‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/મુદ્રકને સ્પર્શતી બાબત સંદર્ભે : રોહિત કોઠારી

૧૯ ગ
રોહિત કોઠારી

[જુલાઈ-સપ્ટે, ૨૦૧૦ના હેમન્ત દવેના પત્રનાં અનુસંધાનમાં]

સંપાદકશ્રી, શ્રી હેમન્તભાઈ દવેના પત્રમાંની મને (મુદ્રકને) સ્પર્શતી બાબત સંદર્ભે– ૧. ‘ઘણી મુદ્રણપ્રતોનું ટાઇપસેટિંગ કર્યા પછી વર્ષો સુધી તે છપાવા જતી નથી, તેથી સરવાળે ભોગવવાનું મુદ્રણાલયને જ આવે છે.’ અહીં, કહેવાનું તાત્પર્ય એ જ છે કે માત્ર ‘ટાઇપસેટિંગ થાય, પરંતુ લેખક-પ્રકાશક પાસેથી ફાઈનલ ન થાય, તેથી બટર પ્રિન્ટ ન નીકળે; અને તેથી કરીને તેનું બિલ ન બને. આવું વ્યક્તિગત અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મેં અનુભવ્યું છે! ર. ટેક્સ્ટ ખસી જવા અંગે : આપણે ત્યાં મોટા ભાગનાં પુસ્તકો પેજમેકરમાં થાય છે. કોઈ પણ ટાઇપસેટર તેને ત્યાં જે પ્રિન્ટર હોય એ પ્રિન્ટર પેજસેટઅપમાં મૂકે. હવે તે જ ફાઈલ બીજા કોઈ પ્રિન્ટર ઉપર કાઢવાની આવે ત્યારે તેને યોગ્ય ડ્રાઇવર ન મળે ત્યારે તે પેજસેટિંગ બદલી નાખે – વધારે કે ઘટાડે! મેં જે દાખલો આપેલો તે ‘પ્રત્યક્ષ’નો જ હતો. તે વખતે મને પણ આ ખબર નહોતી, પ્રિન્ટ પણ નહોતી (કારણ કે વડોદરાથી રમણભાઈએ CD મોકલેલી). તેમણે OK કરેલી CD આપી હોય પછી મારે પ્રિન્ટ કાઢીને છાપવા જ મોકલવાનું ને, તેમ વિચારીને બટર કાઢીને છાપવા મોકલી આપેલ! પછીથી અમે પેજસેટઅપમાં પ્રિન્ટર Linotronic જ રાખીએ છીએ અને પ્રિન્ટ ગમે તે પ્રિન્ટર પર લઈએ. આજે પણ ઘણા મુદ્રકો પેજમેકરની ફાઈલ હોય તો બટર કાઢવાની આ માટે જ ના પાડે છે. ૩. વિરામચિહ્ન (પૂર્ણવિરામ, આશ્ચર્યચિહ્ન, પ્રશ્નાર્થચિહ્ન) પછી બેવડી જગા છોડવી વગેરે જેવી એકદમ આદર્શની વાત તો આ સંજોગોમાં કરવાનો અર્થ જ નથી. (તાજેતરમાં જ એક વિદ્વાને તેમણે મંજૂર કરેલી ટાઈપસાઈઝ મુજબ આખો ગ્રંથ કમ્પોઝ થયા પછી ‘આ ટાઈપો તો નાના લાગે છે, તેથી એક પોઈન્ટ મોટા કરવા!? તેવું જણાવ્યું!!) શ્રી હેમન્તભાઈના લેખમાં કેટલાક શબ્દો ‘કદરૂપા’ (‘કદરૂપા’ નહીં), ‘દૃષ્ટિ’ (‘દૃષ્ટિ’ નહીં), ‘સમજી’ (‘સમજી’ નહીં), ‘પશ્ચિમ’ (‘પશ્ચિમ’ નહીં) જોવા મળ્યા. અલબત્ત, તેમની પાસે જે ગુજરાતી સૉફ્ટવેર છે તેની મર્યાદાના કારણે જ હશે. પરંતુ મને તે ગમ્યું. માન્ય મૂળાક્ષરોમાં આવી વિસંગતિ કેમ હશે? – ડૂબ/રૂપ, કૃપા/દૃષ્ટિ, કીડી/સમજી, દૃશ્ય/વિશ્વ/પશ્ચિમ – એક જ અર્ધાક્ષર અલગ અલગ રીતે કેમ લખાય? જોડણી અંગે ભલે એકમત ન સાધી શકાય, પરંતુ વિદ્વાનોએ ભવિષ્યની પેઢી માટે આટલું તો કરવું જ જોઈએ એવું સ્પષ્ટપણે મને લાગે છે.

* એ સી.ડી.માં તો બધું બરાબર હતું, બટર પ્રિન્ટ્‌સ નીકળી ત્યારે મેટરમાં સળંગ ગોટાળો થઈ ગયો – આગલા લેખના અંતની બે-ત્રણ લીટી પછીના દરેક લેખની શરૂઆતમાં જતી રહી! પરિણામે, છપાયેલી બધી જ, ૫૫૦ નકલો પસ્તીમાં નાખી દઈ, નવેસર અંક છપાવવો પડેલો. – ર.

અમદાવાદ,
નવેમ્બર-૨૦૧૦


– રોહિત કોઠારી

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૦, પૃ. ૫૪]