‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/ગુજરાતી જોડણીમાં એક ‘ઈ’ અને ‘ઉ’ શા માટે? : સોમાભાઈ પટેલ
સોમાભાઈ પટેલ
ગુજરાતી જોડણીમાં એક જ ‘ઈ’ અને ‘ઉ’ શા માટે?
‘પ્રત્યક્ષ’ (ઑક્ટોબર-ડિસેમ્બર)ના ‘પ્રત્યક્ષીય’માં તમે ઇ-ઈ અને ઉ-ઊ એ ચારને બદલે ઈ (દીર્ઘ) અને ઉ (હ્રસ્વ) એ બે જ લિપિચિહ્નો રાખવાં કે કેમ, એ ઘણા સમયથી ચર્ચાતા મુદ્દાને યોગ્ય ફલક આપ્યું એ બદલ અભિનંદન. ગુજરાતી ભાષા શુદ્ધ રીતે લખવામાં મૂંઝવણો-ગૂંચવણો ઘટે અને સુગમતા થાય એ માટે સમજપૂર્વક પ્રયાસો થાય એમાં કશું ખોટું નથી; બલકે એમ થવું જરૂરી છે. ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશની રચના પાછળનો ઉદ્દેશ પણ આ જ હતો. એ અગાઉ ગુજરાતીની જોડણીમાં જે વ્યાપક અરાજકતા હતી તેને દૂર કરીને તેમાં વ્યવસ્થા સ્થાપવાના ઉદ્દેશથી જ આ કોશ રચાયો હતો. પણ આજે જે સ્થિતિ છે તે સંતોષકારક છે? શું ગુજરાતી ભાષા લખવામાં જોડણીવિષયક કોઈ સમસ્યાઓ જ નથી? કેટલાક વિદ્વાનો એવું માને છે કે જો કાળજી રાખવામાં આવે તો ભૂલો ન જ થાય; તો બીજી બાજુ એવા પણ દૃઢ મત છે કે વર્તમાન જોડણીકોશના નિયમોમાં એટલી બધી અતંત્રતા છે કે ગમે તેટલી કાળજી રાખવામાં આવે તો પણ આ નિયમોને અનુસરીને શુદ્ધ જોડણી લખવાનું ઘણું જ મુશ્કેલ છે. અને એટલે જ મોટા ભાગનો શિક્ષિત વર્ગ શુદ્ધ જોડણી લખવા પ્રત્યે ગંભીર રહ્યો નથી. આજે શુદ્ધ જોડણીનો આગ્રહ ગુજરાતી ભાષા સાથે ખાસ નાતો ધરાવતા અમુક નાનકડા વર્ગ પૂરતો મર્યાદિત બની ગયો છે. આમાં મોટાભાગની ભૂલો હ્રસ્વ-દીર્ધ ઇ-ઈ અને હ્રસ્વ-દીર્ઘ ઉ-ઊ પરત્વે જ થાય છે એ પણ સ્વીકૃત હકીકત છે. ગુજરાતીમાં આ ચતુર્વિધ ભેદ દૂર કરીને માત્ર એક જ ‘ઈ’(દીર્ઘ) અને એક જ ‘ઉ’ (હ્રસ્વ) રાખવાનો વિચાર પ્રથમ નજરે કેટલાકને આંચકારૂપ લાગે; પરંતુ ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિએ એ સંપૂર્ણપણે ઉચિત અને તર્કસંગત છે. આધુનિક ભાષાવિજ્ઞાનના અભ્યાસે એ સ્પષ્ટ કર્યું છે કે આજે આપણે ગુજરાતી ભાષા બોલાવા માટે જે વર્ણો ખપમાં લઈએ છીએ તેમાં હ્રસ્વ ઇ - દીર્ઘ ઈ તેમજ હ્રસ્વ ઉ - દીર્ઘ ઊ એવા ભેદનું અસ્તિત્વ રહ્યું નથી. આધુનિક ભાષાવિજ્ઞાન-અનુસાર છેલ્લાં સો ઉપરાંત વર્ષોથી ગુજરાતી ભાષામાં હ્રસ્વ ઇ - દીર્ઘ ઈ અને હ્રસ્વ ઉ -દીર્ઘ ઊ-ના ભેદ રહ્યા નથી. આ વાત સઘળા ભાષાવિદોએ સ્વીકારેલી છે, એટલું જ નહિ, ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ભાષાના શિક્ષણમાં આ વાત છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષોથી શિખવાય છે. માત્ર ઉચ્ચ શિક્ષણમાં જ નહિ પણ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે પણ ધોરણ ૮ અને ધોરણ ૯ના વ્યાકરણનાં પુસ્તકોમાં આ હકીકત સ્પષ્ટ રીતે દર્શાવી છે. જો ગુજરાતી ભાષામાં આ ભેદ રહ્યા જ ન હોય, બધા ભાષાવિદો આ વાત સ્વીકારતા હોય, અને શિક્ષણમાં પણ આ વાત સ્વીકારાઈ હોય તો પછી તેના વિનિયોગ કે અમલમાં આ ચારે લિપિચિહ્નોનું અસ્તિત્વ ટકાવી રાખીને ગુજરાતી જોડણીને વધારે મૂંઝવણભરી બનાવી રાખવાનો આગ્રહ કેટલે અંશે ઉચિત છે? અલબત્ત, સંસ્કૃતમાં તેમજ અન્ય કેટલીક ભાષાઓમાં આવા સ્વરભેદ છે એ માટે તેમજ પરંપરાને જાળવી રાખવા માટે આ ચારેય લિપિચિહ્નો