‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/અહીં ક્યાં ગ્રાહક-લેખક સુરક્ષાધારો છે? : હિમાંશી શેલત

૧૮ ખ
હિમાંશી શેલત

અહીં ક્યાં ગ્રાહક-લેખક સુરક્ષાધારો છે?

વાત કરવી છે સામયિકોની અને એના સૂત્રધારોની, સુખ્યાત પ્રકાશન સંસ્થાઓની અને એમના વહેવારની. આ બધું કહેવા જતાં થોડું અંગત પ્રવેશવાનું છે કારણકે સ્વાનુભવની અહીં બાદબાકી નથી કરવી. નામો સંતાડવાં નથી અને જે જેવું અનુભવ્યું તે તેવું જ વ્યક્ત કરવું છે. ગુજરાતમાં સામયિકોનું સંપાદન સહેલું નથી એ સ્વીકારીએ. ધોરણ જાળવવું, સામયિકોનો ફેલાવો થાય એની મથામણ કરવી, લેખકોને સાચવવા અને સામયિક સમયસર પ્રગટ થાય એની તકેદારી રાખવી એ બધું સમય અને શક્તિ માગે. અને આ બધુંયે ધ્યાન રાખવા છતાં સામયિક બંધ પડી શકે. ગુજરાતના વાચકો એથી શોકમાં નહિ ડૂબી જાય. જેનો આરંભ છે એનો અંત પણ છે જ. એ સમજ અન્ય કોઈ બાબતે હોય, ન હોય. છતાં સામયિક-સંદર્ભે તો સુજ્ઞજનોને એ બરાબર સમજાયેલી છે. પરંતુ ફરિયાદો કંઈ એકલા સંપાદકોને પક્ષે નથી. લેખક-વાચકને પક્ષે પણ અસંતોષ ઓછો નથી. સામયિકના સૂત્રધારો લવાજમનો આગ્રહ રાખવામાં જેટલા ચોક્કસ હોય એટલા જ ચોક્કસ સામયિકના પ્રકાશનની નિયમિતતા અંગે છે ખરા? આપણે ત્યાં થોડાં સામયિકો બાદ કરતાં કેટલાં સમયસર બહાર પડે છે એનું સર્વેક્ષણ કરવા જેવું છે. હજાર-બારસો જેવી રકમ ભરીને આજીવન સભ્ય બન્યા પછી પણ તમે સામયિકનું અસ્તિત્વ લગભગ ભૂલી જવાની તૈયારીમાં હો એટલી નિયમિત અનિયમિતતાથી અંકો પ્રગટ કરનાર સંપાદક/તંત્રીને ગ્રાહક બાપડો શું પૂછી શકવાનો? અહીં ગ્રાહક-સુરક્ષાધારા જેવું તો કંઈ હોય નહિ ને! કૃતિ મળ્યાનો/સ્વીકારનો પત્ર લખાવો જોઈએ એવું યે બહુ ઓછાં માને છે. કૃતિનો સ્વીકાર થયા પછી એ અંદાજે ક્યારે પ્રગટ થશે એ જણાવવું પણ બહુ મુશ્કેલ તો નહિ જ હોય. ક્યાંક પ્રગટ થયેલી રચના ફરી છાપવી હોય તો સર્જકની સંમતિ મેળવીને, કૃતિ ક્યાંથી લેવામાં આવી છે એની નોંધ મૂકવી અનિવાર્ય ગણાવી જોઈએ. આ બાબતે કોઈનો પડકાર ન સંભળાતાં છૂટાછવાયા વિરોધને કોઈ ગણતરીમાં નથી લેતું. બધાં પોતપોતાનો ગઢ સાચવી રાખો એવો જ ભાવ પ્રવર્તતો હોય ત્યાં વિરોધના સૂર દબાયેલા જ રહેવાના સાહિત્યક્ષેત્રે અમુક પદ-ખ્યાતિ પ્રાપ્ત થયા પછી કેટલાક વિષયો સુપ્રતિષ્ઠિતો માટે વર્જ્ય ગણાતા હોય એમ ટોચ પરથી વિરોધનો કે આગ્રહનો સૂર ભાગ્યે જ સંભળાય. તળેટીવાળાં કે વચ્ચે ઊભેલાં બૂમો માર્યાં કરે, કોણ સાંભળવાનું? પુરસ્કાર