હરીશ મીનાશ્રુની કવિતા/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હરીશ મીનાશ્રુની કવિતા : અહાહાહા અહોહોહો


– અજયસિંહ ચૌહાણ


આધુનિક યુગ પછી ગુજરાતી કવિતામાં જે કેટલાંક મહત્ત્વના કવિ અવાજો આવ્યાં એમાં હરીશ મીનાશ્રુ મુખ્ય છે. હરીશ મીનાશ્રુ પાસેથી ‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’ (૧૯૮૮), ‘સુનો ભાઈ સાધો’ (૧૯૯૯, ૨૦૧૧), ‘તાંબૂલ’ (૧૯૯૯, ૨૦૦૯), ‘તાંદુલ’ (૧૯૯૯, ૨૦૧૧), ‘પર્જન્યસૂક્ત’ (૧૯૯૯, ૨૦૧૧), ‘પદપ્રાંજલિ’ (૨૦૦૪, ૨૦૨૨), ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’ (૨૦૧૧), ‘બનારસ ડાયરી’ (૨૦૧૬), ‘નચિકેત સૂત્ર’ (૨૦૧૭), ‘કુંભલગઢ’ (૨૦૨૨) જેવા કાવ્યસંગ્રહો; ઉપરાંત ‘દેશાટન’, ‘હમ્પીના ખડકો’ અને ‘સન્નિધાન’ જેવાં કવિતા અનુવાદના પુસ્તકો પણ મળ્યાં છે. આમ જોઈએ તો હરીશ મીનાશ્રુ સાતત્યપૂર્વક કાવ્યસર્જન કરતાં રહ્યાં છે. હરીશ મીનાશ્રુ કાવ્યસર્જનક્ષેત્રે પ્રવૃત્ત થાય છે એ સમયે ગુજરાતીમાં આધુનિકતા અને આધુનિક કવિઓનો દબદબો હતો. એ બધાની વચ્ચે પોતે નિજી મુદ્રા પ્રગટાવે છે એટલું જ નહીં, સંગ્રહે-સંગ્રહે વિષય-ભાષા અને અભિવ્યક્તિરીતિમાં પણ અવનવાં રૂપે વિલસતાં રહ્યાં છે. હરીશ મીનાશ્રુની સમગ્ર કવિતામાંથી પસાર થતાં અભ્યાસ માટે કેટલાંક નિરીક્ષણો રજૂ કરી શકાય : ૧. શરૂઆતની ‘ધ્રિબાંગસુંદર’ જેવી રચનાઓમાં કાવ્યગત શબ્દ અને અર્થની સાથે જોડાયેલા સંકેતો સમેત માનવસ્વભાવમાં રહેલી split personality, સમકાલીન સાહિત્યિક પરિવેશનું વિડંબન કરતી કવિતા. ૨. ‘સુનો ભાઈ સાધો’, ‘તાંદુલ’, ‘તાંબૂલ’, ‘પર્જન્યસૂક્ત’ની આધ્યાત્મિક ચેતના, રાધાસ્વામી સંતમત – કબીરની જ્ઞાનમીમાંસા અને સાંસારિક અનુભવોથી ચૈતન્ય તરફની ગતિને કાવ્યગત ભૂમિકાએ રજૂ કરતી કવિતા. ૩. ‘પંખીપદારથ’ની જીવન, જગત, ગૃહસ્થ આદિની કલ્પનોથ અભિવ્યક્તિ સમાન રચનાઓ ઉપરાંત સામાજિક સંદર્ભ, સામાજિક નિસબતને સંકેતતી કવિતા. ૪. ‘બનારસ ડાયરી’, ‘કુંભલગઢ’ની સ્થળવિશેષ સાથે ગૂઢ સંદર્ભ ગૂંથતી, અર્વાચીન-પ્રાચીનના સુંદર-અસુંદર અંશોને જોડતી કવિતા. આમ, આપણે હરીશ મીનાશ્રુની કવિતામાં બદલાતી અભિવ્યક્તિરીતિઓ, સંદર્ભોને જોઈ શકીએ છીએ. પરંપરા સાથેે સ્વકીય અનુસંધાન રચી અને સમકાલીન સમય સંદર્ભ, રજૂ કરતી કવિતાના જે કેટલાંક પ્રયોગો આધુનિકોત્તર સમયમાં થયાં એમાં ‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’ મહત્ત્વની રચના છે. માણસના વિખંડિત વ્યક્તિત્વ અને સમકાલીન સાહિત્ય જગતનો પરિહાસ કરવા કવિ ‘ધ્રિબાંગસુંદર’નું પાત્ર સર્જે છે. એ માટે કથનશૈલી મધ્યકાલીન આખ્યાનની પસંદ કરે છે અને સ્વરૂપો ગઝલ, અછાંદસ, કુંડળિયા. ‘Idiot કવિ, એક હાર્માનિયમિકા’ કાવ્યમાં જુઓ :

