તો
ઓછો જ પડશે.
મારા પૂર્વજોના મૃતદેહો હજી જીવે છે :
તેઓના ઠંડા શ્વાસોની ચાદર
મારી હયાતીના શબ પર ઓઢાડાઈ છે.
ગઈ કાલ મરી શકતી નથી
અને આજને જિવાડી શકાતી નથી.
સાગરનાં મોજાંની જેમ ઊછળતાં
તારાં સ્તનો
મારી હથેળીના કિનારા પાસે
આવી ક્ષુબ્ધ થૈ અટકી જાય છે :
સાગરનો ઘુઘવાટ લાલ રંગ ધારણ કરી
મારી આંખોમાં અંજાઈ રહે છે,
અને મારી ઉન્મન, પ્રાણભરપૂર હયાતી
મારા ફફડતા હોઠમાંથી નીકળતા શબ્દને
સાંભળવા કાન માંડે
ત્યારે હું દેવભૂમિમાંથી પાછા ફરતા
ઑર્ફિયસની જેમ પાછળ જોઉં છું,
અને ક્ષણમાં જ બધું સમેટાઈ જાય છે.
– રહે છે માત્ર
મારી વીણા પરનો
સૌથી કરુણ રાગ.
ક્યારેક આ બે હોઠ વચ્ચે
ભીંસાયેલી સુંવાળી જીભ
કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ નિહાળી
ચકળવકળ થયેલી યશોદાની દૃષ્ટિની જેમ
મોંમાં ફરી વળે છે :
ત્યારે
ઝેરની કોથળી દાબતી નાગણ
કેમ યાદ આવે છે
એ તું ન પૂછે તો સારું!
તડકાના ખેતરમાં
થતી ખેતી સમો હું
વરસાદને ઝંખી પણ શકતો નથી;
મારા રોમરોમમાંથી ઊગે છે
વાસનાના ફણિધરો
– એના ડંખથી ઉન્મન બની
તું મને આલિંગે છે
ત્યારે તને ખબર છે કે
આ ઘેન શેનું છે?
જાગૃતિની પ્રત્યેક ક્ષણ
ઘેનમાં વીતે છે –
અને ઘેનમાં મીંચાતી આંખોમાં
જાગે છે એ દુનિયા સાચી નથી.
મારા બે બાહુઓમાં સમાતા શૂન્યને
ભરડો લેતા શ્વાસો
કોઈક આકાર નીપજાવી લે છે
અને
આંખો ખોલી જોવાની
મારી જિગરદારી લોપ થઈ છે.
વારંવાર વંચાઈને
ફાટવા આવેલા કાગળ જેવો
મારો પ્રેમ
હું વધુ ચીવટથી સાચવું છું –
ગડીએ ગડીએ
છૂટા પડી ગયેલા આકાશના
ટુકડાઓ તારાં બે નેત્રોમાં
ચકરાઈ રહે છે –
એકમેક સાથે સંવાદી રહીને
છતાં એકમેકને મળ્યા વિના.
ફલાવરવાઝમાં ચમકી રહેલી
બે વિશાળ આંખો
જરા ઝીણી થઈ
પાંદડે પાંદડે દૃષ્ટિના ટુકડા મૂકે છે
અને વંચાઈ ગયેલી
કવિતાની ભૂંસાતી અસર
જેવી હવામાં
બધી જ પાંખડીઓ વેરવિખેર થઈ જાય છે.
આંખો વિનાના ચહેરામાં
દેખાય છે ઊંડા કૂવાઓ
મૃત્યુએ જિંદગીને ઝડપવા માટે
પાથરેલી જાળ પર
ક્ષણોનાં બી ચૂગવા
બેસતાં પંખીઓના પગમાં
વીંટાતી દોરીઓ જેને ઝડપે છે
એ મૃત્યુના અલગ અલગ ટુકડા છે.
મૃત્યુ એટલે ત્રીસ માળનું મકાન,
મૃત્યુ એટલે ટોડલા પરનો મોર,
ગોખલામાંના દેવ
અને મંદિરની આરતી –
મૃત્યુ એટલે ફફડતા હોઠ, કંપતી આંખો
અને પ્રસરતા બાહુઓ
બંધ મૂઠ્ઠી
અને શ્વાસ વિનાના પિંજરામાં
મૃત્યુ શોધનારાને કહો –
મૃત્યુ એટલે ગતિ
મૃત્યુ એટલે શ્વાસ,
મૃત્યુ એટલે હવા,
મૃત્યુ એટલે નાતો.
અડધી રાતે
શિયાળની લાળી નહીં
છેલ્લા શોમાંથી પાછી ફરતી
મોટરોના અવાજો સંભળાય છે :
કૂતરાં ભસતાં નથી,
મૌન વડચકાં ભરે છે;
અને હડકવા થયેલી નિયોન બત્તીઓના
કંપથી ડરી
આસ્ફાલ્ટનો રસ્તો દોટ મૂકે છે.
મારા ચહેરાની નીચે
નમેલા ચન્દ્રને
ચુંબન કરી લેવું છે –
ખીણના અંધકારને
સૂર્યનાં કિરણોથી છલકાવી દેવો છે –
દુર્ગમ ચડાણોની
સુંવાળપથી છેતરાવું નથી –
થોડાક અધ્ધર
શ્વાસોથી મારે કામ પાડવું છે –
– જો સ્ટૉપ પર ઊભેલા સમયને
એની બસ ન મળી જાય તો.
વૃક્ષો તેનાં મૂળ ઊંચાં કરે છે,
મકાનો પોતાના પાયાને ઉપર કરે છે,
ધરતી લાવા પ્રગટ કરે છે,
માણસ પોતાના જન્મ પહેલાના
ગર્ભબીજમાં સમાઈ જાય છે.
– અને સૌ સાથે મળી પ્રાર્થના કરે છે :
હે નાથ,
અમારા શબ્દોમાંથી અર્થને લોપી દો,
અમારા અવાજમાંથી નાદનો લય કરી દો,
અમારી આંખમાંથી દૃષ્ટિ હરી લો,
અમારા ચરણોમાંથી ગતિ ઉઠાવી લો,
અમારા કાનને બધિર કરી દો,
અમારા અંતરને નિઃસ્પંદ કરો.
અમારા જીવનમાંથી પુણ્યોનો ક્ષય કરો,
અમારાં પાપને ફૂલની માફક પ્રગટાવી દો,
અમારા અસ્તિત્વમાં મૃત્યુનો મહિમા કરો,
અમારી પ્રાર્થનામાંથી
પરમેશ્વરને ખસેડી દો.
૨૫–૫–૧૯૭૪