‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સાતે શાન : ડંકેશ ઓઝા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭.૧
સાતે શાન - ડંકેશ ઓઝા

[ગત-અંક-સમીક્ષા : ‘પ્રત્યક્ષ’ જાન્યુ-માર્ચ, ૧૯૯૮ વિશે]

કોઈ પણ સામયિક પોતાના અંકની નિયમિતપણે સમીક્ષા કરવા, નિમંત્રણ આપીને કાર્યારંભ કરે તે આવકાર્ય જ નહીં, પ્રશંસનીય પણ છે. આપણે એવા લેખકોને જાણીએ છીએ જે ટીકા સાંભળીને-વાંચીને કંઈક આળા થાય છે. સંપાદકો પણ કંઈ આ વર્ગમાંથી સંપૂર્ણ બાકાત રાખી શકાય તેવા નથી હોતા. ટીકા સાંભળવી અને સહન કરતાં શીખવું એ કદાચ બહુ મોટું શિક્ષણ માગી લે છે. આચાર ન ટકે રે, વિચાર વિના. જેઓ વિચારમાં દૃઢમત છે તેમને મુશ્કેલી ઓછી પડે. બાકીના અસહિષ્ણુ બને અને વિવિધ સ્વરૂપે એ પોતાની ઘવાયેલી લાગણી પ્રગટ કરી, જે તે ક્ષેત્રે દાટ વાળે. અગાઉ હિન્દી સાપ્તાહિક દઘ્ઙદ્બજ્દ્બદ્બઙદ્બ આમ પૂર્વ-અંક-સમીક્ષા કરાવતું. ખૂબ સારું પત્ર, પણ તે આટોપાઈ ગયું. હવે, ‘પ્રત્યક્ષ’ પોતાના આયુષ્યકાળના સાતમા વર્ષથી, સામે ચાલીને, ટીકા હોય તો તે આવકારવા આગળ આવે છે ત્યારે તેનાં ઓવારણાં લેતાં અદકો આનંદિત થાઉં છું. શરૂઆત ‘અનુક્રમ’થી જ કરીએ તો ચાર મુખ્ય વિભાગો નજરે પડે છે. પાંચમો ‘સ્થાયી વિભાગો’ એમ જુદો કરવાને બદલે, ‘સ્વીકાર મિતાક્ષરી’ અને ‘આ અંકના લેખકો’ બંને વિભાગોને ‘પત્રચર્ચા’ ભેગા ખતવાયા છે જે બરાબર નથી. ‘પ્રત્યક્ષીય’ શીર્ષકથી લખાયેલા સંપાદકીયમાં ખૂબ ઉમદા અને વિધાયક વિચારો રજૂ થયા છે – ગુજરાત સાહિત્ય અકાદમીની ‘શ્રેષ્ઠ પુસ્તક’ યોજના વિશે કારોબારીના સભ્યો સ્પર્ધક બની શકતા નથી એ સંભવિત બાદબાકી સંપાદકને બરાબર લાગી નથી. આ બાબતે મતભેદ રહેવાના. પરંપરાઓ પણ જોવી પડે. આવા નિર્ણયો વ્યક્તિલક્ષી રહીને ન કરી શકાય. કારણ વ્યક્તિઓ તો બદલાતી રહેવાની. આઠેક પુસ્તકો અંગેની વિસ્તૃત સમીક્ષાઓમાં ત્રણ કવિતાનાં પુસ્તકો, એક સંપાદિત વાર્તાનું, બે નવલકથાનાં, એક નિબંધનું અને એક વિવેચનનું છે. કવિતાનાં બંને પુસ્તકો ખરેખર બાળકવિતાનાં છે, જેનો ખ્યાલ અનુક્રમ જોતાં નથી આવતો. સમતોલ સમીક્ષાઓ ઝવેરીની અતિ કઠોર છે. સમીક્ષાહેઠળનું પુસ્તક તેમને એટલું તો નબળું જણાયું છે કે સમીક્ષા ‘વ્યર્થવ્યય’ લાગી છતાં કરી. ‘પરિચય અને અવલોકન’નો નવો વિભાગ સામગ્રીલક્ષી પરિચય અને ક્વચિત્‌ નૈમિત્તિક નિરીક્ષણોસહિતનો શરૂ કરાયો છે. સિલાસ પટેલિયાએ જો કે લાંબી લેખણે લખ્યું છે. ખરેખર તો આ જ અંકમાં કુસુમ પ્રકાશનની જે જાહેરાત છે તેમાં ત્રણેક પુસ્તકો વિશે જે લખવામાં આવ્યું છે તે આદર્શ બની શકે તેમ છે. તેમાં અલબત્ત ટીકાભાગ ન હોય. એવો ટીકાભાગ પરિચય-વિભાગમાં એકાદ-બે લીટીમાં ઉમેરી શકાય. વળી, આ વિભાગમાં રજૂ થયેલાં પુસ્તકોની છ પ્રકાશન-સંસ્થામાંથી એકેનાં પૂરાં સરનામાં આપાયાં નથી. મારું સ્પષ્ટ માનવું છે કે આપણે ટૂંકા નામે પ્રકાશન-સંસ્થાઓને ઓળખીએ છીએ, પરંતુ વિચાર પ્રત્યેક અજાણ વાચકનો પણ કરવાનો