૮૬મે/ન-કશાનું નગર
Jump to navigation
Jump to search
ન-કશાનું નગર
વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા,
કોઈને ખબર નથી
એનાં ઈંટ, માટી ને પથ્થર ક્યાંથી આવી રહ્યાં,
એ તો જોકે એમને પણ ખબર નથી
કે તેઓ એ બધું ક્યાંથી લાવી રહ્યા.
વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા.
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.
કોઈને ખબર નથી
કે શાથી એ રાતે વણીને દ્હાડે ઉકેલી રહ્યો,
પણ એને શું ખબર નથી
કે છાનોમાનો એ શું સંકેલી રહ્યો?
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.
વર્ષોથી તેઓ એક નગર ખચખચી રહ્યા.
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો બણબણી રહ્યો,
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો ગણગણી રહ્યો.
વર્ષોથી તેઓ એક નગર કચકચી રહ્યા.
વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે નથી નકશાનું નગર,
વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે તો છે ન-કશાનું નગર.
૨૦૦૭