હયાતી/૯૩. ચિત્કાર
ગીત ગાવા
માંડી હતી મીટ વસંત પર.
વસંત આવી
અને કહી ગઈ :
હવે ગીત ગાવાની મનાઈ છે!
ફૂલો સ્તબ્ધ બની વિચારી રહ્યાં :
અમે કોઈ ડાળ પર છીએ,
કોઈના હાથમાં ચૂંટાઈ ચૂક્યાં છીએ
કે
કોઈ વજનદાર બૂટની એડી તળે
હમણાં જ ચગદાવાની અણી પર છીએ?
હવાની એક લહરી આવી :
તેને રોકી પૂછે છે બીજી લહરી :
આ બાગમાં લહેરાતા પહેલાં
કોઈની આજ્ઞા લેવાની જરૂર તો નથીને?
સૌએ કહ્યું :
પવન પડી ગયો.
પંખીઓ પોતાને કંઠ હતો
એ વાત
બચ્ચાંને કહી રહ્યાં છે
અને સમજાવે છે :
કદીક ખપ પડે,
તો ટહુકો કરી શકાય.
ટહુકો?
કોઈ દંતકથા સાંભળતાં હોય
એમ પંખી–બાળ ચિત્કારીને પૂછે છે :
કેમ કરી શકાય ટહુકો?
ટહુકો નીકળતો નથી કંઠમાંથી,
પારધીના નિશાન લેતા તીર પર
નજર છે, તેથીસ્તો.
ના ક્યાં કહેવી જ હતી?
છતાં ‘હા’ કહેવાની ફરજ પડાય
ત્યારે કાં અવાક થઈ જવાય છે –
કાં ઉચ્ચારાઈ જાય છે –
‘ના’, ‘ના’, ‘ના’
જાતે દુઃખી થવાની છૂટ ન હોય
તો બીજાએ આપેલું સુખ કેમ કરી સ્વીકારાય?
આ શોકસભા તો નથી :
છતાં તાળીઓ કાં પડતી નથી?
બે હાથને મળતા અટકાવતી
અદૃશ્ય જંજિર કોણે બાંધી દીધી છે
આપણા હાથ ઉપર?
૨૧–૧૨–૧૯૭૫