‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘તમે ‘લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ’ની તીર્થયાત્રાએ જઈ આવ્યા...’ : જયંત મેઘાણી
જયંત મેઘાણી
[સંદર્ભ : ઑક્ટો-ડિસે., ૨૦૦૩, કેવળ ગ્રંથાલય નહીં, એથી વિશેષ...]
‘તમે લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસની તીર્થયાત્રાએ જઈ આવ્યા...’
પ્રિય રમણભાઈ, તમે લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસની તીર્થયાત્રાએ જઈ આવ્યા અને તેનો પ્રસાદ વાચકોને વહેંચ્યો તેનો આનંદ છે. હું પણ એવાં તીર્થટનનું સ્વપ્ન વરસોથી સેવી રહ્યો છું. તમારી વાત બરાબર છે : એ માત્ર ગ્રંથાલય નથી, રાષ્ટ્રની જ્ઞાન-પરંપરાનું જતન કરતી સંસ્થા છે. વળી, લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસ ભલે દેશની સંસદનું પુસ્તકાલય હતું, અને પછી એનું સ્વરૂપ રાષ્ટ્રીય ગ્રંથાલયનું થયું. પણ એનો વિકાસ એટલો ગંજાવર અને જ્ઞાનનાં તમામ ક્ષેત્રોને આવરી લેતો થયો છે કે જગત આખાનું એ મોવડી ગ્રંથાલય બન્યું છે. દુનિયાના આ સહુથી મોટા અને સહુથી વધુ વ્યવસ્થિત જ્ઞાનરાશિનું માપ દર્શાવવા માટે એમ કહેવું બસ થશે કે દર વરસે તેમાં એકાદ કરોડ જેટલાં પુસ્તકો અને ઇતર સામગ્રી ઉમેરાય છે. આ ‘ઇતર સામગ્રી’ એટલે શ્રવણ-સામગ્રી, દૃશ્ય-સામગ્રી, સામયિકો, નકશાઓ, હસ્તપ્રતો. બેઈલ પુસ્તકો. અહીં સંઘરાતાં પુસ્તકો જગતભરની ભાષાઓનાં હોય છે. ભારતનું ઉદાહરણ : આપણી બાર ભાષાઓ અને અંગ્રેજીમાં બહાર પડતી અપરંપાર સામગ્રી (એમની પરિભાષામાં પુસ્તક+પુસ્તકેતર માધ્યમો માટે ‘મટીરીઅલ’ શબ્દ છે) વસાવે છે – આડેધડ નહીં, ઝીણવટથી મુકરર કરેલાં ધોરણોને કાળજીથી અનુસરીને. દક્ષિણ એશિયાના દેશોમાંથી ‘સામગ્રી’ વસાવવા માટે ૧૯૬૨થી દિલ્હીમાં એમનું દફતર ચાલે છે. ભાષાઓના અને વિષયોના જાણકારો દેશદેશમાંથી ઠલવાતી સામગ્રીનું અવલોકન કરે છે, લાઈબ્રેરીના ઠરાવેલા વ્યાપમાં એ બેસે છે કે નહીં તે ચકાસે છે, અને વસાવવા ન વસાવવા અંગેનો નિર્ણય કરે છે. નક્કી કરેલા વિક્રેતાઓ એમનાં નવાંનવાં પુસ્તકો પહોંચાડે છે. એમના નિષ્ણાતો દેશભરમાં ઘૂમીને ખૂણેખાંચરેથી પુસ્તકો વિણવા માટે પ્રવાસ કર્યા કરતા રહે છે. લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસની પુસ્તકો વસાવવાની આ વ્યવસ્થામાં અમેરિકાનાં ત્રીસેક મોટાં સંશોધન અભ્યાસનાં ગ્રંથાલયો – તમે જોયેલું પેન્સીલ્વેનિયા યુનિવર્સિટી ગ્રંથાલય તેમાંનું એક – જોડાયેલાં છે, ને એમને માટેની સામગ્રી પણ અહીંથી જ જાય છે. નકામું ભલે થોડું કદાચ પેસી જાય, પણ ખપનું કોઈ છટકી ન જાય તેની કાળજી રખાય છે. હા, ખપનું કશું રહી ન જવું જોઈએ – કારણકે લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસ એવી પ્રજાની સંસ્થા છે કે જે એમ ઇચ્છે છે કે ખપનું બધું એને હાથવગું હોવું જોઈએ. ‘આપણે અજાણ હોઈએ એ વસ્તુ જગતના અન્ય દેશ પાસે હોય ના, એમ ન બનવું જોઈએ. એ એનો મંત્ર તમે જે ગુજરાતી સામયિકો ફેલાડેલ્ફીઆમાં જોયાં એ અને ગુજરાતી પુસ્તકો આ યોજના હેઠળ ત્યાં પહોંચે છે. જાણવામાં રસ પડશે કે ખાસ કરીને વીસમી સદીના ઉત્તરાર્ધનાં ગુજરાતી પ્રકાશનોનો એટલો સમૃદ્ધ સંગ્રહ ત્યાં છે કે એવડો, અને ખાસ તો એટલો વ્યવસ્થિત, આપણા કોઈ ગ્રંથાલયમાં પણ નહીં જોવા મળે. લાઈબ્રેરીની ગ્રંથસૂચિ ઇન્ટરનેટ પર હાજરાહજૂર છે. મારે એકવાર ગુણવંતરાય આચાર્યનાં પુસ્તકોની સૂચિ જોઈતી હતી. લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસની સૂચિમાંથી આંખના પલકારામાં ૧૦૧ પુસ્તકોની નામવલી સ્ક્રીન પર આવી ગઈ! તેમાંનાં કેટલાંક તો અપ્રાપ્ય બનેલાં ત્યારે એમણે માઈક્રોફિલ્મ કરીને જાળવ્યાં છે! પૂછો આપણા રાષ્ટ્રીય ગ્રંથાલયને કે ગુજરાતના રાજ્ય ગ્રંથાલયને - આવું છે? જગતની એક છેવાડાની ગુજરાતી ભાષાનાં ચુનંદાં પુસ્તકો માઈક્રોફિલ્મ કરી લેવાનું કોને સૂઝ્યું હશે? જાણીએ : જાણીતા વિવેચક દીપક મહેતા ૧૯૭૨ થી ૧૯૮૬ના ગાળામાં લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસના દિલ્હી કાર્યાલયમાં એક્વીઝીશન વિભાગના મોવાડી (પહેલાં ગુજરાતી-મરાઠીના વિશેષજ્ઞ ને પછી ૧૯૮૩થી કાર્યકારી અધ્યક્ષ) હતા એમણે ખૂબ કાળજીથી અલભ્ય પુસ્તકોને આ રીતે સાચવી લીધાં હતાં. ભારતીય પુસ્તકોની વ્યવસ્થિત, મોટા પાયા પરની ખરીદીનો કાર્યક્રમ તો ૧૯૬૨માં આરંભાયેલો પણ એ અગાઉનાં અલભ્ય પ્રકાશનો વીણીવીણીને લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસનો સંગ્રહ સમૃદ્ધ બનાવવાનો વિચાર જિન સ્મિથ નામના એક અમેરિકન અધિકારીને આવ્યો અને તેને પાર પાડવામાં દીપકભાઈએ નિર્ણાયક ભાગ ભજવ્યો. આપણા સાહિત્યનાં પુસ્તકો જ નહીં પણ જીવનકથાઓ, ગામો-કસબાઓ-શહેરોની સ્થાનિક તવારીખો, જાતિઓ અને જ્ઞાતિઓના ઇતિહાસો, ૧૯મી સદીનાં પાઠ્યપુસ્તકો, અનેક જૂનાં સામયિકોની ફાઈલો, વડોદરા-ભાવનગર-ગોંડલ જેવાં રજવાડાંના વાર્ષિક વહીવટી અહેવાલો – એવીએવી વિરલ સામગ્રી, ઠેરઠેર ઘૂમીને દીપકભાઈએ એકઠી કરી (‘ગુજરાતી’ અઠવાડિકનો લગભગ સંપૂર્ણ સંગ્રહ ત્યાં છે!) જ્યારે માઈક્રોફિલ્મ કાર્યક્રમ હાથ ધરાયો ત્યારે આમાંનું ઘણું કચકડાની પટ્ટી પર સાચવી લેવાયેલું. આ બધું થયું એ એક દૃષ્ટિવંત