‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં બાળસાહિત્ય હોવું જોઈએ : યશવંત મહેતા અને અન્ય
યશવંત પંડ્યા અને અન્ય
[ગુજરાતી બાળસાહિત્ય : ઉપેક્ષિત ક્ષેત્ર]
‘યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં બાળસાહિત્ય હોવું જોઈએ ’
માનનીયશ્રી, આપના દ્વારા એક વાત સૌ સુધી પહોંચાડવાની ઇચ્છાથી આ પત્ર લખીએ છીએ. ગુજરાતી બાલસાહિત્ય સાહિત્યક્ષેત્રે ઠીક ઠીક ઉપેક્ષિત રહેલું છે. અલબત્ત, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી કે અન્ય સંસ્થા ક્યારેક ક્યારેક બાલસાહિત્ય સંદર્ભે પરિસંવાદો ગોઠવે છે, સામયિકોમાં વિશેષાંકો નીકળે છે. ગુજરાતી બાલસાહિત્ય વિશે ગિજુભાઈ અને એ પછી ઘણા વિદ્વાનોએ પાયાનું કામ કર્યું છે. પરિષદ પ્રમુખનાં ભાષણોમાં પણ એ વિશે ચિંતા સેવાઈ છે. છતાંય ગુજરાતી બાલસાહિત્યને જે દરજ્જો મળવો જોઈએ તે નથી મળી શક્યો તે તો આપ પણ સ્વીકારશો. હવે આવી સ્થિતિની સામે બીજી વ્યક્તિ પર ખાસ ધ્યાન દોરવું છે. અહીં ‘તોત્તોચાન’ પોંખાય છે, પણ ગિજુભાઈના ‘દિવાસ્વપ્ન’ને વીસરી જવાય છે તેવું પણ બન્યું છે. આ તો એક ઉદાહરણરૂપે મૂળ વાત તો તેટલી જ છે કે ગુજરાતી બાલસાહિત્ય હવે એટલું પગભર અને સમૃદ્ધ થયું છે કે તેનાં લેખાંજોખાં કરી શકાય. અહીં મૌલિક બાલસાહિત્ય અને અનુવાદ- રૂપાંતર રૂપે ઘણું બાલસાહિત્ય ઉપલબ્ધ છે. વળી હવે તો સંદર્ભગ્રંથો પણ ઠીક ઠીક ઉપલબ્ધ છે. ગુજરાતી બાલસાહિત્યમાં એવા સર્જકો પણ છે જે પીએચ.ડી. માટે વિષય બની શકે. આ સિવાય પણ બાલસાહિત્યને અનેક પરિમાણોથી જોઈ-મૂલવી તેના પર શોધનિબંધ લખી શકાય. યુનિવર્સિટીઓમાં વૈકલ્પિક પેપર તરીકે ગુજરાતી બાલસાહિત્યને મૂકવામાં આવે તો તેનો લાભ ગુજરાતી બાલસાહિત્યને તો મળશે જ, સાથે સમજને પણ મળશે. ગુજરાતી ભાવિ પેઢી માટે આ હિતકારક બની રહેશે. બાલસાહિત્યનાં સ્વરૂપો, વિષયો, રચનાકારો, તેની ભાષા- એમ અનેક રીતે તેનું અધ્યયન થઈ શકે. આવાં અધ્યયનો થશે તો બાલસાહિત્યની ઊણપોનો પણ બાલસાહિત્યકારોને ખ્યાલ આવશે અને એથી ધોરણો સુધરશે. આથી અમને એમ લાગે છે કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ અર્થે બાલસાહિત્ય હોય તો તે સૌના હિતમાં છે.
અમદાવાદ, જૂન ૦૬
– યશવંત પંડ્યા અને અન્ય
બાલસાહિત્ય અકાદમી વતી
[એપ્રિલ-જૂન, ૨૦૦૬. પૃ. ૩૮]