‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/લેખકોના સરનામા પણ અપાય તો... : મહેન્દ્ર મેઘાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

મહેન્દ્ર મેઘાણી

લેખકોનાં સરનામાં પણ અપાય તો...

‘આ અંકના લેખકો’માં ઘરનું ને વ્યવસાયનું બેઉ સરનામાં આપો છો એના અક્ષર જરા નાના કરીને પણ અવલોકિત પુસ્તકોના લેખકોનાં સરનામાં પણ આપવાનું અનુકૂળ લાગે તો અવલોકન વાંચીને કોઈ વાચકને મન થાય લેખકને બે લીટી લખવાનું, તો ઉપયોગી થાય?[1] જેમકે ‘ગાંધી મહાપદના યાત્રી’ એ અવલોકનમાં પૃ. ૩૩ ઉપર બીજી કટારની છેલ્લી લીટી-૩માં ‘ભળેલી છું’ તરફ લેખકનું ધ્યાન દોરવાનું કોઈને મન થાય – સિવાયકે તે ઉતારવામાં શરીફાબેનની કલમચૂક થઈ હોય.[2] બીજું ખુલ્લા પગે જાતરા’ના અનુવાદક ને સમીક્ષકનાં નામ આરંભે ચોકઠામાં મૂકેલ છે તેની સાથે મૂળ લેખકનું પણ ત્યાં આપી શકાય તો સારું ને? (એની કિંમત આપવી સરતચૂકથી રહી ગઈ છે.)[3]

*

‘પ્રત્યક્ષ’ના છેલ્લા અંક (ઑક્ટો-ડિસે. ૯૭)માંથી થોડાંક પુસ્તકો વિશેની અલ્પતમ સમીક્ષા-નોંધ સંકલિત કરી ‘ભૂમિપુત્ર’ અને ‘નયામારગ’ને મોકલું છું – એમને યોગ્ય લાગે તો પ્રગટ કરવા. બીજે ક્યાંય શક્યતા જણાશે તો ત્યાં પણ મોકલવામાં તમારી અનુમતિ હશે, એવી આશા છે. ઘણા વખતથી મને હોંશ હતી કે આમ બીજે આવેલાં પુસ્તક-અવલોકનોના અંશો દર મહિને અમુક સામયિકોને મોકલવાં, જેથી તમારી મહેનતનો લાભ એમના વાચકોને મળે અને ‘પ્રત્યક્ષ’નો પણ પરિચય થાય.[4] લિપિ-સુધાર વિશેની નવી પત્રિકા પણ સાથે બીડી છે.[5]

ભાવનગર
૮-૨-૯૮

– મહેન્દ્ર મેઘાણી

  1. સમીક્ષકોનાં સંરનામાં તો પૂર્વપ્રાપ્ત હોય છે. લેખકોનાં ખાસ મેળવવાં પડે. પુસ્તક-પ્રકાશકના સરનામાને જ લેખકનું સંપર્ક-સૂત્ર ગણીએ તો?
  2. મુદ્રણનો દોષ છે - ‘ભળેલો છું’ હોવું જોઈએ.
  3. હા, બંને સરતચૂકથી જ રહી ગયા છે.
  4. એ માટે આભાર.
  5. આ પત્રિકામાંથી જ લઈને કાલેલકરના જોડણી વિશેના વિચારો, આ વિભાગમાં અન્યત્ર, પ્રગટ કર્યા છે.

– સં.
[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૮, પૃ. ૪૧-૪૨]