સુંદરધ્રિબાંગજીનું જાય વરઘોડું
કે પગલાંમાં શરબત દડ્યા રે લોલ
લ્યા, પે’રીને સંતરાની છાલનું જોડું
તે ચૈડ ચૈડ પરબત ચડ્યા રે લોલ
કવિતાના ઢેકા કનકવિદરમુના
અઢારે અંગ કેવા ઘડ્યાં રે લોલ
લ્યાં, કુંબળા કાંટા વાગ્યા કલ્પદ્રુમના
લકુંબા તે લેવા પડ્યા રે લોલ

કવિતાના ઢેકા અને લકુંબા જેવા શબ્દો અહીં આગંતુક લાગતા નથી. ભાષાની નિરર્થકતા અને છંદની યાંત્રિકતાને કવિ આ રીતે રજૂ કરે છે :

ભાષા, તને ભોગવીને ભવૈયા
જણે ગાભણા થૈ સવાસો સવૈયા

જીવનની સૂક્ષ્મ સમજ ‘સુનો ભાઈ સાધો’ની ગઝલોમાં સુંદર રીતે વ્યક્ત થઈ છે. ઉપરછલ્લી આધ્યાત્મિકતાને આજે ગઝલમાં મૂકવાનો ધારો થઈ ગયો છે. એની સામે હરીશ મીનાશ્રુનો શબ્દ ચૈતન્ય સ્પર્શે રસાઈને આવતો અનુભૂતિજન્ય હોવાથી તિર્યક્ બને છે. જુઓ :

જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો
કબરની સાદગીથી ઘર હવે શણગારવું, સાધો

સમજ પડતી ન’તી તેથી બીડ્યા’તા હોઠ સમજીને
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું સાધો

આત્મપ્રતીતિ અને ચૈતન્યના સ્પર્શ વગર આ પ્રકારે સહજતાથી સંવેદન રજૂ થવું અઘરું છે. ટી. એસ. એલિયટે કરેલી પરંપરાની વાત મોટાભાગના સમર્થ કવિઓને લાગુ પડે છે. હરીશ મીનાશ્રુ પણ આપણી તત્ત્વ-સત્ત્વ અને સાહિત્ય પરંપરાનો સતત સર્જનાત્મક વિનિયોગ કવિતામાં કરતા રહ્યાં છે. આંતરકૃતિત્વ (Intertextuality)ની રીતે પણ એમની કવિતાનો સ્વતંત્ર અભ્યાસ કરી શકાય એવો અને એટલો વિનિયોગ એમની કવિતામાં છે. બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેની નાસદીયસૂક્તમાં આપેલી કથા અને પ્રશ્નો-જવાબોને સહજ રીતે રજૂ કરે છે.

ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો
ન’તા પંડિત ન’તા પંડા અહાહાહા અહોહોહો

તમસપુંજો ઘુમરતાં ગર્ભનાં નભમાં નિરાલંબે
ન’તા આશય ન’તા અંડા અહાહાહા અહોહોહો

રાધાસ્વામી સંતમતના સંતકવિ હુજૂર મહારાજના કાવ્યનો રદીફ લઈને બ્રહ્માંડ-પૃથ્વી અને પુરુષની ઉત્પત્તિને આ ગઝલમાં શબ્દબદ્ધ કરી છે. ‘પર્જન્યસૂક્ત’ની રચનાઓમાં સંસ્કૃત તત્સમ પદાવલિમાં પર્જન્ય અને એની સાથે જોડાયેલી આખી સૃષ્ટિ ઉઘડે છે. આ સંગ્રહના કાવ્યો વૈદિક વરસાદનું મિથ બની જાય છે. એમાં પ્રેમ અને પીડાની સેર પણ વણાયેલી છે. હરીશ મીનાશ્રુની કવિતામાં માત્ર આધ્યાત્મિક ભાવો જ છે એવું નથી. એમની કવિતામાં સામાજિક પરિવેશ, સામાજિક નિસબત પણ છે. છેલ્લા થોડાં વર્ષોમાં લખાયેલા ગીતો, ‘પંખીપદારથ’ અને ‘નચિકેતસૂત્ર’માં આવતા સંકેતોમાં એ જોઈ શકાય છે. હા, એ આજના મોટાભાગના કવિઓની જેમ મુખરિત નથી કે નથી બોલકું સ્વરૂપ ધારણ કરતી. એ કવિતાની શરતે, સંગોપાઈને આવે છે.

‘છાપાવાળો છોકરો’ની આ પંક્તિઓ જુઓ :
હું એના ચાલ્યા જવાની દિશામાં જોઉં છું
નોર્થ અથવા ઇસ્ટ અથવા વેસ્ટ અથવા સાઉથ
એક ધડાકો થાય છે : નક્કી બિચારાની
સાઇકલનું ટાયર ફાટ્યું લાગે છે
અથવા
એ જે હોય તે, એને મળી શકાતું નથી.

