હયાતી/૯૪. રમત જોખમી આપી
Jump to navigation
Jump to search
૯૪. રમત જોખમી આપી
મોતને હાથમાં રાખી તેં જિંદગી આપી,
એક રમત આપી અને કેવી જોખમી આપી!
જ્યોત મુજ ઘાસના રહેઠાણ પર ધરી ન ધરી,
તારો ઉપકાર તરત કેવી રોશની આપી.
મારી બદલાતી દશા પણ કોઈ તહેવાર હતો,
ભેટમાં કેમ તેં ગઈ કાલની છબી આપી?
એ બધાંએ મળી કીધું કે જગ્યા ક્યાં છે હવે?
જેને જેને મેં જગતમાં જગ્યા કરી આપી.
૧૯૭૫