‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/મારી રસરુચિનું ઘણું છે : માવજી સાવલા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭.૪
માવજી સાવલા

[‘પ્રત્યક્ષ’ : જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૦]

આ અંકમાં મારી રસરુચિનું ઘણું બધું

સ્નેહીશ્રી, ‘પ્રત્યક્ષ’નો હાલનો અંક (જુલાઈ-સપ્ટેમ્બર, ૧૦) ત્રણેક દિવસથી ઉથલાવી રહ્યો છું. આ અંકમાં જાણે કે મારી રસરુચિનું, મારી પસંદગીનું ઘણુંબધું; એથી મોટા ભાગનું શબ્દશઃ રસપૂર્વક વાંચી ગયો. ‘પ્રત્યક્ષીય’માંના મુદ્દાઓ લાગતાવળગતા સૌએ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવા જેવા. ‘સુરક્ષાની આજીવન કેદ?’ એ મથાળાથી જ ઘણુંબધું કહેવાઈ ગયું છે. કંદર્પ દેસાઈના વાર્તાસંગ્રહ વિશેનો ગુણવંત વ્યાસનો લેખ પણ મને ગમ્યો જ. ગુણવંત વ્યાસનું નામ મારા માટે તો ઓછું જાણીતું. એમણે વિષયને ઠીક ઠીક ન્યાય આપ્યો છે. કદાચ ટૂંકી વાર્તાના સંદર્ભે ટેક્‌નિક તેમજ એવા કેટલાક મુદ્દાઓ વિશે વધુ છણાવટ થઈ શકી હોત. રમેશ બી. શાહ સાથે તો અંગત પરિચય – બે-ત્રણ દાયકાથી. રમેશ શાહની એક વિશેષતા મને ઠેઠથી મહત્ત્વની એ લાગી છે કે તેઓ પોતાની અંગત માન્યતાઓ વગેરેને વચ્ચે લાવ્યા વગર પૂરા તાટસ્થ્યપૂર્વક કોઈ પણ વિષયને તપાસે છે – મૂલવે છે. ગાંધી વિશે ચાર ખંડોમાં વિસ્તરીત ‘સત્ય’ નવલકથા માટે લખનારની કસોટી થાય અને લખનાર થાકે પણ ખરો. ક્યાંય વિવેક ચૂક્યા વગર અને બધાં જ પાસાંઓને (ગાંધીજીના વ્યક્તિત્વના અને એક સ્વરૂપ તરીકે ઐતિહાસિક નવલકથાના) ચોકસાઈપૂર્વક એમણે તપાસ્યાં છે. ‘પ્રત્યક્ષ’ની પ્રતિષ્ઠા અને એમાં પ્રકાશિત થતી સામગ્રીનાં ધોરણોને આવા લેખો જ નથી. નવી ઊંચાઈ પર લઈ જાય છે. ‘સામયિક લેખસૂચિ’ લેખ પણ રસપૂર્વક શબ્દશઃ વાંચ્યો. મારા દિલમાં વસી ગયેલ લેખ તો અરુણા જાડેજાનો મરાઠી સામયિક ‘અંતર્નાદ’ વિશેનો. અરુણાબહેનને થોડાંક વર્ષો પહેલાં પુછાવતાં એમણે મને આ સામયિકનું નામ સૂચવ્યું. બે-એક વર્ષ મેં એ મંગાવ્યું. એક એક અંક રસપૂર્વક વાંચતો. એમાંનો, વાચકોના પત્રનો વિભાગ તો ખરે જ દાખલારૂપ. એક અંકમાં તો આ વિભાગ માટે સંપાદક ભાનુ કાળેએ આઠ-દશ પાનાં ફાળવ્યાં હતાં. આરંભના બે દાયકાનો મારો ઉછેર તો મરાઠી ભાષા અને સંસ્કૃતિ વચ્ચે જ. પાછલા પૂંઠા પરનું ચિમનલાલ ત્રિવેદીનું અવતરણ વાંચીને એમ થયું કે આ મુદ્દાઓ પર એક અભ્યાસલેખ લખાવો જોઈએ.

ગાંધીધામ (કચ્છ)

– માવજી સાવલા

૨૦-૧૦-૨૦૧૦
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૦, પૃ. ૫૩]