‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/એ ‘ઇતિહાસ’ છે’? : રતિલાલ ‘અનિલ’


રતિલાલ ‘અનિલ’

એ ‘ઇતિહાસ’ છે?

સુરેશ હ. જોષીએ એમના સામયિકમાં સંજાનાનો એક લેખ છાપેલો, તેની હસ્તપ્રત એમના હાથમાં અને એ વિશે વાત ચાલે – સંજાનાની અગાધ વિદ્વત્તા સામે નત મસ્તક છતાં હું અનાયાસ, કોઈ પૂર્વવિચાર વિના બોલી ઊઠ્યો : ‘સંજાના ગઝલના પ્રેમને પરકીયા પ્રેમ’ કહીને એક સાહિત્યિક મુદ્દાને નૈતિક મુદ્દો બનાવી દે છે. પ્રેમ તો ગઝલનો મૂળ વિષય છે, તેનો જ અસ્વીકાર થતાં ગઝલનો જ છેદ ઊડી જાય છે.’ સુરેશભાઈ જોઈ રહ્યા, વિચારમાં ઊતરી ગયા, ‘તમારે આવાં પિષ્ટપેષણ ન કરવાં’ એવું એ દિગ્ગજ વિવેચકે ન કહ્યું. મારી સ્થિતિ સર્વ સાહિત્યપ્રકારોના ભાવકની રહી છે, અને એ જ કક્ષાએ – શાસ્ત્રી કે પંડિતની કક્ષાએથી નહીં, – મને અનાયાસ પ્રશ્નો થતા રહે છે, તે કેવળ પ્રશ્ન ખાતર પ્રશ્ન થતા નથી. ડૉ. રશીદ કહે છે : ‘ – બાકીની ચર્ચામાં વ્યક્ત થતા એમના વિચારો પુનરાવર્તન પામતા પિષ્ટપેષણથી વિશેષ નથી.’ આ અહંકારમાંથી આવતો તિરસ્કાર છે. એ વિચારો ગઝલવિષયક છે અને પુસ્તક પણ ગઝલનું છે, એટલે એ પ્રસ્તુત જ છે. એને ખોટા કહો, એનું સાધાર ખંડન કરો. આ તોછડો અભિગમ તો, પોતે જ ભાગેડુપણું – પાછલા પગે થતું પલાયન છે. તમારો વ્યાપ સ્કૉલર – સંશોધક, વિવેચક અને વ્યાખ્યાનકારનો છે. વર્તમાન કે વિદેહ વિદ્વાનોએ ચર્ચા કરી હોય તે દોષ હોય તો તેનું ભ્રમનિરસન ન કરો એ શું કહેવાય? તમે ત્રણ સ્થાને રેખ્તા-રેખ્તીનો ઉલ્લેખ કર્યો છે, એક મૂળ અર્થને સ્પષ્ટ કરે છે, બે ઉલ્લેખો લોકો જાણે છે એમ માન્યું છે, જૂની ઉર્દૂ ભાષાને – રેખ્તીને ગઝલ કે શે’ર રૂપે કહી હોય તેનું ભ્રમનિરસન કરવાનું કામ ઇતિહાસકારનું નથી? આમાં અપ્રસ્તુત હોય તો ઉતાવળ કે બેદરકારી નથી? એ તો એક જ ઉદાહરણ. માત્રામેળ શબ્દનો ગુજરાતીમાં શો રૂઢ અર્થ છે? માત્રામેળ છંદમાં જેટલી માત્રાનો છંદ હોય એટલી જ ટોટલ માત્રા જોઈએ. અછાંદસના આગમન પછી ગુજરાતી વિવેચકો છંદોની ચર્ચા જ કરતા નથી. પણ માત્રામેળનો રૂઢ અર્થ સ્વીકારી માત્રા, માત્રાનાં સ્થાન જળવાતાં નથી, એની ઉદાહરણ સાથે સખ્ત ટીકા અગાઉ થતી હતી. કે, મંઝિલ છે સામે ને પાછો ફરું છું. ગઝલી પરંપરા અનુસાર આ પંક્તિ ખોટી નથી. પણ ‘પ્રજાબંધુ’માં એની ગંભીર ચર્ચા-ટીકા થઈ. હજી છ માસ થયા હતા ગઝલ લખવા માંડ્યાને. ઊંડી ચર્ચામાં ન ઊતરતાં, હું દોષિત છું તો કરસન માણેક પણ (વધારે) દોષિત છે એ બતાવ્યું :

ગુલામીએ દીઠું એક્‌ સપનું ગુલાબી.

લઘુના સ્થાને ‘એક્‌’ શબ્દ દ્વારા ત્રણમાત્રા, તો માત્રામેળનો રૂઢ અર્થ જાણવો ઘટે.

ગાલગાગા લગા લગા ગાગા

૧૭ માત્રાના છંદમાં, આ નીચેની પંક્તિ જુઓ : ૨૦ થશે :

બાદઅદબ બામુલાહિજા, હોશિયાર!

