– અને ભૌમિતિકા/ડેન્ટલ ક્લિનિકમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડેન્ટલ ક્લિનિકમાં

—પ્રવેશતાં જ
મૂંગા હાસ્યના ઉછાળમાં ખોવાઈ જતો લાગું છું.
આંખોથી અવાજ સંભળાય છે ને
હું આંખથી ફરફર હસું છું.
એકમેક પર પડેલાં ઘંટીનાં પડ જેવાં
દાંતનાં હારબંધ ચોકઠાં વચ્ચે મારું હાસ્ય
દળાઈને સતત ઝરતું જાય છે,
આ દાંત પરથી શિયાળ બેઠું થાય,
પેલા પરથી ઘોડો હણહણી ઊઠતો લાગે
ને આના પર તો હાથી તોતિંગ દંતશૂળ લઈ ઊભો
ને અહીંયા વાઘની માસી ઘૂરકે...
સોના-ચાંદીના વરખ ચડાવેલા દાંત,
કક્કાના ‘ક...ખ’ જેવા કાલાકાલા દાંત,
હાડકું ભચડતા દાંત... દાતણ ચીરતા દાંત...
દાંત એટલે દાંત
જે અંદર રહીને દળ્યા જ કરે... ચાવ્યા જ કરે...
કશુંક ઝર્યા જ કરે... કશુંક ઓર્યા જ કરે.
.......
હજાર હજાર વર્ષ પહેલાં
જન્મતાંની સાથે જ ફૂટી નીકળેલા
એક દાંતને શોધું છું.
એ તો અહીં ક્યાંય જણાતો નથી;
ને સતત ખટક્યા કરે બસ, સતત ખટક્યા કરે છે.
કહેવાય છે એની પકડ મજબૂત છે... મૂળ ઊંડાં છે...
વધુમાં એમાં પોલાણ છે.
રાઈનો એકાદ દાણા એમાં ભરાઈને
સમગ્ર હાડપિંજરને હચમચાવી શકે એવું પોલાણ છે.
પરંતુ એની આ અદૃશ્ય હોવાની સનાતનતા
ક્યારેય તૂટી શકતી નથી.
જે બત્રીસીમાં એ નિરંતર હસ્યા કરે છે
તે ખોપરીના સાચકલા ચહેરા પર
ચામડીના ભિન્ન ભિન્ન પડને પળેપળ લીંપવા
મથતો આવ્યો છું હજાર હજાર વરસ
પરંતુ ભીતર ખોપરી તો સતત હસ્યા જ કરતી હોય છે.
ને એના મૂંગા હાસ્યના ઉછાળમાં હું–
—પણ, હવે બસ :
મારો દાંત કળે છે.
૨૬-૧-૧૯૭૨