તો પછી, કેટલાંક સામયિકોને તો લેખકોને ઑફ પ્રિન્ટ મોકલવાનુંયે નથી પોસાતું. સાહિત્યસંસર્ગે તમને અનાસક્તિયોગમાં સ્થિર કર્યા હોય તો જાણે ખાસ વાંધો ન આવે. નિષ્કામભાવે રાહ જોઈ શકાય. તમે તો છાપવા મોકલીયે ન હોય છતાં તમારી કૃતિ ક્યાંકથી ઝડપી છાપી તો દીધી જ હોય, પણ પછી એ અંક મોકલવા જેટલું સૌજન્ય સુલભ ગણી નહિ લેવાનું. દુકાળ કંઈ માત્ર અનાજ-પાણીનો જ પડે એમ ઓછું છે? સર્જક તો મુઠ્ઠી ઊંચેરો એટલે એને પહોંચપત્ર, ઑફ પ્રિન્ટ, સંમતિપત્ર કે પુરસ્કાર જેવી સ્થૂળ બાબતોમાં ઘસડવો નહિ એવી કોઈ માન્યતા ફેલાતી જતી હોય તો ખબર નથી. એમાં વળી અખબારો અને લોકપ્રિય સામયિકોનો તો દરજ્જો જ ખાસ. એકવાર ‘ચિત્રલેખા’માંથી કૌશિક મહેતાનો ટેલિફોન આવ્યો. મેઘાણી-સાહિત્યની અનુવાદ-પ્રકાશન પ્રવૃત્તિઓ વિશે વિગતો જોઈતી હતી, કોઈ લેખ માટે. મૌખિક વાતમાં કહ્યું-સાંભળ્યું કશીક ગેરસમજ પેદા ન કરે એવા આશયે વિનોદ મેઘાણીએ વિસ્તૃત નોંધ મોકલી, સમય અને શ્રમ બંને વાપર્યાં. પછી તો એ આખી નોંધનું બાષ્પીભવન થઈ ગયું. જો ખપ ન પડ્યો તો એ સામગ્રી પાછી મોકલવી જોઈએ. એ માટે વાયદા મળ્યા, વચનો મળ્યાં, પણ સામગ્રી ન જ મળી. ટિકીટ ચોંટાડેલા કવરની શરમ પણ અખબારો ન રાખે. ૧૯૯૯ના ગાળામાં ‘સમકાલીન’ને મોકલેલા એક લેખની આવી ગતિ થયેલી. ચોથી જાગીરના કારભારમાં આવાં કવરનો શો હિસાબ હોય? અખબારના તંત્રીઓને આપણામાંનાં ઘણાંએ એવા ઉચ્ચાસને બેસાડી દીધા છે કે હવે એમને પોતાની સામાન્ય ફરજો બજાવવાનું યે કષ્ટદાયક લાગે છે! સંસ્થાઓમાં હવે કામ સંદર્ભે ખો આપવાની પ્રથા ચાલુ મતિ થઈ છે. કશીક પૂછપરછ કરશો તો જવાબ મળે કે આ અંગે અમારા વેચાણ વિભાગ સાથે અથવા તો અમારી અમુકતમુક શાખા સાથે પત્રવ્યવહાર કરો. ઉદાહરણ તરીકે ‘માણસાઈના દીવા’ના અંગ્રેજી અનુવાદની નકલોની સંખ્યા કે એની સ્થિતિ અંગે ખુદ અનુવાદકનેય જાણકારીની જરૂર હોય તો એને એમ કહેવામાં આવે કે આ બાબત ફલાણા વિભાગને પૂછો દિલ્હીમાં રહેલી એક જ સંસ્થાની બે શાખાઓ પરસ્પર મેળમાં કામ ન કરી શકે એવું હોય તેમ એક નાનકડી બાબત પૂછવા ઠેઠ ગુજરાતથી વ્યક્તિ જુદેજુદે ઠેકાણે લખાપટ્ટી કરતી રહે! વ્યવસ્થા એક વાત છે. અને વ્યક્તિને ધક્કે ચડાવવી સાવ બીજી જ બાબત છે. એક મુદ્દા પરત્વે હમણાં જ મહેન્દ્રભાઈ મેઘાણીએ ધ્યાન દોર્યું. ‘કવિતા’ના અંકમાંયે એવી સૂચનાઓ આવે છે કે નકલ ન મળ્યાનો પત્રવ્યવહાર સરક્યુલેશન વિભાગ સાથે અને પુરસ્કાર મોકલવામાં વિલંબ થાય તો એ અંગે