એ જ રીતે હરીશ મીનાશ્રુની કવિતા ભાષા એ ગુજરાતી કવિતાનો મહત્ત્વનો પડાવ છે. શબ્દોને તોડવા-મરોડવા, નવા શબ્દો નિપજાવવા, એકાદ અક્ષરના ફેરફારથી આખો સંદર્ભ બદલાઈ જાય એવા અનેક રસસ્થાનો એમની કવિતામાં જોવા મળે છે. જેમકે ‘અમીં રે ગનપાવડરનાં માણસો’, ‘મારે તે આંગણ હિરોશીમળાનું ઝાડ’, ‘અકાદમંયતિ’. એમની કવિતા ભાષામાં તોછડી તાંબુલીતિક્તતા છે અને સરળ રસિકતા પણ છે. ઘણીવાર એમની પદાવલિ અનેક સ્તરીય હોય છે. જુઓ :

અમે ઉઘાડાં તાસક જેવા મધ્ય તિક્ત તાંબુલ
ઝડપ બીડું અયિ બલમ પિંજરે મૈના અતિવ્યાકુલ

અહીં શરૂઆતની અડધી પંક્તિમાં ગુજરાતી પછી સંસ્કૃત તત્સમ અને બીજી પંક્તિમાં વ્રજ-હિન્દી એમ પદાવલિના જુદાજુદા સ્તરો છે પણ એ આગંતુક લાગતાં નથી. એકરસ થઈને વિલસે છે. ‘બનારસ ડાયરી’ અને ‘કુંભલગઢ’ જેવા કાવ્યસંગ્રહોમાં સ્થળ હોવા છતાં સ્થલાતીત સંદર્ભોને કારણે અપૂર્વ સાહચર્ય રચાય છે. આમ, સમગ્રતયા જોઈએ તો અગિયાર કાવ્યસંગ્રહોમાં આ કવિ નોખી રીતેભાતે વ્યક્ત થાય છે. પ્રબળ કવિપ્રતિભા વગર આવું રસનિષ્ઠ સાતત્ય જાળવવું શક્ય નથી. ગીત-ગઝલ-અછાંદસ-ગદ્યકાવ્ય, છંદોબદ્ધ રચનાઓ એમ કવિતાનાં અનેક સ્વરૂપોમાં એક સમાન સામર્થ્યથી વિહરતા આ કવિનું પ્રદાન કાવ્યભાવકો અને કાવ્યમર્મજ્ઞો – ઉભયને પ્રસન્નકર રહ્યું છે. આપણી ભાષાના આવા એક સમર્થ કવિની કવિતાનું સંપાદન કરવું એ ઘણી જહેમત માંગી લે એવું કાર્ય છે. કારણ કે અગિયાર કાવ્યસંગ્રહો અને ગ્રંથસ્થ ન થઈ હોય એવી રચનાઓને માટે અહીં પંચોતેર-એંશી પૃષ્ઠની મર્યાદા હતી. સ્વરૂપ, ભાષા, સંવેદન, રચનારીતિના અપાર વૈવિધ્યને કારણે કઈ રચના લેવી અને કઈ ન લેવી એ મૂંઝવણભર્યું હતું. છતાં હરીશ મીનાશ્રુની કવિતાનું વૈવિધ્ય ભાવકો સુધી પહોંચે એવો પ્રયત્ન આ સંપાદનમાં કર્યો છે. એમની કવિતા વિશે લખવામાં પણ ત્રણ-ચાર પૃષ્ઠની મર્યાદા હતી. જ્યારે કોઈ શ્રેણીમાં પુસ્તક થતું હોય ત્યારે સ્વાભાવિક એની એક ‘ડિઝાઇન’ જરૂરી છે. આવી મહત્ત્વની શ્રેણીમાં મહત્ત્વના કવિની કવિતાના સંપાદનનું કાર્ય મને સોંપ્યું એ બદલ હું આ શ્રેણીના સંપાદક શ્રી મણિલાલ હ. પટેલસાહેબનો આભાર માનું છું. એકત્ર ફાઉન્ડેશન અને એના સંચાલક અતુલભાઈ ગુજરાતી સાહિત્યના ડિજિટલાઇઝેશન દ્વારા આજના સમયને અનુરૂપ અનેક ગ્રંથોને ઇ-બુક્સ રૂપે વિશ્વફલક સામે મૂકી રહ્યાં છે એ ઐતિહાસિક ઘટના છે. એમનો આ ક્ષણે આભાર માનું છું. ટાઇપ અને સુંદર લે-આઉટ માટે મિત્ર મહેશ ચાવડાનો આભાર.