વિદ્વાન અમેરિકન અધિકારી અને એમને સાંપડેલા આ ગુજરાતી જોડીદાર થકી. આપણા ભાષાસાહિત્યની ખેવના સેવનારાઓએ ધડો લેવા જેવી આ ઘટના છે. આ લાઈબ્રેરી જેમ માત્ર ગ્રંથભંડાર નથી, રાષ્ટ્રના વિદ્યારાશિની સંવર્ધક વિરાટ સંસ્થા છે, તે જ રીતે તેના લાઈબ્રેરીઅન ગ્રંથાલયશાસ્ત્રની ટેકનીકલ કામગીરીના માહિર જ નહીં, પણ વિદ્વદ્જગતના સન્માન્ય આગેવાન, દૃષ્ટિવંત નેતૃત્વક્ષમતા ધરાવનાર હોય છે. એ પદ એટલું મહત્ત્વનું ગણાયું છે કે લાઈબ્રેરીઅન ઑફ કૉંગ્રેસની પસંદગી અને નિમણૂક ખુદ રાષ્ટ્રપતિ કરે છે – જેમ એ શિક્ષણમંત્રીને નીમે છે તેમ. ભારતમાંથી આટલા ગંજાવર પાયા પર પુસ્તકો ખરીદવાની અને એને અમેરિકાનાં ચુનંદાં ગ્રંથાલયોમાં પહોંચાડવાની આ યોજનાનો ઉદ્ભવ પણ ઇતિહાસનો એક અકસ્માત જ ગણાશે. પચાસના દાયકામાં ભારતમાં મહાદુકાળે ભરડો લીધો. ત્યારે આપણે ઘઉંની તાતી જરૂર હતી. અમેરિકાની ખળાવાડો ધાન્યથી ઊભરાતી હતી. પણ એ ખરીદવા માટે આપણી પાસે હુંડિયામણ નહોતું. અમેરિકાએ રૂપિયા સ્વીકાર્યા અને પછી એ તોતીંગ ભંડોળનો ઉપયોગ એ પછીનાં થોડાં વરસો લગી ભારતમાં કર્યો. લેખકો-વિદ્વાનોને અમેરિકાના પ્રવાસે મોકલ્યા, શિષ્યવૃત્તિઓ આપી, અમેરિકન પુસ્તકોના અનુવાદોનું મોજું આવેલું, જાણીતાં અમેરિકન પુસ્તકોની સાવ સસ્તી ભારતીય આવૃત્તિઓ સુલભ બની – એ બધું આ રકમ થકી! લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસની પુસ્તક-ખરીદીની યોજના પણ એ નાણાંમાંથી ચાલી. અમેરિકાનાં મોટાં યુનિવર્સિટી ગ્રંથાલયોમાં પણ પુસ્તકોનો આ પ્રવાહ પહોંચવા લાગ્યો અને ત્યાંના વિદ્વાનોનો ભારત-રસ સંવર્ધિત થયો. અભ્યાસનાં નવાં ક્ષેત્રો વિદ્વાનો અને વિદ્યાર્થીઓને લાધ્યાં. અનેક યુનિવર્સિટીઓમાં ભારત વિશેનો રસ સંવર્ધિત થયો. અભ્યાસની મૂલ્યવાન સામગ્રી લભ્ય બની તેથી ભારત વિશેના અભ્યાસક્રમો પ્રચલિત બન્યા. ભારતીય સંસ્કૃતિ અભ્યાસનો પ્રિય વિષય બની. ભારતીય પુસ્તકોની માગ ઊભી થઈ, અને ખાસ કરીને આપણું અંગ્રેજી ભાષાનું પ્રકાશન અણધાર્યો વિકાસ પામ્યું. આજે આપણું અંગ્રેજી પ્રકાશન બહોળું અને પરિપક્વ થયું છે. આપણાં એ પ્રકાશનો દુનિયામાં ઊંચું મસ્તક લઈને વિહરે છે – આ વિકાસમાં પણ લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસનો ફાળો નોંધવો પડે એવો છે. આજે જગતમાં સહુથી વધુ અંગ્રેજી પ્રકાશનો પ્રગટે છે અમેરિકામાં, બ્રિટનમાં, અને ત્રીજા ક્રમે ભારતમાં. આશા છે કે મારી આ વાતો સૌના રસની હશે.
ભાવનગર, ૧૯-૪-૨૦૦૪
– જયંત મેઘાણી
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૪, પૃ. ૩૭-૩૮]