લેખનમાં ચાલુ રાખવા માગતા હોઈએ તો અલગ વાત છે; પરંતુ તેનીયે મુક્તપણે ચર્ચા થવી ઘટે. કેટલાક એવો પ્રશ્ન કરે છે કે ગુજરાતીમાં હ્રસ્વ ઇ - દીર્ઘ ઊ લુપ્ત થાય એ પછી પણ સંસ્કૃત અને હિન્દી ભાષા ભણતી વખતે તો એ સામે આવવાનો. આ સ્થિતિમાં ભણનાર ઊલટાનો મૂંઝાઈ જશે કે એક ભાષામાં એક જ શબ્દની જોડણી આમ, અને બીજીમાં બીજી, તો સાચી કઈ? મને આ તર્ક બરાબર નથી લાગતો. પ્રથમ તો એ કે ઘણા તત્સમ શબ્દોની જોડણી ગુજરાતી કરતાં હિન્દીમાં અને સંસ્કૃતમાં જુદીજુદી હોય છે જ. એથી ઇ-ઉ વાળા શબ્દોની જોડણી સમાન ન હોય, એ જુદી પડે એ અસહજ સ્થિતિ ન ગણાય. ગુજરાતીમાં હ્રસ્વ ઇ અને દીર્ઘ ઊ ના શિખવાય અને સંસ્કૃત કે હિન્દીમાં આવે ત્યારે એ અપરિચિત અવશ્ય લાગે; પણ જેમ આ સિવાયનાં ઙ અને ઞ જેવાં લિપિચિહ્નો ગુજરાતીમાં લુપ્તપ્રાય થયાં હોવાને કારણે સંસ્કૃતમાં નવાં શીખવાં પડે છે; હિન્દીમાં પણ ઇ, ઇદ્ધ જેવાં નવાં લિપિચિહ્નો એ શીખવાનાં થાય છે તેમ ગુજરાતીમાં લુપ્ત થયેલાં હ્રસ્વ ઇ અને દીર્ઘ ઊ પણ શીખી શકાય. વળી હિન્દી કે સંસ્કૃત બીજી ભાષા (Second Language) તરીકે ધોરણ પમાં કે એ પછી શીખવાની આવે ત્યારે એ ઉંમરે આ નવા વર્ણો કે શબ્દો શીખવામાં મુશ્કેલી ઓછી પડે. હિન્દીમાં ઘણા શબ્દો માત્ર જોડણીની દૃષ્ટિએ જ નહિ બલકે જાતિ અને વચન વગેરેમાં પણ જુદા હોય છે ને ત્યારે સમગ્ર વાક્યરચનાયે ગુજરાતી કરતાં ભિન્ન પ્રકારની શીખવાની થાય છે. પ્રથમ ભાષા કરતાં બીજી ભાષા શીખવાની થાય ત્યારે આવી અસમાન પરિસ્થિતિઓનો સામનો વત્તે-ઓછે અંશે કરવો રહ્યો. કોઈપણ જોડણીકોશ એકવાર રચાયા પછી એ હંમેશને માટે પૂર્ણ જ હોય અને એમાં સુધારાને કોઈ અવકાશ જ નથી એવું તો ન જ કહી શકાય. ખરેખર તો કોશગત સમસ્યાઓના ઉકેલ માટે અલગ કોશ-કાર્યાલય કે કોશતંત્ર કે ભાષાના તજ્જ્ઞોની એક સમિતિ હોય એ આવશ્યક ગણાય. આપણે ત્યાં જો આમ થયું હોત તો સમયેસમયે ઉદ્ભવતી કોશગત સમસ્યાઓના યથાશક્ય ઉકેલ પણ મળતા રહ્યા હોત. પરંતુ એમ થયું નહિ, સાર્થ જોડણીકોશની ચોથી આવૃત્તિ ૧૯૪૯માં પ્રગટ થયેલી એનું પુનર્મુદ્રણ ૧૯૬૭માં પાંચમી આવૃત્તિરૂપે થયું અને તેનુંય માત્ર પુનર્મુદ્રણ જ ૧૯૯૫માં છઠ્ઠી આવૃત્તિરૂપે થયું! જોડણીકોશની રચના દ્વારા જોડણીવિષયક અતંત્રતામાંથી તંત્ર ઊભું કરવાનું ભગીરથ કાર્ય કરનાર આ સંસ્થાને એ પછી આ કોશની નવી આવૃત્તિઓ કરતી વખતે આટલાં વર્ષો દરમ્યાન જોડણી અંગેની કોઈ સમસ્યાઓ જણાઈ નથી! અને આવી સમસ્યાઓ જણાઈ હોય તો પણ એના ઉકેલ માટે એ ગંભીર નથી એમ માનવું રહ્યું. આ બાબતે અન્ય કોઈ સંસ્થાઓ પણ આ દિશામાં સક્રિય બની નથી એ શોચનીય હકીકત છે. આ સંજોગોમાં કોઈ સંસ્થા કે ભાષાશુદ્ધિના હિમાયતીઓ ભેગા થઈ ગુજરાતી જોડણીવિષયક સમસ્યાઓના ઉકેલ માટે સક્રિય પ્રયાસો આદરે અને આવા પ્રયાસો બુલંદ બની અભિયાન કે ઝુંબેશનું રૂપ ધારણ કરે તો તે સ્વાભાવિક અને આવકાર્ય જ ગણાવું જોઈએ. અલબત્ત, એનો અર્થ એવો નથી કે એમની બધી વાતો સ્વીકાર્ય જ હોય. સાથે સાથે એમની વાત પ્રત્યે કાન બંધ કરવા કે એમને ભાષામાં અંધાધૂંધી ફેલાવનારા માની લેવા એ પણ બરાબર નથી.
૧. રચના સોસાયટી, અમદાવાદ ૧૫
૧૦-૩-૯૮
– સોમાભાઈ પટેલ
[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૮, પૃ. ૩૭-૩૮]