‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/થોડાંક સૂચનો : જયંત ગાડીત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭.૩
થોડાંક સૂચનો : જયંત ગાડીત

(‘પ્રત્યક્ષ’, એપ્રિલ-જૂન ૨૦૦૦ વિશે)

પ્રિય રમણભાઈ, ગ્રંથસમીક્ષાના સામયિક તરીકે ‘પ્રત્યક્ષ’એ સારી પ્રતિષ્ઠા મેળવી છે, એટલે એ અંગે કોઈ પ્રશસ્તિવચનો ઉચ્ચારવાને બદલે થોડાં સૂચનોરૂપે મારો પ્રતિભાવ આપું છું. ‘પ્રત્યક્ષ’ને હજુ વધારે તેજવંતું બનાવવામાં આ સૂચનો નિમિત્ત બનશે તો મારા પ્રતિભાવને સાર્થક માનીશ. સૌ પ્રથમ તો દરેક અંકમાં એક પ્રતિભાવલેખ પાછળ બે પાનાં ખરચવાને બદલે પ્રતિભાવલેખ બેએક વર્ષે એકાદ વખત પ્રગટ કરો તો મને લાગે છે કે એ પૂરતું છે. સામયિકની ચોક્કસ પૃષ્ઠમર્યાદા હોય છે. ગ્રંથસમીક્ષાના સામયિકમાં એટલી પૃષ્ઠમર્યાદા વધારેમાં વધારે પુસ્તકો સમીક્ષામાં આવરી લેવાય એ ઉચિત છે. ‘પ્રત્યક્ષ’ના ચાર અંકોમાં પ્રતિવર્ષ પચાસેક જેટલા ગ્રંથોની લાંબી સમીક્ષા પ્રગટ થાય. બાકીના ગ્રંથો ટૂંકી સમીક્ષા કે સ્વીકારનોંધ પાસે અટકી જતા હોય છે. એટલે દરેક સમીક્ષાલેખની શબ્દસંખ્યા નિશ્ચિત હોવી જોઈએ. થોડી વધઘટ ચાલે જેથી વધુ ગ્રંથો સમાવી શકાય આ અંકમાં શરીફા વીજળીવાળાની સમીક્ષા સાડાપાંચ પાનાંની છે, અને રાધેશ્યામ શર્માની સવા બે પાનાંની. શરીફાની સમીક્ષામાં માહિતી રસપ્રદ છે, પરંતુ સમીક્ષા વાચકને ઉદ્દીપકની ગરજ સારે. બધુ કહી દેવા માટે સમીક્ષા નથી. પૃષ્ઠની આ અસમતુલા દૂર થવી જોઈએ. પ્રતિવર્ષ ગુજરાતી સાહિત્યમાં કેટલાંબધાં પુસ્તકો પ્રકાશિત થાય છે? એમાંથી સમીક્ષા તો બહુ ઓછા ગ્રંથોની થાય છે. એ સંજોગોમાં કયા ગ્રંથની સમીક્ષા કરાવવી અને કયા ગ્રંથની ન કરાવવી એ સંપાદકની રુચિ પર આધાર રાખે છે, અને એ ખૂબ જ નાજુક મુદ્દો છે. છતાં સામાન્ય કૃતિઓની સમીક્ષા થાય અને મહત્ત્વના ગ્રંથો ઉપેક્ષિત ન રહી જાય, એની ચીવટ સંપાદકે રાખવી રહી. આ અંકમાં ‘પીંછું હવાનું’ ગઝલસંગ્રહની પસંદગી અંગે મારા મનમાં પ્રશ્ન છે. અલબત્ત, મેં હમણાં જ કહ્યું તેમ આ ખૂબ જ નાજુક અને મતભેદનો મુદ્દો છે. ગ્રંથસમીક્ષાનું મુખ્ય લક્ષ્ય ગ્રંથની સામગ્રીને ઉઘાડી આપવાનું