પત્રવ્યવહાર ઍકાઉન્ટ્‌સ વિભાગ સાથે કરવો. નકલ બાબત તો જાણે સમજ્યાં, પણ પુરસ્કારમાં ધારો કે વિલંબ થયો તો કવિએ ઍકાઉન્ટ્‌સ વિભાગને બારણે શા માટે જવાનું? એણે એવો તો શો અપરાધ કર્યો જેની આવી શિક્ષા? લખનારે પોતાનું લખાણ તંત્રીને/સંપાદકને મોકલ્યું, પછી એને પુરસ્કાર વેળાસર ન મળે તો એને તંત્રી પાસે જવાની મોકળાશ કેમ નહિ? અને એની ફરિયાદ પેલા સંબંધિત વિભાગ સુધી તંત્રી કેમ ન પહોંચાડી શકે? મહેન્દ્રભાઈના જ શબ્દોમાં ‘એટલા ગૌરવનો અધિકારી આપણે તેને(લેખકને) ન માનીએ?’ જો કે મને તો એવું સ્વીકારવું ગમે કે કોઈ લેખકને આમ ફરિયાદ કરવાની ઘડી આવતી જ નહિ હોય, અને બધું સરળતાથી અને સંતોષકારક રીતે જ ચાલતું હશે. આપણી પ્રતિષ્ઠિત પ્રકાશન-સંસ્થાઓ અંગે તો લખતાંયે સંકોચ થાય એવું છે. દિલ્હીસ્થિત પ્રકાશન-સંસ્થા ‘કથા’ ભારતની વિવિધ ભાષાઓની કૃતિઓના અનુવાદ-પ્રકાશન અંગે જાણીતી છે. બે-અઢી વર્ષ પૂર્વે મારી વાર્તા ‘બારણું’નો અંગ્રેજી અનુવાદ પોતાના એક પુસ્તકમાં પ્રગટ કરવા સંમતિ મંગાવેલી જે મેં મૂળ વાર્તા સાથે મોકલી આપેલી. ઠીકઠીક સમય વહી ગયા પછી એક દિવસ એ પુસ્તક ‘The Bell and Other stories’ મારી પાસે આવ્યું. ‘The Door’નાં લખનાર તો કોઈ દર્શના દવે હતાં! સાથે આવેલો પત્ર ખોલ્યો. માફી માંગવામાં તો દિલ્હીને કોણ પહોંચે? ખૂબ જ દિલગીર.. ખબર નહિ આવી ભૂલ કેવી રીતે થઈ ગઈ તે... સાવ છેલ્લે જ ખબર પડી કે વાર્તા તો તમારી છે અને નામ તો ગફલતથી અનુવાદકનું છપાઈ ગયું. આ માફી સાથે વાર્તાકારનું દિલ બહેલાવવા માટે રૂ. ૭૫૦/-નો ચેક! ચૅક પાછો મોકલી સ્પષ્ટતા માંગી કે પ્રકાશનના કયા તબક્કે, મૂળ કૃતિ અને સંમતિપત્ર મંગાવ્યા પછી કેવી રીતે, આ ભૂલ સર્જાઈ છે એ જાણવું છે. પ્રશ્ન લેખકને મળતા યશનો નહિ (જે આમ તો ઠીકઠીક વાયવ્ય ચીજ છે), મુદ્દો પ્રકાશન-સંસ્થા અને લેખક વચ્ચેના ભરોસાનો છે. પછી તો કાગળ પર કાગળ નકલો પાછી ખેંચી લઈશું, ભૂલ સુધારેલી આવૃત્તિ મોકલી આપીશું, આ અમારો સંયુક્ત નિર્ણય છે. લેખકનું હિત જાળવવા ‘કથા’ પ્રતિબદ્ધ છે વગેરે વગેરે. આ અંગે કશો હોબાળો ન મચે એ માટે હોય એમ વચ્ચે એવો મીઠો પત્ર પણ રવાના કર્યો કે અમને તમારી રચનાઓના અંગ્રેજી અનુવાદમાં રસ છે અને એને લગતી વિગતો અવશ્ય મોકલો પત્રો વારંવાર લખાયા, જવાબમાં અનંત દિલગીરી, અનંત ક્ષમાયાચના, સુંવાળા જવાબ, અમારે બહુ કામ, (બાકીનાં બધી નવરાંધૂપ તે કાગળો લખ્યા કરે!) અમે બહુ રોકાયેલાં, જુઓને ફલાણાં તો