હરીશ મીનાશ્રુની કવિતા/સ્થળસંહિતા
(ચિરંતન વટેમારગુએ ચીંધ્યું ને વીંધ્યું તે આગ્રા, અંતર્મુખ નકશાઓમાં)
પીપલમંડીથી ૫ન્નીગલી : ૪
આગ્રામાં
સવાલ હોય તો એક જ છે :
શી રીતે પહોંચવું પીપલમંડીથી પન્નીગલી
એક તો પીપલમંડી ક્યાં છે તે કોઈ ખાતરીપૂર્વક કહેતું નથી
આ રહી પીપલમંડી – એવું કહેનારા
હોય છે માથાના ફરેલ અથવા મશ્કરા -
એમની વાત પર ભરોસો પડતો નથી
ક્યારેક વળી કોઈ પરગજુ આંગળી ચીંધી બતાડે છે
તે પીપલમંડી
આપણે જેની ધારણા કરી છે તે પીપલમંડીથી
એટલી અલગ હોય છે કે આપણે આભારવશ થઈને પણ
વિચારમાં તો પડી જ જઈએ છીએ
કોઈક વળી આપણને રાવતપાડાના રસ્તે ચડાવી દે છે
પેઢીઓથી પીપલમંડીમાં વસેલાંને પણ
હજુ પીપલમંડી જડી નથી
ને કેટલાક પ્રકૃતિવશ
પીપલમંડીમાં પીપલમંડીથી અતડા રહે છે
જો કે
બધ્ધાંયને એક વાતની પાકી ખબર છે
કે પીપલમંડી છે ખરી
ને તે પણ આટલામાં જ
જિજ્ઞાસુઓ વિતંડા કરે છે
પીપલમંડીથી પન્નીગલી સુધીના અંતર વિષે
કોઈ કહે છે
ફાસલો કેવળ અઢાર ડગલાંનો છે
કોઈ કહે છે, ના, અઢાર ગજનો
અઢાર જોજનનો
અઢાર વર્ષનો અથવા અઢાર પ્રકાશવર્ષનો
આ બધી ધમાલમાં
પીપલમંડીના સંશોધકો વિસરી ગયા તે
સત્ય એ છે કે
જો પીપલમંડી
સ્થળ હોય તો
એ છે અત્ર ને અનવદ્ય
પળ હોય તો
એ છે સહજ ને સદ્ય
જેમ બે સત્ય વચ્ચે દ્વિધાનો અવકાશ બચતો નથી
એમ કશું જ અંતર નથી રહેતું
અસ્થિ અને આસ્થા વચ્ચે
સ્થાન અને પ્રસ્થાન વચ્ચે
પીપલમંડી અને પન્નીગલી વચ્ચે
જે કોઈને જ્યારે જડી જશે પીપલમંડીનું આ સત્ય
પન્નીગલીની દિશામાં
એ સહજપણે એક ડગ માંડશે
કારણ સાવ સરળ છે :
અંતર અઢાર ગજનું હોય
અઢાર વર્ષનું હોય કે અઢાર પ્રકાશવર્ષનું
એને કાપવા
અગતિનું એક ડગલું તો ભરવું જ પડે છે
પીપલમંડી : રાધાસ્વામી સતસંગ સાથે જોડાયેલું આગ્રાનું સ્થળવિશેષ.