‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘આવી સમીક્ષાઓ નહીં થાય તો નહીં ચાલે?’ : રાધેશ્યામ શર્મા

૮.
રાધેશ્યામ શર્મા

[સંદર્ભ : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૬, ‘સમકાલીન ગુજરાતી વાર્તાઓ’ની સમીક્ષા, શરીફા વીજળીવાળા]

‘આવી સમીક્ષાઓ નહીં થાય તો નહીં ચાલે?’

‘પ્રત્યક્ષ’ના જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૬માં પ્રસિદ્ધ થયેલી, ‘સમકાલીન ગુજરાતી વાર્તાઓ’ની શરીફા વીજળીવાળાએ કરેલી સમીક્ષા વાંચીને પહેલાં તો થયું કે ‘આવી સમીક્ષાઓ નહીં થાય તો નહીં ચાલે?’ પણ પછી થયું કે આવી સમીક્ષાઓ પ્રકટ નહિ થાય તો સમીક્ષકો પણ ખુલ્લા નહિ પડે! પ્રસ્તુત સંપાદનગ્રંથને તેમનાં બે વિશેષણોનો ઉપહાર મળ્યો છે. ‘રેઢિયાળ’ અને ‘વાહિયાત’. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક સ્તરે આ સંપાદન પસંદગી પામ્યું હોવાના કારણે શરીફાના હાથે ચઢી ગયું એ ઇષ્ટ જ થયું નહીંતર મને પણ ફેર-નિરીક્ષણની, ખુલાસાની તક ક્યાંથી મળત? ‘નવી વાર્તા’ જેવું ‘ઉત્તમ સંપાદન આપનાર’ આ લખનારને સમીક્ષક ‘વાર્તામર્મજ્ઞ’ માને છે એટલે ભાવક અપેક્ષા વધી ગયાનું કબૂલે છે. નમ્રતાપૂર્વક પૂછું કે વસ્તુલક્ષી વિવેચન જ્યારે ‘પ્રત્યક્ષ’ જેવા વિવેચનપત્રમાં આલેખવા બેસો ત્યારે સંપાદકની આવી ‘ઇમેજ’ – અથવા તો આત્મલક્ષી પૂર્વધારણા - રાખવાનું કોઈ કારણ? અપેક્ષા ‘રાખી’ હોય તો તે નોર્મલ બાબત બને પણ અપેક્ષા વધારીને – દલા તરવાડીની જેમ – આખા ઉપક્રમને રેઢિયાળ-વાહિયાત કહેવા અપેક્ષાનો પ્રહારદંડ લેખે ઉપ-યોગ કરી લેવો તે અભિગમ કેવો ગણાય? આ સંપાદન અગાઉ, યશવંત શુક્લ-અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે નેશનલ બુક ટ્રસ્ટ તરફથી જ ‘ગુજરાતી વાર્તાઓ’, સુમન શાહે ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’ અને હમણાં ગુલાબદાસ બ્રોકર-સુમન શાહે ‘સાહિત્ય અકાદમી’ દિલ્હી તરફથી ‘કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાઓ ૧૯૫૫-૮૦’ તેમજ પ્રવીણ દરજી, મફત ઓઝા, જયેશ ભોગાયતા આદિએ વિવિધ વાર્તા સંપાદનો કર્યાં છે તેવાં તમામ સંપાદનો વિશે સમીક્ષક એકનો એક દંડો ઉગામતાં લખે છે : ‘આપણે ત્યાં વિભાવનાગત, વિષયવસ્તુગત, પ્રયુક્તિગત એકપણ સંપાદન નથી થયું.’ (આવું એક સંપૂર્ણ આદર્શ વાર્તા-સંપાદન શરીફાબહેનની પાસેથી ઉપર્યુક્ત સર્વ સંપાદકો વતીથી ચાહું છું...) હવે જેના કારણે સંપાદનને સમીક્ષક વાહિયાત ઠરાવવા નીકળ્યાં છે તે વિધાન વાંચીએ. ‘સંપાદકની કઈ વાર્તાવિભાવનાએ, વાર્તાસ્વરૂપ પાસેની કઈ અપેક્ષાએ એમની પાસે આવું વાહિયાત સંપાદન કરાવ્યું હશે એ સમજવું અતિશય મુશ્કેલ છે.’ પ્રથમ તો વિભાવના યા સ્વરૂપની અપેક્ષા સંપાદક પાસે વાહિયાત સંપાદન કરાવે એવો ધારણાપ્રશ્ન જ હાસ્યપ્રેરક બને! આમ છતાં, સંપાદકની વિભાવનાનો આલેખ ‘ભૂમિકા’માં પૃ.vi-vii ઉપર, વાર્તાવિકાસની ગતિ, પરિબળોને અનુલક્ષી આપ્યો છે તે સુજ્ઞો (અને સમીક્ષક ફરીથી) વાંચશે તો સમજવું અતિશય મુશ્કેલ નહિ લાગે. ગર્ટુડ સ્ટેઇનના અવતરણ (‘સૂચક કળા જ હંમેશા સમકાલીન છે અને હોવી જોઈએ’)ને અળગું રાખી મારા વિધાનનો માત્ર કાળમર્યાદાગત ઉલ્લેખ જ સમીક્ષકે ‘ફોકસ’માં મૂક્યો છે : ‘૧૯૮૬માં આ સંચય કરતી વખતે છેલ્લા પાંચદસ વર્ષમાં પ્રકાશિત ટૂંકી વાર્તાઓ સમકાલીન વાર્તા લેખે અહીં સ્થાન પામી છે.’ સમીક્ષકને જે ચુંકાય છે અને સંપાદનને, એનાં અન્ય પૉઝિટિવ પાસાંનો અંશતઃ પણ નોંધ ઉલ્લેખ કર્યા વિના રેઢિયાળ કહેવા ઉશ્કેરે છે તે મુદ્દો હવે પૂર્ણ પ્રકાશમાં ઊપસી આવે છે. જે સમીક્ષક હજુ હમણાં ઉપરના ફકરામાં ‘ગુજરાતની બહાર આપણી વાર્તાઓનું પ્રતિનિધિત્વ કરવાનું હોય ત્યારે માત્ર વાર્તા સામે જ નજર હોય ને?’ એવી સુફિયાણી સલાહ હંકારે છે તે તુરત બીજા જ ફકરામાં ભૂપેશ અધ્વર્યું, વીનેશ અંતાણી, અંજલિ ખાંડવાળા, હિમાંશી શેલત વગેરે વાર્તાકારોની ગેરહાજરીને આગળ ધરે છે. તાત્પર્ય કે સમીક્ષકની દૃષ્ટિએ હવે વાર્તાકૃતિઓ નહિ પણ તેમણે સૂચવેલા વાર્તાકારોની જ પ્રતિષ્ઠા છે! સમીક્ષક ‘આ સર્વને વાર્તાકાર તરીકેની શક્યતાઓ સિદ્ધ કરી ચૂકેલાં’ માને છે અને એની સામે (વિરોધમાં?) મફત ઓઝા, સુરેશ ઓઝા, નસીર ઇસ્માઇલી, હસુ યાજ્ઞિક, તારિણી દેસાઈ, રમેશ પારેખ, પિનાકિન દવે આ સર્વને ‘વાર્તાકાર તરીકેની શક્યતાઓ’ ના-સિદ્ધ કરેલાં મનાવે છે, જે મને માન્ય નથી. સમીક્ષકને જે વાર્તાકારોની ગેરહાજરી ખૂંચી અને સમસ્ત સંપાદનને ‘વાહિયાત’ મનાવવાની હદે તાણી ગઈ – એમના વિશે જરૂરી ખુલાસો હાલ આપું એ પૂર્વે સવિવેક પૂછું કે વિભિન્ન અભિરુચિ નામની ચીજનો સમીક્ષકને પૂરતો ખ્યાલ છે? ‘હું કહું તે જ સંસિદ્ધ અને બીજા બતાવો તે તમામ અસિદ્ધ’ એવો આત્મલક્ષી અભિગ્રહ પક્ષપાતપૂર્ણ અભિગમની ચાડી ખાઈ જાય છે! મારા સ્થાને સંપાદક તરીકે શરીફા હોય અને હું સમીક્ષક તરીકે ઉપર્યુક્ત મારી પસંદગીના વાર્તાકારો એમના સિદ્ધોની સામે ગોઠવી આપું તો કેવું લાગે? સ્વાનુભવગત એક ઑબ્ઝર્વેશન છે કે તમે આવા સંચયના સંપાદનમાં પ્રવેશી જુઓ પછી બાકી રહેલા, બહાર રહી ગયેલા સાચા-ખોટા અસંતુષ્ટો અને એમના પુરસ્કર્તાઓ અમુકતમુકની ગેરહાજરીનો અફસોસ વ્યક્ત કર્યા વિના નહિ જંપે. હમણાં ‘૧૨૧ વાર્તાઓ ને વાર્તાકારો’ જેટલી મોટી સંખ્યાનો જુમલો નોંધાવ્યો છતાં રાડ ઊભી જ છે! હવે આ સંપાદન વિશે નેશનલ બુક ટ્રસ્ટ તરફથી મને બહુવિધ રીતે પૃષ્ઠમર્યાદા, લેખકમર્યાદા નડેલી તે કારણે પણ ‘નવી વાર્તામાં સમાવાયેલા ઘણાબધા (નમૂના દાખલ થોડાક વિભૂત શાહ, ઈવા ડેવ, પ્રબોધ પરીખ, સુધીર દલાલ, સત્યજિત, સુવર્ણા) શક્યતાઓ સિદ્ધ કરી ચૂકેલા લેખકોનો સમાવેશ હું સખેદ નથી કરી શક્યો. દિવંગત વાર્તાકારો, વળી જેમની ૧૯૮૬ સુધીમાં વાર્તાકૃતિઓ ગ્રંથસ્થ ના થઈ હોય, અત્યારે વાર્તા સર્જતા અટકી પડ્યા હોય એમની કૃતિઓનો – પ્રસ્તુત સંપાદનમાં સમાવેશ નથી કર્યો. સ્વ. રાવજી નથી તેમ સ્વ. ભૂપેશ નથી અપવાદ માત્ર સુરેશ જોષીનો રાખ્યો છે. અંજલિ, હિમાંશીના ગણનાપાત્ર વાર્તાસંગ્રહો સંપાદન-સમયે પ્રકાશિત નહોતા થયા. કબૂલ કરું છું કે જેટલાની વરણી કરી છે એટલા જ બીજા કે તેથી કેટલાય વધારે સારા વાર્તાકારોનો, પૃષ્ઠમર્યાદા ના હોત તો, સમાવેશ કરી શકાય. બ્રોકર હજુ ક્યાંક વાર્તાઓ લખે છે. એમનો સમગ્ર પરંપરાના પ્રતિનિધિ લેખે સમાવેશ છે મને સમુચિત લાગ્યો છે. (શરીફા એ ભૂલી ગયાં કે ગુલાબદાસ બ્રોકર ટ્રસ્ટના મારા સંપાદન ‘નવી વાર્તા’માં મેં ખુદ બ્રોકરને જ ગેરહાજર