રહે છે. સરનામાં પૂરાં લખવાં જ જોઈએ. ૧૯૯૭ના વર્ષનાં સોળેક જેટલાં સાહિત્યિક સામયિકોમાંથી જે વીગતસભર સૂચિ બહેન કોમલ સોનીએ કરી છે તે અભિનંદનીય છે. પરંતુ એમાં ‘નિરીક્ષક’ અને ‘અખંડઆનંદ’ ઉપરાંત ‘નવનીત-સમર્પણ’ અને ‘ઈન્દુમૌલિ’ ઉમેરવાં જોઈતાં હતાં. વળી, સાહિત્યની જે જૂજ કોલમો અખબારો અને લોકપ્રિય સામયિકો (નેટવર્ક - અભિયાન - ચિત્રલેખા) માં લખાય છે તેને પણ સામગ્રીચયન માટે આવરી લેવી જોઈતી હતી. મહત્ત્વની વાત એ પણ છે કે ટાઈમ્સ અને ઍક્સપ્રેસમાં પણ થોડા સમયથી તુષાર ભટ્ટ, સંજય ભાવે અને વી. જે. ત્રિવેદીએ અનેક ગુજરાતી પુસ્તકો-સામયિકો-સાહિત્યકારો વિષે લખ્યું છે. ‘કેટલું બધું લખાય છે’ એ જાણીને આનંદિત થવું કે ચિંતાતુર થવું એ સમજાતું નથી. એકના એક લેખ બે જગ્યાએ છપાયા હોય એવું હજુ બન્યા કરે છે. ભાગ્યશાળી લેખકોનાં પુસ્તકોના એકથી વધુ રિવ્યૂલેખો જોવા મળે છે. નિબંધ અને બાળસાહિત્ય ઉપેક્ષિત હોય એટલુંક ઓછું એ વિશે લખાય છે. ભગતસાહેબના આઠેય ગ્રંથોની સમીક્ષા થયાનું જોવા મળે છે. વિજયરાય વૈદ્ય અને મેઘાણીને સમયસર સાહિત્યકારોએ પૂરતા વાંચ્યા-વિવેચ્યા છે. જોડણી વિશેનાં ચર્ચા-આંદોલન વાતાવરણમાં હોવાથી એ વિષય પણ લાભાન્વિત બન્યો છે. ‘કવિતા-આસ્વાદ’ વિભાગમાં ચંદ્રકાન્ત ટોપીવાળાના કાવ્યનો તેમણે જ ડિસે.ના ‘શબ્દસૃષ્ટિ’માં આસ્વાદ કરાવ્યાનું નોંધ્યું છે તે સરતચૂક છે. તેમની કોલમમાં દરિયાઈ સૃષ્ટિની વાતો કરતાં તેમણે કદાચ પોતાના કાવ્યનો થોડો વીગતે ઉલ્લેખ માત્ર કરેલ છે, આસ્વાદ નહીં. પત્રચર્ચાનો વિભાગ મોકળાશ કે ખુલ્લાશની જરૂરી પ્રતીતિ કરાવનારો જણાય છે. લેખો જેટલા લાંબા અભિપ્રાયો અને પ્રતિક્રિયા કે પૂર્તિરૂપે નહીં પણ સ્વતંત્ર વિષયો પરના ટૂંકા લેખો ન હોય એવાં ચર્ચાપત્રો પણ છપાયાં છે! મહેન્દ્ર મેઘાણીએ સંકલિત કરેલ કાકા કાલેલકરના લિપિ-સુધારાના વિચારો પણ પત્રચર્ચામાં બેધડક મૂકાયા છે. (અખબારો આ વિભાગને ફીલર તરીકે વાપરે છે. પણ સજ્જ સંપાદકો પણ આવું કરશે એ ખ્યાલ નહીં!) ખરું ચર્ચાપત્ર માત્ર વી. બી. ગણાત્રાનું છે. જનક ત્રિવેદીના ચર્ચાપત્રનો મુદ્દો ‘અધ્યાપકો જ સમીક્ષકો કેમ? અને તેનો પ્રત્યુત્તર રસપ્રદ છે. ‘સ્વીકાર-મિતાક્ષરી’માં પણ પ્રકાશકોનાં પૂરાં સરનામાં નથી. (ફોન નંબર પણ આ જમાનામાં આપવામાં વાંધો નહીં.) સાહિત્યના પ્રકાશકો-વિતરકોની પણ ક્યારેક સૂચિ આપી શકાય. મને એક પુસ્તકમાં રસ પડ્યો, તેનું શીર્ષક વાંચીને ‘પાશ્ચાત્ય તત્ત્વચિંતકો’ : ગણપતિ મહેતા, ૧૯૯૭. સોક્રેટિસથી શોપનહાઉર સુધીના તત્ત્વચિંતકો વિશે અભ્યાસ. ડે. ૩૧૪ રૂ. ૧૫૦. હવે રમણભાઈ, આ મારે મેળવવાનું ક્યાંથી? બાકી તો ગ્રંથસમીક્ષાના આ સામયિકે ‘ગ્રંથ’ની ખાલી જગ્યા પૂરી છે. સાહિત્ય વિશે ચિંતિત લોકો એને માસિક બનાવીને ઝંપે, સહકાર આપે એ જ અભ્યર્થના, જે દૈનિકોની ત્રેવડ સાહિત્યની કોલમો ચલાવવાની નથી તેઓ સૌજન્યસહ ‘પ્રત્યક્ષ’નાં લખાણો પ્રયોજે એ દિવસની હું રાહ જોઉં છું.