‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/ભારતીય જ્ઞાનપીઠ વિશે આટલો ઉમેરો : રાજેન્દ્ર મહેતા
રાજેન્દ્ર મહેતા
ભારતીય જ્ઞાનપીઠ વિશે આટલો ઉમેરો :
પ્રિય રમણભાઈ, ઑક્ટો.-ડિસે. ૨૦૦૯માં ‘સંસ્થાવિશેષ’માં પ્રગટ થયેલા, ‘ભારતીય જ્ઞાનપીઠ’ વિશેના લેખ સંદર્ભે આટલો ઉમેરો સૂચવું છું : હિન્દીના પ્રતિષ્ઠિત નાટ્યકાર-વિવેચક પ્રભાકર શ્રોત્રિયે અહીં વર્ષો સુધી દિગ્દર્શક તરીકે સેવાઓ આપી હતી અને ‘નયા જ્ઞાનોદય’નું કલેવર ઘડ્યું હતું. એમની નિવૃત્તિ પછી હાલ હિન્દીના પ્રતિષ્ઠિત વાર્તાકાર રવીન્દ્ર કાલિયા નિર્દેશક તરીકે (અને પદેન ‘ન. જ્ઞા.’ના તંત્રી તરીકે) કાર્યરત છે. બંગાળી-અંગ્રેજીના સુખ્યાત લેખક, ‘સવાઈ અંગ્રેજ’ તરીકે જાણીતા અને બ્રિટનના ઓક્સફર્ડમાં ૧૦૨ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવીને અવસાન પામેલા નીરદ ચૌધરીએ ‘આ તો સાહુ-જૈન સિમેન્ટ ફેક્ટરીની બાય-પ્રોડક્ટ છે’ એમ કહીને જ્ઞાનપીઠનો અસ્વીકાર કરેલો. એમની આત્મકથા Autobiography of An unknown Indian ભારતીય અંગ્રેજીમાં લખાયેલી ઉત્તમ આત્મકથાઓમાં ગણાય છે. ૧૯૬૫થી આજ સુધીમાં સૌથી વધુ એવૉર્ડ કન્નડાના સાહિત્યકારોને મળ્યા છે. હિંદી અને કન્નડા બંને ભાષાને સાત-સાત એવૉર્ડ મળ્યા છે જેમાંથી હિંદી રાષ્ટ્રભાષા હોવાથી એનું સ્થાન જુદું છે. સંસ્કૃત (સત્યવ્રત શાસ્ત્રી) કોંકણી (રવીન્દ્ર કેલકર) અને કશ્મીરી (રહેમન રાહી) ભાષાઓને એક એક એવૉર્ડ મળ્યો છે. જ્ઞાનપીઠ પ્રકાશન જે પ્રકાશનો (હિંદીમાં) કરે છે તેનું કોઈ ધોરણ જળવાતું નથી અને સંસ્થાનો પ્રકાશનવિભાગ બહુધા ઇતર વ્યવસાયી પ્રકાશકો જેવાં જ પુસ્તકો પ્રગટ કરે છે. હિન્દી પ્રકાશન વિશ્વની સ્પર્ધા અને પ્રકાશન વિભાગના અસ્તિત્વને ખાતર આમ કરવું જરૂરી હશે. હિન્દી સાહિત્યવિશ્વમાં જ્ઞાનપીઠનાં પ્રકાશનોની કોઈ વિશેષ ઓળખ ઊભી થઈ નથી છતાં કહેવું રહ્યું કે જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જકની કૃતિઓ હિન્દીમાં ઉપલબ્ધ કરાવી આપવાનું મહત્તર કાર્ય આ વિભાગે જ કર્યું છે. કુશળ હશો.
વિનીત
નવી દિલ્હી
– રાજેન્દ્ર મહેતા
[એપ્રિલ-જૂન ૨૦૧૦, પૃ. ૫૧]