રાખેલા.) સ્વયં સુરેશ હ. જોષીએ બ્રોકરની મર્યાદાઓ છતાં ‘સાધારણ લાગતી ઘટનામાં રહેલું રહસ્ય કલાસંયમથી પ્રકટ’ કરનારા સારા વાર્તાકાર તરીકે ‘કિંચિત’માં ઉલ્લેખ કર્યો જ છે. અન્ય અનેક સંપાદનોમાં સ્થાન પામેલી વાર્તાઓ અહીં પચીસ વાર્તાકૃતિઓમાં કેટલી જૂજ છે. બાકી સુમન શાહની એક વાર્તાના અપવાદે મારી ‘નવી વાર્તા’માં સ્થાન પામેલી કૃતિઓ અહીં મેં ફરી નથી લીધી એ સમીક્ષક સગવડે વીસરી ગયાં? ‘ભૂમિકા’માં કરેલાં વિધાનો જો ભાવક સમજદાર હશે અને સમજવા માગતો જ હશે તો કદી નહિ મૂંઝાય. દા.ત. કિશોર જાદવ વિશેનું વિધાન : ‘દુર્બોધતાનું અહીં દૈવીકરણ સંભવ્યું કહેવાય છે, પરંતુ તેમના સર્જન-પ્રયોગોનું મૂલ્ય નગણ્ય નથી જ’. આગળ કિશોર વિશે જે પૂરા પરિચ્છેદમાં મારી કમેન્ટ આવે છે એ વાંચ્યા બાદ આવતું આ વિધાન લેખકની અવગમનવિલંબક શૈલી અને પ્રયોગમૂલ્યને સ્પષ્ટ નથી કરતું? પ્રબોધ પરીખની વાર્તા (અન્ય અનેકની જેમ) સંપાદનમાં સમાવી જ નથી ત્યાં મેળ બેસાડવાનાં પ્રશ્નાર્થચિહ્નો અપ્રસ્તુત છે. ભૂમિકામાં વાર્તાપ્રકારનો ઇતિ-હ-આસ અને વાર્તાઓની સ્વરૂપગત, વિષયગત સંભાવનાઓના લાઘવપૂર્વક નિર્દેશો છે. ‘નવી વાર્તા’માં પ્રત્યેક વાર્તા વિશે આસ્વાદન આલોચન આપી શકાયેલું તેવું અહીં, અવકાશના અભાવે નથી. ક્યાંકક્યાંક જરૂર લાગતાં વરણી પામેલી કેટલીક વાર્તાઓ વિશે જ સંકેત કર્યા છે. એ સિવાય ભૂમિકા પરથી સંપાદકની વાર્તાવિભાવનાનો ખ્યાલ બેસતો હોય તો યે કેવળ કમેળ જ જોવાય એવા ભાવકની રુચિ-દૃષ્ટિ વિશે શું કહેવું? ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસનું પુનર્મૂલ્યાંકન કરવાની જરૂર છે પણ અહીં પ્રસ્તુત નહોતું. ગુજરાત બહાર એક સર્વમાન્ય જનરલ ‘ભૂમિકા’ની જ અપેક્ષા હતી, એમ છતાં સપાટ તારણોની બહાર નીકળવાની અને પોતાનો મત વ્યક્ત કરવાની શક્ય તે પ્રમાણિક ચેષ્ટા ઝીણું જોનારને તો જડશે. જેને સમીક્ષક આખ્ખેઆખ્ખું કોળું શાકમાં જતું રહેવાનું ને મને જાણ નથી કહે છે તે મારા સામાન્ય સ્મૃતિદોષને આભારી છે. મેં સમય કાઢી – જે ઘણી વાર છટકિયાળ નીવડયો છે – નેશનલ બૂક ટ્રસ્ટ – મધુ રાય સાથેનો મારો પત્રવ્યવહાર