હયાતી/૯૭. સાલગિરહ
પોતાની હયાતી કદી ન ભૂલવા દેતી,
છતાં ક્યારેય ન મળતી પ્રિયતમા સમા
મૃત્યુ સાથે મને વાંકુ પડ્યું છે.
એનાં પગલાં ક્યારેક નજીક આવતાં,
ક્યારેક દૂર જતાં સાંભળું છું :
પગલાંથી પરિચયનો રસ્તો ના મળે.
મેં એને ચિક્કાર પ્રેમ કર્યો છે,
ઝંખ્યું એનું સદાનું સાંનિધ્ય :
થોડીક નિકટતાએ જિંદગીભરની તરસ આપી છે;
તરસનાં ટોળાં વચ્ચેનું એ એકાન્ત ક્યાં છે?
ક્યાં છે મારા અવાજને કાપતા અવાજો
મારા એકાન્તને ડહોળતાં એકાન્તો
મારા સૂનકારને વીંધતો સૂનકાર?
ગુરુદ્વારાના સુવર્ણદરવાજાની પાર પડેલા
ગ્રંથસાહેબમાં નાનક પોઢી ગયા છે :
આથમતાં કિરણોના સોનેરી ચળકાટ સાથેનું જળ
અચાનક સ્તબ્ધ થઈ જેની જોડે વાત કરી લે છે –
એ તો નથીને મારું મૃત્યુ?
બીજી ક્ષણે એક પછી એક લહેરીઓમાં વિસ્તરતાં કૂંડાળાં
મારી શાંતિમાં પથ્થર ફેંકીને ચાલ્યાં જાય છે.
શાંતિના સાત કોઠા વીંધ્યા પછી
મળે અશાંતિનું કવચ :
મૌનનાં સાત રણની પાર છે
વાણીની વસતિ :
એકલતાનાં સાત જંગલની પાર
કહે છે કે ટોળાનું સત્ય વસે છે;
ત્યાં જવાની પવનપાવડી
એટલે જ મૃત્યુ.
એ તો મળે કાં પરી પાસે,
કાં કોઈ જંગલમાં રહેતી ડોશી પાસે,
કાં સાત ટાપુની પાર રહેલા ટાપુમાંના
દુર્જેય રાક્ષસ પાસે.
કૃષ્ણ કાળીનાગ પાસેથી દડો લેવા
યમુનાને તળિયે ગયા છે
કે પ્રભાસના વનના કોઈ અશ્વત્થ નીચે બેઠા છે,
એની ખબર નથી;
આ વૈશાખી પૂર્ણિમા
બુદ્ધના જન્મનો સંકેત લઈ આવી છે કે નિર્વાણનો
એ કોણ જાણે છે?
ઉત્સવ અને મૃત્યુ જ્યાં એક થઈ જાય,
એવી કોઈક ક્ષણે
હું અસહાય બની જાઉં છું,
અને ઊજવું છું મને મળેલા છેહની સાલગિરહ
પૂછું છું હાથતાળી આપી ચાલી જનાર
– મૃત્યુ કે પ્રિયતમા – ને
મળ્યા વિના ક્યારેય કોઈ આરો છે ખરો?
ફેબ્રુઆરી ૧૯૭૬