છે. ગ્રંથમાં શું ઉપયોગી છે એ બરોબર વાચક સમક્ષ ઉપસાવી આપે એટલે સમીક્ષાનું પોણાભાગનું કામ સિદ્ધ થયું. એટલે સમીક્ષામાં પરિચયાત્મક અંશ પર વિશેષ ઝોક રહેવાનો. પણ એને કારણે વધુ પડતો પ્રસ્તાર ન થઈ જાય એની સમીક્ષકે કાળજી લેવી રહી. અંકની સમીક્ષાઓમાં આ બાબતે ઝાઝી મુશ્કેલી નથી, પરંતુ કોઈ ગ્રંથ વિશે કે એમાંના કોઈ અંશ વિશે સમીક્ષક અભિપ્રાય આપે છે ત્યારે સમીક્ષકની સમગ્ર સજ્જતા – અભ્યાસી તરીકેની અને વ્યક્તિ તરીકેની – કસોટીએ ચડે છે. આ અંકમાં સમીક્ષકોના ગ્રંથ વિશેના અભિપ્રાયો કેટલાક પ્રશ્નો જગાડે છે. સમીક્ષકનો ગ્રંથ વિશે સમગ્રતયા અભિપ્રાય શું છે એ વક્તવ્યમાંથી સ્ફૂટ થાય એ આવશ્યક છે. એમાં પરસ્પરવિરોધી અભિપ્રાયો મળે ત્યારે વાચકને મૂંઝવણ થાય. નરોત્તમ પલાણની ‘અનુસર્ગ’ પરની સમીક્ષા જોઈએ સમીક્ષાના શીર્ષકથી દક્ષા વ્યાસની કવિતાપ્રીતિ સમીક્ષકે સૂચવી છે, અને ગ્રંથનાં કવિતાવિષયક લખાણોની ચર્ચા પણ પલાણે વિશેષ કરી છે. એમાંનાં ઘણાં સ્વીકાર્ય નિરીક્ષણો પણ તેઓ નોંધે છે અને પોતાને ચિંત્ય લાગ્યા તે મુદ્દા પણ નોંધે છે અને છતાં આશ્ચર્યજનક રીતે સમગ્ર ગ્રંથનો ઉત્તમ લેખ તેઓ ‘દર્શકની પાત્રનિરૂપણકલા’ને ગણે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે દક્ષાબહેનનાં કવિતાવિષયક લખાણો સંગ્રહમાં ભલે વધારે હોય એમની સાચી સમજ તો કથાવિવેચનમાં દેખાય છે એમ સમીક્ષકને કહેવું છે, કે પછી કવિતાની જેમ કથાવિવેચનમાં પણ દક્ષાબહેન એટલાં જ સજ્જ છે અને એ દ્વારા દક્ષાબહેનના વિવેચક તરીકેના અન્ય પાસાને પણ એમણે ઉપસાવવું છે? – તો સમીક્ષાનો ઝોક એમણે થોડો બદલવાની જરૂર હતી. રક્ષાબહેન દવેની સમીક્ષાનું શીર્ષક છે. ‘સાફસૂથરા શબ્દોની લીલા, પરંતુ કવિના આ સર્જનવિશેષ અંગે તો સમીક્ષામાં કંઈ વાત જ નથી!’ ગ્રંથસમીક્ષા આખરે વિવેચન છે, એટલે એની ભાષા વિશદ હોવી જોઈએ. ઘણી વખત સમીક્ષક અરૂઢ રીતે કંઈક કહેવા જાય ત્યારે અથવા સાવ લપટી પડી ગયેલી ભાષાનો ઉપયોગ કરે ત્યારે ભાષા સ્પષ્ટ અર્થબોધ કરાવવામાં વિઘ્નરૂપ બને છે. રાધેશ્યામ શર્મા અરૂઢ ભાષામાં વિવેચન કરવા માટે જાણીતા છે. એમાં કંઈ ખોટું નથી. પણ કેટલીક જગ્યાએ તેમનું વક્તવ્ય મારા મનમાં તો અસ્પષ્ટ રહી જાય છે. જેમકે એમનું આ વિધાન જોઈએઃ ‘સરાણે ચડાવવું’ પ્રયોગનો એક અર્થ છે ‘ધાર કાઢવી’ અને બીજો અર્થ ‘રસ્તે પાડી આપવું’ આખા સંગ્રહમાંથી ગુજરી જતાં કાવ્યચેતનાને અપેક્ષિત ધાર નીકળવા કરતાં વધુ તો રસ્તે પડી હોય એમ અધિક લાગવાની મારી છાપ જેટલી નિજી એટલી સાચી લાગશે.’ અહીં ‘રસ્તે પડી હોય’ દ્વારા એમને શું અભિપ્રેત છે? અહીં ‘પસાર થતાં’-ને બદલે ‘ગુજરી જતાં’ પ્રયોગ પણ મને તો રુચિકર નથી લાગતો. લપટી ભાષાનો પલાણનો આ નમૂનો જુઓ : ‘દક્ષાબહેનની ભાષા વિવેચનને અનુરૂપ પ્રવાહી અને સાદ્યંત સુંદર છે.’ અથવા સિલાસ પટેલિયા અનિલાબહેનની ભાષા વિશે કહે છે, ‘સીધી સોંસરવી, સ્વયંસ્પષ્ટ એવી ભાષાશૈલી પણ આ લેખોને પૂરેપૂરા વાચનક્ષમ બનાવે છે.’ આનો શું અર્થ? સમીક્ષિત કૃતિની પ્રશંસા કરવા સમીક્ષક ક્યારેક એકની એક વાતનું પુનરાવર્તન કરે અથવા પ્રશસ્તિમૂલક વિશેષણો સતત વાપરે ત્યારે સમીક્ષકની અધિરાઈ રમૂજ પમાડે છે. બળવંત જાની અને રતુદાન રોહડિયાનો ગ્રંથ ‘વહીવંચા બારોટ : પરિચય અને પ્રદાન’ એક સારું અભ્યાસપૂર્ણ પુસ્તક છે, પરંતુ અંબાદાન રોહડિયા પ્રારંભમાં આ પુસ્તકને ‘સમાજવિદ્યા, નૃવંશશાસ્ત્ર, ઇતિહાસ, સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ’ના અભ્યાસ માટે નવી દિશા ઉઘાડી આપનારું કહે છે અને પછી આ જ વિચારનું થોડું જુદી રીતે ત્રણ વખત પુનરાવર્તન કરે છે. લેખકોની સજ્જતા સૂચવવા ‘શાસ્ત્રીય દૃષ્ટિકોણ’, ‘શાસ્ત્રીય અભિગમ’, ‘પૃથક્કરણાત્મક અધ્યયન’, ‘તલસ્પર્શી અધ્યયન’, ‘ઊંડાણથી અભ્યાસ’ આટલાં વિશેષણો વાપરે છે! સમીક્ષક પાસે સાહિત્યપદાર્થ વિશેની એક અખંડ, કેન્દ્રીભૂત રસકીય સમજ બંધાઈ હોય તો સમીક્ષા ટકાઉ બને. પણ એવું ન હોય ત્યારે જુદાજુદા માપદંડો ઉભડક રીતે અથડાઈને કોઈ સમગ્ર છાપ ન ઉપસાવતા હોય એવું રક્ષાબહેન દવેની સમીક્ષામાં લાગ્યું. સ્વરૂપ, ધ્વનિ, કલ્પન, પ્રતીક એમ જુદાજુદા માપદંડોથી તેઓ ગઝલોને તપાસે છે, પરંતુ સમગ્ર છાપ મનમાં બંધાતી નથી. હજી થોડીક વાત કહી શકાત, પરંતુ અહીં અટકું.

[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૦, પૃ. ૩૨-૩૩]