ઉખેળ્યો ત્યારે માલૂમ પડ્યું કે ‘પાનકોર નાકે જઈ’ જેવી હાર્મોનિકા કૃતિ બીજી ભાષાઓમાં ભાષાન્તર માટે દુષ્કર વસ્તુ બનશે એટલે ‘કાન’ લેવાનું અમે નક્કી કર્યું પણ એ પૂર્વે પુસ્તકની સ્ક્રીપ્ટ ત્યાં પહોંચી હોઈ પૂર્વપસંદગીનું શીર્ષક ‘પાનકોર નાકે’ જઈ રહ્યું અને માત્ર પાછળથી મોકલેલી ‘કાન’નું મથાળું મૂકવાને બદલે દિલ્હીના પ્રકાશનતંત્રની કશીક ચૂકથી, સમજફેરથી ‘પાનકોર’ વાળું અગાઉનું મથાળું જ છપાયું! છતાં આની જવાબદારી સ્વીકારી દિલગીરી વ્યક્ત કરું છું. અહીં સમીક્ષક સમજ્યા છતાં ના સમજવાની બાબત રજૂ કરે છે. ‘પાનકોર નાકે જઈ’ શીર્ષકથી સામાન્ય વાચક હાર્મોનિકાના પંથે જરૂર પળે પણ વાર્તાની અંદર ક્યાંયે ‘પાનકોર’ કે ‘નાકા’નો અણસાર સુધ્ધાં ના આવતાં, ‘કાન’ના મથાળા વગર પણ ‘કાન’ વિશેનાં જ પુનરાવર્તનો આવતાં અને સંપૂર્ણ વાર્તા વાંચી રહેતાં આ કઈ વાર્તા છે તે સમજી ન જાય? હાર્મોનિકા લેખે ‘પાનકોર નાકે જઈ’નો ભૂમિકામાં જેમ ઉલ્લેખ છે એની તુરત પછી જ ‘કાન’ વિશે મારું વિધાન છે : ‘હરિયા જૂથની ‘કાન’ જેવી વાર્તાઓ બાળ-લોકકથા – ફેન્ટસીનાં વિવિધ રૂપો ચમત્કૃતિ લાવે છે.’ ‘ભોળા (!) શિક્ષકો’ તો ‘પાનકોર’ને ય ફેન્ટસીમાં ખપાવી શકે પણ શરીફાજી જેવાં સુજ્ઞ ભાવક પણ ભોળાં ભટ્ટ થઈ સંપાદકીય ભૂમિકામાં ‘કાન’ વિશે પણ દીવા જેવું લખ્યું છે તે વાંચ્યા વિચાર્યા વગર જ ‘પાનકોર નાકે’ વિશે, પોરા કાઢવા રઘવાયાં થઈ મંડી પડે; નીર-ક્ષીર-વિવેક વીસરી પડે તો શું માનવું? ૧૯૮૬માં, ૧૯૭૬-૮૬ આસપાસની વાર્તાઓને એનબીટી, મારા કેટલાયે ‘રિમાઇન્ડર’ પછી છ-સાત વર્ષ બાદ, છેક ૧૯૯૩માં પ્રકાશિત કરવાને મજબૂર બન્યું! વળી તદ્દન અજાણ્યા શ્રી રમેશ ઉપાધ્યાય મહોદય કે એમના હિન્દી અનુવાદનો સાક્ષાત્કાર મનેય એક દિવસ આમ અચાનક થાકે! આ રીતે ‘દિલ્હી દૂર છે’... શરીફાજી જેવાં વીજળી-સંચાર કરે છે એ બદલ આભારી છું. એનબીટીને મેં, ‘સમકાલીન ગુજરાતી વાર્તાઓ’ ૧૯૮૬માં સમયસર બહાર નથી મૂકી માટે પસ્તાળ પડશે એમ શેહશરમ વગર દિલ્હી લખેલું તે આગાહી સાચી પડી.

અમદાવાદ : ૩-૧૧-૯૬
રાધેશ્યામ શર્મા
[ઑક્ટો-ડિસેમ્બર, ૧૯૯૬, પૃ. ૩૮-૪૦]