હાલરડાં/પારણિયામાં પોઢો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પારણિયામાં પોઢો

ઓળોળોળો હાલ્ય હાલ્ય રે
પ્રીતમ પારણિયામાં પોઢ્યો.

ઘણા સોનાનું પારણું ને કોરે વીજળી વ્રળકે.
પારણિયાને ફેર ફરતી રતન ચૂનીઓ ઝળકે.
- ઓળોળોળો.

સોનાની સાંકળીઓ સુંદર રેશમની છે દોરી,
ચાર ખૂણે ચંદરવા ટાંક્યા, વચ્ચે સૂરજની જોડી.
- ઓળોળોળો.

મોર ચકલીઓ પૂતળીઓ ને ઝૂમખડાં સોનાના,
રૂમઝૂમ રૂમઝૂમ બજી રહ્યાં મારા લાલ રહો ને છાના.
- ઓળોળોળો.

હીર ચીરનાં બાળોતિયાં ને હાથમાં ધાવણી ઝાલી,
લાડકવાયો બાળક ઝૂલે, મે'ર કરી મતવાલી.
- ઓળોળોળો.

ભીડ થઈ જશોદાને મંદિર જોવા છેલછબીલા,
પગતળિયે પિલાઈ ગયા પ્રેમીજન ભગતીવાળા.
- ઓળોળોળો.