લંડન છે ને પેલાં તો પારીસ અને આ તો બુક-ફેરમાં છે ને... ‘The Bell and Other Stories’ ૨૦૦૦ના એપ્રિલમાં પ્રગટ થયું. આજે માર્ચ ૨૦૦૨ લગીમાં નથી મને સુધારેલી નકલ મોકલવામાં આવી, ન તો પુરસ્કાર, ન કશો ખુલાસો. અને પુસ્તકને આગલે પાને ‘કથા’નાં ભરપેટ વખાણ વાંચીને થાય કે આવી ઉત્કૃષ્ટ સંસ્થાનાં એવાં જ ઉમદા સાહિત્યસેવીઓ જોડે આપણને શી રીતે વાંધો પડી શકે? કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ ગયે વર્ષે ’ઇન્ડિયન શોર્ટ સ્ટોરીઝ’ના બે દળદાર ગ્રંથો બહાર પાડ્યા. એના સંપાદક ઈ. વી. રામકૃષ્ણન. વિવિધ ભાષાઓની ચાર વાર્તાઓ, બે સ્વાતંત્ર્યપૂર્વ, બે સ્વાતંત્ર્યોત્તર. સર્જકને એની વાર્તા છપાઈ હોય એ ગ્રંથ પણ મોકલવાનો નહિ! પુરસ્કાર તો જાણે ન જ હોય. સંપાદકને ફરિયાદ કરી તો એ કહે કે મેં તો રજૂઆત કરી જ છે. લેખકને પુસ્તક મળવું જ જોઈએ! તો સર્જકોનું આવું સ્થાન છે અને સાહિત્ય-સંસ્થાઓને મન આટલી એમની ગણતરી છે. સમય હોય અને શક્તિ હોય તો કાગળો લખ્યે જાવ અને એનાથી વધુ સારાં કામ તમારી પાસે હોય તો આનંદેઆનંદે પેલી વાત જ આખેઆખી ભૂલી જાવ... આમ તો ભૂતકાળમાંયે આપણી વાર્તાના અંગ્રેજી અનુવાદ કોઈએ તાબડતોબ કરાવ્યા હોય અને ભોળાં જણના વેશમાં આપણે એટલા જ ઝપાટાબંધ મોકલ્યા હોય તે છપાયેલું પુસ્તક પણ આપણે વળી ક્યાં જોવું જ છે તે સાહિત્ય અકાદમીની ફરિયાદ માંડવા બેઠાં? બહુ ફરિયાદો કરીએ તો સામયિકોના સંપાદકોયે જવાબદાર વ્યક્તિ પાસે ઉત્તર કઢાવવાને બદલે સંભળાવે કે ‘હવે પછી આ ચર્ચા બંધ કરવામાં આવે છે.’ એટલે તલવાર મ્યાનમાં રાખી થાવ ઘર ભેળાં! અહીં તો સુપ્રિમ કૉર્ટનાં ફરમાન પણ ગાંઠે નહિ એવા લોક છે ત્યાં અન્ય કોઈનો શો પ્રભાવ? બળાપા કાઢવા કે કડવાશ ઠાલવવા આ લખ્યું નથી. ધ્યાન દોરવું છે સાહિત્યક્ષેત્રમાં ધીમેધીમે પેસતી જતી સડેલા સરકારીતંત્રની તમામ લાક્ષણિકતાઓ તરફ – જેમકે શિથિલતા. બેજવાબદારી, જડત્વ, કોઈ કામ માથે લેવાને બદલે સામાને પધરાવી દેવાની વૃત્તિ અને નફ્ફટાઈ. જાગતાં નહિ રહીએ તો સડો આખેઆખી સંસ્થાઓ ગળી જવાનો. લખેલું છપાય એટલાથી જ કૃતકૃત્ય, બધાંને ઉદાર હૃદયે ક્ષમાદાન દેતાં અને ‘એ તો હવે એમ જ ચાલે’ની ટાઢક ઓઢી આત્મતુષ્ટિમાં કાલનિર્ગમન કરતાં આપણે આ અંગે કંઈ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ કે નહિ તેની હાલ તો ખબર નથી.

અબ્રામા.

૨-૩-૨૦૦૨

[જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૨, પૃ. ૩૭-૩૯]