૮૬મે/સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી

તું ક્રાન્તિની પુત્રી,
મુદ્રાલેખ જે ત્રિસૂત્રી
એમાં તું પ્રથમ સ્થાને;
સમતા, બન્ધુતા તારી આજ્ઞા માને.

તારો જન્મ પૅરિસમાં, બાર્થોલ્ડીને ઘેર,
તારી પર ઇફેલ અને હ્યુગોની મ્હેર.

તું બે મહાપ્રજાઓ વચ્ચેની મૈત્રીનો સ્મૃતિસભર ઉપહાર,
વર્ષો પૂર્વે તારી સમુદ્રયાત્રા ઍટ્લાન્ટિકની પાર;
આજે હવે તું સ્વયં અભિવાસી ઊભી દ્વીપ પરે ન્યૂયૉર્કના પ્રવેશદ્વારે,
વર્ષોથી તું એ જ માર્ગે આ પૃથ્વીની સૌ પ્રજાઓને સત્કારે.

તારી પીઠીકા પર અંકિત જે ‘ધ ન્યૂ કોલોસસ’નું ગાન
એમાં સૌ આગંતુક અભિવાસીઓને તારું આહ્વાન":
‘આપો મને તમારા સૌ ક્લાન્ત, અકિંચન, અસ્તવ્યસ્ત
કોટિ કોટિ માનવો, જે ઝંખે મુક્ત શ્વાસ લેવા;
મોકલી આપો હોય જે ગૃહહીન, ઝંઝાગ્રસ્ત,
તમારા વિસ્તીર્ણ તટ પર હતભાગી, બહિષ્કૃત જેવા;
સુવર્ણના દ્વારે પ્રદીપ ધરે આ ઊર્ધ્વ મારો હસ્ત.’

તારા શિર પરે મુકુટ જે સોહે, એમાં સપ્ત તેજબિંદુ,
એનો અખંડ પ્રકાશ પામે સપ્ત ખંડ, સપ્ત સિંધુ;
તારા ચરણતલે દુ:શાસનની શૃંખલા તું ભાંગે,
સ્વાતંત્ર્યની પ્રતિમા તું, તારું નામ સાર્થક શું લાગે;
તારા સમતલ વામ હસ્તે ‘સ્વાતંત્ર્યનું ઘોષણાપત્ર’ તું ધરે,
એથી તો તું આજ લગી આમંત્રી ર્હૈ મનુષ્યોને વસવાને મુક્ત ભૂમિ પરે;
તારા નભોન્મુખ દક્ષિણ હસ્તે પ્રદીપ તું ધરે, એમાં ઊર્ધ્વ જ્યોત પ્રકાશે,
એથી તો તું આજે હવે પ્રેરી રહી મનુષ્યોને ઊડવાને ભવ્ય અવકાશે.

૨૦૦૪