‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/ફાર્બસ ત્રૈમાસિક અંગે : વિજય પંડ્યા

૧૦
વિજય પંડ્યા

[સંદર્ભ : જાન્યુ-માર્ચ, ૨૦૦૭, સ્વાગત : ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’]

પ્રિય સંપાદક, ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ પુસ્તક ૭૧ (૨, ૩) ૨૦૦૬માં નિહિત અને સ્ફુરિત સિતાંશુ યશશ્ચન્દ્રની બહુમુખી પ્રતિભાના નવ-ઉન્મેષને પોંખતા તમારા ‘પ્રત્યક્ષીય’ સંપાદકીયે ઉપર્યુક્ત બન્ને અંકોને વધુ સ્પૃહણીય કરી આપ્યા. ફોર એ ચેઈન્જ, તમે તંત્રીની ભારેખમ પાઘડી ઉતારીને અહીં પ્રત્યક્ષીયમાં સહજ રીતે રમતિયાળ બન્યા તોપણ મૂલ્યવાન પાદત્રાણ (‘સંદર્ભગોષ્ઠિ’) તો જાળવી જ રાખ્યાં. પણ આખો ઉપક્રમ તમારો આનંદજનક આશ્ચર્ય આપનારો બની રહ્યો. તમે સિતાંશુભાઈની, તેમની નવી જવાબદારીની કઠિનાઈઓ વિશે ટકોર તો કરી લીધી કે મંજુબહેને જેવી ફાર્બસ ત્રૈમાસિક પ્રકાશિત કરવાની નિયમિતતાની પરિપાટી એક દીર્ઘ સમય સુધી જાળવેલી તે ‘તમેય આ પરિપાટી જોજો (ને જાળવજો) જરા, ભૈસાબ’ તમે સંસ્કૃત ઉદ્ધરણોનો બહુ જ ઔચિત્યપૂર્વકનો સર્જનાત્મક (ખરેખર તો આખું સંપાદકીય જ સર્જનાત્મક બન્યું છે, અને, આવા પ્રસંગો તમને વારંવાર સાંપડતા રહે!) વિનિયોગ કર્યો તે મને તો બહુ જ આહ્‌લાદક રહ્યો, પણ એક નાની ચૂક અનવધાનથી પ્રવેશી ગઈ છે. એમાં અનુશ્રૂયતામ્‌ ઉદ્ધરણ, હું ધારું છું કે, તમે હર્ષચરિતમાંથી ઉતારી રહ્યા છો અને ત્યાં ‘એવમ્‌ અનુશ્રૂયતે’ છે, જે તમારા કથયિતવ્યને બરાબર બંધબેસતું છે. પણ, રમણભાઈ, આ ફાર્બસ ત્રૈમાસિકની દીર્ઘયાત્રાના પડાવોના સંચયોને જોતાં એ બાબતે મને વિચારતો કરી મૂક્યો કે આમાં એક પણ સંસ્કૃત વિષયક લેખ (સીડીમાં કેદ રામાયણ વિશેના લેખના અપવાદ સિવાય) નથી. આમ કેમ બન્યું હશે? નિશ્ચિતપણે તો કશું કહી શકાય નહીં. પણ સંસ્ક્રીતીસ્ટ (આ જોડણીભૂલ નથી, અંગ્રેજી પ્રમાણે કરી છે) એવો હું ધારું છું કે, ફાર્બસની નિસબત સાહિત્ય કરતાં સંસ્કૃતિ વિશેષ રહી છે અને તેથી સંસ્ક્રીતીસ્ટ હોવા છતાં, સંસ્કૃતીસ્ટ પણ છું (અને સંસ્કૃતિ હશે તો, સાહિત્ય અને સંસ્કૃત રહેશે) અને એ રીતે મારા મનનું સમાધાન થાય છે. હવે સિતાંશુભાઈ કહે છે તેમ, ત્રૈમાસિકનો ‘એકસેન્ટ’ સંશોધન પર હશે એટલે. મેં પણ તમે દર્શાવેલા પ્રકારના જોખમની જિકર સિતાંશુભાઈ આગળ કરેલ કે એકલા સંશોધનથી સામયિક ભારેખમ અને શુષ્ક નહીં બની જાય? જોકે, સંસ્કૃતિ – સાહિત્યનો એક આધાર નક્કર સંશોધન (નક્કર, નહીં કે, સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે, તેમ, અમુક શબ્દોને ‘મહત્‌’ શબ્દ લગાવવાથી અર્થ સમૂળગો બદલાઈ જાય – જેમ કે યાત્રા અને મહાયાત્રા, તેમ નિબંધ અને મહાનિબંધ!) હોવાથી, અંગત રીતે હું તો, સિતાંશુભાઈની વાત વધાવી જ લઉં અને એ વાતનો પણ મારે મન મહિમા કે સિતાંશુભાઈ જેવી ઉચ્ચ કક્ષાની ક્રીએટીવ વ્યક્તિ (અત્યારે તો એમની ક્રીએટીવિટીનો મધ્યાહ્ન તપે છે!) સંશોધન પર ભાર મૂકી રહી છે. સિતાંશુભાઈ, તુમ આગે બઢો નવા અંક તરફ, હમ તુમ્હારે સાથ.

વિજય પંડ્યાનાં સ્નેહસ્મરણ
[એપ્રિલ-જૂન, ૨૦૦૭, પૃ. ૪૨]