હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/ઊભું છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઊભું છે

ઊભું છે પાત્ર સામે એક ગ્રીક ટ્રેજડીનું,
પૂછે છે, “શું કરીશું અસ્તિત્વની કડીનું?

માનવ પરંપરા આ ચાલી વધારે પડતી,
શું રાખવું પ્રલોભન ફાટેલી મોજડીનું?”

“ફાટ્યું-તૂટ્યું ભલે હો” ગુસ્સે થતાં હું બોલ્યો,
“અમને ઘણું ગમે છે આ વસ્ત્ર ચામડીનું.”

“તું જાય છે ખવાતો અંદર ધીરેધીરેથી,
તારા શરીરમાં છે ઓજાર શારડીનું.”

“બદલી કશું શકું એ સામર્થ્ય ક્યાં?” કહ્યું મેં,
“પાકટ પવનની સામે શું જોર પાંદડીનું?”

“લે ભેટ આ!” કહીને મારી તરફ ઉછાળ્યું,
થોથું હતું એ કોઈ દળદાર ચોપડીનું.

“આગાહી ધૂમ્રતામાં અગ્નિના અંતની છે.”
વાંચ્યું મેં આમ, પાનું ખોલીને ફૂદડીનું.

દોસ્ત, ૨૪