હાલરડાં/કાનાની પછેડી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કાનાની પછેડી

નવાનગરમાં નવલી વાત, કાન ઘડાવે નવસર હાર;
હાર ઘડાવતાં લાગી વાર, કાન પછેડી રહી કમાડ!

આવી લુવારણ દીવડો લઈ, વળતાં પછેડી લેતી ગઈ.

તેડાવો લુવારણ ચલવો જાણ,
તે કેમ લૂંટ્યાં ગોકળ ગામ!

નથી લૂંટ્યાં અમે ગોકળ ગામ,
નથી દુવ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુડો કેસી રાત!
ધોળી પછેડી ઢૂંઢણ ભાત, કાળો કાનુડો આઠમ રાત;

ઓશીકે મેલીને કાન પાંગતે જુએ,
પછેડી સંભારી કાન ધ્રુશકે રુવે! - નવાનગરમાં૦
આવી સુતારણ બાજોઠ લઈ, વળતાં પછેડી લેતી ગઈ;
તેડાવો સુતારણ ચલાવો જાણ,
તેં કેમ લૂંટ્યાં ગોકળ ગામ!
નથી લૂંટ્યાં અમે ગોકળ ગામ,
નથી દુવ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુડો કેસી રાત!
પીળી પછેડી પોપટ ભાત, કાળો કાનુડો આઠમ રાત;
ઓશીકે મેલીને કાન પાંગત જુએ.
પછેડી સંભારી કાન ધ્રુશકે રૂવે! – નવાનગરમાં૦

આવી કુંભારણ માટલાં લઈ, વળતાં પછેડી લેતી ગઈ;
બોલાવો કુંભારણ ચલાવો જાણ,
તેં કેમ લૂંટ્યાં ગોકળ ગામ!
નથી લૂંટ્યાં અમે ગોકળ ગામ,
નથી દુવ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુડો કેસી રાત!
રાતી પછેડી રીંગણ ભાત, કાળો કાનુડો આઠમ રાત;
ઓશીકે મેલીને કાન પાંગતે જુએ
પછેડી સંભારીને કાન ધ્રુશકે રુવે! – નવાનગરમાં૦