‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/જોડણીનો પ્રશ્ન મને સતત સતાવતો રહ્યો છે : રામપ્રસાદ શુક્લ
‘જોડણીનો પ્રશ્ન મને સતત સતાવતો રહ્યો છે’
પ્રિય સ્નેહી ભાઈશ્રી, કુશળતા ચાહું છું. ‘પ્રત્યક્ષ’ (જુલાઈ-સપ્ટે. ૯૪) મને ગઈકાલે મળ્યું. એ બદલ આભારી છું. (૧) મને તો પ્રથમ પૃષ્ઠ પર જ મધનું કૂંડું મળી ગયું, કારણ કે જોડણીનો પ્રશ્ન મને સતત સતાવતો રહ્યો છે. તમે જે સ્વપ્ન રજૂ કર્યું છે તે ૨૧મી સદીના ત્રીજા દાયકામાં પણ સિદ્ધ થાય તો હું તો ઘણું માનું. ૭૦-૭૫ની વય વટાવેલા આમાં ભાગ્યે જ ખપમાં આવી શકે! જલદી તેમની સલાહ લઈ લેવી સારી! નહિતર મોડા પડશો. (૨) જોડણીકોશનો પ્રશ્ન હાથમાં લેશો કે તરત જ ગુજરાતી ભાષાના શિષ્ટસમૂહમાં ઉચ્ચારણની સમરૂપતા શક્ય તેટલી -નો પ્રશ્ન વિચારવો જ પડશે. બાર ગાઉએ બોલી બદલાય તે આમ-સમુદાયને માટે ઠીક છે, પરંતુ વ્યાખ્યાનોની ભાષા કઈ! ઉદા.ત. આજે ગુજરાતના ચારે ખૂણે બસોથી વધુ કૉલેજો છે. માધ્યમ ગુજરાતી છે. ખુદ ગુજરાતી શીખવનાર વ્યાખ્યાતાઓનાં ઉચ્ચારણો સહ્ય તેટલાં શિષ્ટ છે ખરાં? મને તો સાઠ વર્ષથી આ પ્રશ્ને મૂંઝવ્યા કર્યો છે. મેં શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણો માટે બળપૂર્વક પ્રયત્ન કરેલો, પરંતુ સોરઠી છાંટ મારામાં ક્વચિત દેખા દેતી હોય! વળી અમુક વિદ્વાનો લોકબોલીના નામે ઝંડો ફરકાવે અને પ્રજા સાથે પોતીકાપણનું હોવાનો દાવો કરે. આ બધું તમે નહીં વિચારતા હો એમ માનતો નથી. (૩) ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાત’ પરનું વિવેચન ઘણું ગમ્યું. મૂળ સંપાદન-લેખોની પસંદગી યોગ્ય થયેલી છે તેવી છાપ પડે છે. સર્જક કૃતિઓ વિશેનું વિવેચન ક્યાંક તાલમેલિયું હોય તે સમકાલીનતાની મર્યાદા છે. મિત્રોને સલામ!*
અમદાવાદ : ૨૦.૧૦.૯૪
સ્નેહાધીન
રા.શુ.
તા.ક. છંદોબદ્ધ કવિતાની જોડણીના પ્રશ્રે મને ચાર વર્ષ પહેલાં ઘણો સતાવેલો.
રા.શુ.
(રામપ્રસાદ શુક્લ)
* કોઈ વિશેષ નિમિત્ત વિના, મળેલા પત્રો ‘પ્રત્યક્ષ’માં પ્રગટ કરવાનો શિરસ્તો રાખ્યો નથી એટલે આ પત્ર પ્રગટ ન કરેલો. પછી મુ. રામપ્રસાદભાઈનું અવસાન થયું ત્યારે આ પત્ર યાદ આવેલો પણ હાથવગો ન હતો. હાથ લાગ્યો એટલે હવે પ્રગટ કરીએ છીએ. એમાં ચર્ચાનો મુદ્દો તો છે જ. વળી હમણાં વાતાવરણમાં જોડણીનાં ચર્ચા-ઝુંબેશ સક્રિય છે ત્યારે આ પત્ર વિશેષ પ્રસ્તુત લેખાશે.
– સંપા.
[જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૬, ૪૦-૪૧]