હયાતી/૯૬. યાદ નથી
Jump to navigation
Jump to search
૯૫. યાદ નથી!
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ
પછી રાત કે બપોર હતી, યાદ નથી;
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ
રૂપેરી કોર હતી, યાદ નથી!
ચૈતરની રાતમાં આ તારી જુદાઈ
જાણે અગની પ્રગટે ને ઝાળ ક્યાંય ના;
લૂ-દાઝી લ્હેરખીમાં જઈ બેઠું મન ક્યાંક
તોયે દેખાય ડાળ ક્યાંય ના;
અમથા તો સાબદા ન થાય અહીં કોઈ
જરા અમથી ટકોર હતી, યાદ નથી.
પળમાં વરણાગી ને પળમાં વેરાગી
– સાવ સીધાં ચઢાણ, ઢાળ ક્યાંય ના,
બોરડીના જંગલમાં ભટકું છું રોજ, છતાં
પૂછો તો મારી ભાળ ક્યાંય ના,
આમ તો સવાર–સાંજ સરખાં ને તોય
વેળા આથમણે પ્હોર હતી, યાદ નથી.
જુલાઈ ૧૯૭૫