– અને ભૌમિતિકા/મારી કાવ્યપ્રવૃત્તિના મૂળમાં

મારી કાવ્યપ્રવૃત્તિના મૂળમાં

અઢી દાયકા પહેલાં સ્કૂલમાં ૮મા ધોરણમાં ગુજરાતીના શિક્ષક શ્રી પ્રવીણ ભટ્ટે કવિતા પ્રતિ વાળ્યો. વર્ગમાં મુક્તકો-સુભાષિતો લખી એમને આપતો. છંદોમાં જ મોટે ભાગે લખાયું. નોટબુુકમાં હજીયે છંદોબદ્ધ કાવ્યો પડ્યાં છે. નરસિંહરાવની ‘કુસુમમાળા’ સ્કૂલના પુસ્તકાલયમાંથી એ વખતે પહેલ વહેલી હાથે ચડી. મન ભરીને વાંચેલી. ૧૯૬૬માં મુંબઈ આવ્યો. સિદ્ધાર્થ કૉલેજમાં જયંતભાઈ ગુજરાતી શીખવતા. મારાં છંદોબદ્ધ કાવ્યો, ગીતો વાંચી ‘કવિલોક’ની એ વખતની કવિ શ્રી રાજેન્દ્ર શાહની લિપિની પ્રેસમાં મળતી બેઠકમાં લઈ ગયા. રાજેન્દ્રભાઈએ સાચા અર્થમાં શબ્દની ઓળખ કરાવી આપી. શબ્દ ઔચિત્ય, એની અનિવાર્યતા અને યથાર્થતા – દરેક સંદર્ભમાં કેમ સાચવવાં એના પાઠ શિખવ્યા. રાજેન્દ્રની એ મહામૂલી અને અનિવાર્ય શીખ મને-અમને મળેલી. કાવ્ય લખનારે દરેક સાટે એવા તબક્કે એ જરૂરી છે એમ માનું છું એટલે એ વાત અત્યારે હૃદયપૂર્વક અને ગૌરવથી સંભારું છું. એ દરમિયાન સાહિત્યની જેમની અનેરી સૂઝ છે એવા જયંતભાઈએ ગુજરાતી તથા પાશ્ચાત્ય સાહિત્યની કેટલીક માતબર કૃતિઓ વાંચવા ભલામણ કરી. એમ સુરેશ જોષી અને એવા મોટા ગજાના સાહિત્યકારોનો પરિચય કરાવી આપ્યો. એ પછી મારી કાવ્ય-સાહિત્ય વિષેની સૂઝે જુદો વળાંક લીધો... ગણું છું. અહીં સંગ્રહાયેલાં કાવ્યો લગભગ ૧૯૭૭ સુધીનાં છે. એ પછી ઝાઝું લખાયું નથી; લખાયું તો પ્રગટ કર્યું નથી. કોણ જામે કેમ અરાજકતાભર્યા વાતાવરણને કારણે આજસુધી નિર્વેદ પોષાતો ગયો. ગયા વરસે દિવાળીને આગલે દિવસે શિરીષભાઈ મારે ઘેર આવ્યા એ કાવ્યોની માગણી કરી, સંગ્રહ કરવો છે એમ કહી લગભગ ભૂલાઈ ગયેલી ડાયરી વડોદરે લઈ ગયા. મારામાંની રાખ ઓઢી પડેલી શ્રદ્ધાને નવો પ્રાણવાયુ મળ્યો. મારી કવિતા વિશે મારે કાંઈ કહેવાનું નથી. સંગ્રહને તો મુદ્રણની આપણા જમાનાની દેનને કારણે એક વ્યવસ્થા ગણું છું. છતાં એ વ્યવસ્થામાં બંધાવું પડે છે! મને લાગ્યું છે ત્યારે ત્યારે પલાંઠીવાળીને માત્ર કવિતા ને કવિતા થયા એવા પ્રયત્નો–છેક-ભૂંસ કરી છે. કઠ્યું કે કઠિન લાગ્યું ત્યારે અથવા હથોટી બેસી ગયાની ભ્રાંતિ કે પ્રતીતિ થઈ છે ત્યારે એ પલાંઠી એટલી જ સાહજિકતાથી છોડી, પગ ખંખેરી ઊભો થઈ ગયો છું. શબ્દ સાથે જીદ-જીભાજોડી કરી નથી. પ્રયોગખોરી કે લયની કસરત કરી પ્રગટ કરવાનું રુચ્યું નથી. એના તત્કાલીન લાભના લોભ વગર સ્વસ્થતાને આંચ ન આવે એમ માત્ર સર્જવાનું માથે લીધેલું જેના પરિણામરૂપ આ એક અધ્યાય પ્રસિદ્ધ થઈ અહીં પૂરો થયો ગણું છું – બીજા અધ્યાયની કોઈ જ ખાતરી વિના. છેલ્લા મારા સર્જનકાર્યમાં પ્રેરણારૂપ બનનાર સર્વશ્રી પ્રવીણ ભટ્ટ, કવિશ્રી રાજેન્દ્ર શાહ, જયંત પારેખ, સ્વ. મહેન્દ્ર ભગત, શિરીષ પંચાલ અને જેમણે હંમેશાં, સતત હૃદયપૂર્વક સંગ્રહની માગણી કરી છે ને મને હૂંફ આપી છે એવા કવિમિત્રો સર્વશ્રી પ્રાણજીવન મહેતા, ભરત નાયક, ગીતા નાયક, નીતિન મહેતા, હર્ષદ કાપડિયા, કમલ વોરા, પવનકુમાર જૈન તેમ જ વીરચંદ ધરમશીને હૃદયપૂર્વક સંભારું છું. આ કૃતિઓ અગાઉ કવિલોક, કવિતા, કુમાર, સમર્પણ, કૃ, વૈશાખી, ઊહાપોહ, એતદ્ અને સાયુજ્યમાં પ્રથમ પ્રસિદ્ધ થઈ છે એ તમામના તંત્રી-પ્રકાશકોનો આભારી છું.

૨૦ જૂન, ૧૯૮૭
ભીખુ કપોડિયા