હયાતી/૯૨. આધાર
Jump to navigation
Jump to search
૯૨. આધાર
રસ પીધો સુન્દરશ્યામ તમારી સંગે રે,
પછી પ્રગટ્યા પૂરણકામ અમારે અંગે રે.
સાગરસાગર રટતાં, રણમાં ટળવળતાં
બે પંખીને ના શીતલ છાંયો
ક્યાંય આભ કે ધરતીમાં,
મઝધારે જે ઓટ થઈને આવ્યાં તરણાં,
કોણ કરે છે યાદ, કદી એ
હતાં છલકતી ભરતીમાં,
થઈ દરિયાનો છંટકાવ આ રણને રંગે રે,
થઈ આતપની પીળાશ તરણને રંગે રે.
સરવરથી જે નીકળ્યો જળનો તાર
જઈને વરસે સારા ગગન મહીં
લઈ વાદળિયો ઓથાર;
ઝરમરતી મોસમમાં ભીની મ્હેક થઈ,
જે ઊગે એ માટીની સંગે
જરા કરી લઉં પ્યાર;
એ જીત અને એ હાર તમારી સંગે રે
આ જીવતરનો આધાર તમારી સંગે રે.
૨૭–૯–૧૯૭૫