હાલરડાં/કાનકુવરની ઝૂલડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાનકુવરની ઝૂલડી

[કૃષ્ણજીની આંગડી ખોવાઈ. ત્યાં તો માતા જશોદાજી આકળા-બેબાકળા થઈ ગયાં. એના મનમાં તો એમ કે મારા દીકરા વગર બીજા કોઈને એ વસ્ત્ર ઓપે જ નહિ! મનમાં થયું કે પેલો ટીખળી નારદજી જ મારા બેટાની ઝૂલડી ચોરાવી ગયો હશે! એને બોલાવી, આકરા સમ ખવરાવી, એનું સાચ નક્કી કરવા હું ધગધગતો ગોળો ઉપડાવીશ!]
ધન્ય ગોકુળિયું ધન્ય વનરાવન ધન્ય ગોકળની નારી!
માતા જશોદા ધોવા ગ્યાં'તાં ઝૂલડી વિસારી
કોઈને જડી હોય તો દેજો મારા કાનકુંવરની ઝૂલડી!

સાવ સોનાની ઝૂલડી મંહી રૂપાના છે ધાગા,
અવર લોકને અરઘે નહિ મારા કાનકુંવરના વાઘા.– કોઈને૦

શેરીએ શેરીએ સાદ પડાવું, ઘર ઘર હીંડું જોતી,
ઝૂલડીને છેડે મારાં અમૃત સાચાં મોતી. – કોઈને૦

ધમણ ધમાવું ગોળા તપાવું નારદને તેડાવું,
ઝૂલડીને કારણે એને તાતા સમ ખવરાવું. – કોઈને૦