આ પંક્તિમાં ગણીએ તો કેટલી બધી માત્રા વધારે થાય? એટલે માત્રામેળની દૃષ્ટિએ પંક્તિ ખોટી. ગઝલી છંદો માત્રામેળ છે એ એક અનિવાર્ય પાયાનો આધાર હોય તો તે સ્થૂળ જાડો છે. મૂળે આવા ઉદાહરણમાં માત્રાનો આધાર જ રહેતો નથી, ક્યાં તો બ.ક.ઠા.ની જેમ છૂટ લીધી હોય તો તે અક્ષર પર ચિહ્ન મૂકો. શ્રી નસીમ ‘ધ્વનિમેળ’ કહે છે એ જ મૂળભૂત ‘સૂક્ષ્મ’ સત્ય છે. બહુઓછા શબ્દોમાં તે સ્પષ્ટ કરે છે, ‘અરબી પિંગળ એ ધ્વનિમેળ છે. અરબી વજનને અક્ષરમેળ, માત્રામેળ કે શ્રુતિમેળથી ઓળખવાનું યોગ્ય નથી.’ તેઓ કહે છે કે તકતીઅમાં અડધો, આખો અક્ષર ઊડી, લઘુગુરુના સ્થાનમાં પણ ફરક પડે છે. તેની સમસ્ત પદ્ધતિ કે તેના ધ્વનિમાં ફરક પડતો નથી.’ સામે ઉદાહરણ રાખીને તપાસો તો આ નિર્ણય લા-જવાબ છે. ગઝલ પહેલાં કોણે લખી એ જવા દો, દયારામ સુધી પહોંચો ને કૂદકો મારી કલાપી યુગે પહોંચી જાવ, વચલા સમયમાં થયું તે મુદ્રિત રૂપે નથી માટે જવા દો - એ સ્કોલરનું લક્ષણ છે? ઇતિહાસકારની નિયતિ (?) એ છે કે તે જીવતા શરીર સુધી નહીં, હાડપિંજર સુધી જ પહોંચી શકે છે. ‘ઉરુઝ’ લખાયું એ સરતચૂક છે, એ સ્વીકાર્ય છે. પ્રશ્ન એ કે એના ‘અશેષ નિરૂપણ’માં લેખકને જે અદમ્ય ઉત્સાહ છે તે વ્યાખ્યાનનાં કેટલાંયે નિરૂપણોમાં કેમ નથી? પણ મેં કરેલી ભૂલ તો ‘ગઝલનું વ્યવસ્થિત શાસ્ત્ર કે ઇતિહાસ કેમ ‘આપ્યું’ નથી’ એના જેવી છે! એ વિશે લખું તે ટીખળ થાય! વડોદરામાં એક વિદ્વાને ગઝલ-શાસ્ત્ર વિશે પુસ્તક લખ્યું તેમાં શેખને સ્પર્શે એવું કેટલુંક હશે એટલે પાંચસાત પાનાં ભરી એના જોડણીદોષો, વ્યાકરણદોષો શેખે છાપી નાખ્યા – ભવિષ્યે હું શબ્દનો જાતિદોષ નહીં કરું એવા વિશ્વાસે! મેં લખ્યું જ છે અવલોકનમાં કે હું ફારસી ઉર્દૂ જાણતો નથી. એ બે ભાષા ન જાણતો હોય તે ગઝલનો ઇતિહાસ લખે? લખે તો દોષ તો ઇતિહાસ કેમ ‘લખ્યું’ નહીં એવો થાય, બીજા દોષ પણ થાય! લેખક ગઝલનો પહેલો તબક્કો કહે છે તે અરસાની ભરપૂર સંદર્ભસામગ્રી સાહિત્યમાં મળી રહે છે પણ બીજા તબક્કે જ શુદ્ધ સ્વરૂપની ગઝલો શરૂ થાય છે તેના પાયા પર તેમાં નવતર પ્રવાહો ભળવા છતાં આજની ગઝલ ઊભી છે. એ જ તબક્કે ગઝલ અંગે વ્યાપક ઊહાપોહ, વિસંવાદી ટીકાઓનો દૌર ચાલ્યો, કેટલોક સમય તો પ્રચંડ ઝંઝાવાત જેવો હતો તે પસાર કરી ગુજરાતી ગઝલ આજના તબક્કે ઊભી છે. એના વિશે આ પુસ્તકમાં છે શું? શયદા અને બીજા બે-ત્રણનો ઉલ્લેખ અને સીધા ગઝલની આકારલક્ષિતા પર લેખક આવી જાય છે! અહીં કડીબદ્ધ ઇતિહાસ તો ઠીક, સાવ આછી સળંગ રૂપરેખા પણ મળતી નથી : લેખક આને ઇતિહાસ’ કહે છે? આમાં તો ‘ઉભડક’ શબ્દ પણ વધારે પડતો છે. વિશ્વના ધર્મોનું સારદોહન કરનારા મહાપંડિત સર રાધાકૃષ્ણને કહ્યું છે, ‘શાસ્ત્રીઓ, પંડિતોએ નહીં, સંતો-ઓલિયાઓએ ધર્મને ફેલાવ્યો’ એ ગુજરાતી ગઝલ વિશે પણ સાચું છે.

૨૯-૧-’૭૯

– રતિલાલ ’અનિલ’

[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૭ પૃ.૪૫-૪૬]