‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘ત્રણ પત્રચર્ચાઓને એક ઉત્તર...’: ભરત મહેતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ભરત મહેતા

[સંદર્ભ : ઑક્ટો.-ડિસે. ૧૯૯૬, મણિલાલ હ. પટેલ, જયેશ ભોગાયતાની પત્રચર્ચા તથા ‘સન્નિધાન’ સંદર્ભે સતીશ વ્યાસની પત્રચર્ચા]

ત્રણ ચર્ચાપત્રોને એક ઉત્તર...

‘પ્રત્યક્ષ’ના ઑક્ટો-ડિસેમ્બર ’૯૬ના અંકમાં મારા ચર્ચાપત્ર પર બે ચર્ચાપત્રો તથા ‘લલિતા’ની મારી સમીક્ષા વિશે એક ચર્ચાપત્ર પ્રગટ થયાં છે તેના પ્રત્યુત્તરરૂપે આ નિવેદન મોકલું છું. * ‘લલિતા’ની મારી સમીક્ષાને મણિલાલ સિવાય કોઈ ‘ઉભડક લખાણ’ કહેશે ત્યારે હું એ ટીકા વસ્તુલક્ષી છે એમ માનીશ. ડૉ. સતીશ વ્યાસની નોંધને મેં સરતચૂક ગણાવી છે તે પ્રેમાદરના કારણે જ, બાકી મણિલાલની તફડંચીને એમણે જ દર્શાવવી જોઈતી હતી. અંતે મણિલાલ લખે છે. – ‘જો ખરેખરી મર્યાદાઓ સદૃષ્ટાંત અને સ્વચ્છ રીતે બતાવી હોત તો મારી સાથે ઘણાંને આનંદ જ થાત!’ આના માટે શ્રી મણિલાલને એટલું જ જણાવવાનું કે ‘લલિતા’ની મારી સમીક્ષા વિશે મૌખિક - લેખિત એટલાં બધાં અભિનંદન મળ્યાં છે. વાત ન પૂછો. નામાવલિ જરૂર હોય તો મોકલીશ. * જયેશ ભોગાયતાના ચર્ચાપત્રના જવાબમાં એટલું જ જણાવવાનું કે સુમન શાહની ભાષાને ‘ભાંડણભાષા’ મેં ગણાવી નથી પણ મેં એ શબ્દ ‘સુરેશ જોશી’ નામની ચન્દ્રકાન્ત ટોપીવાળાની પુસ્તિકામાંથી ઉદ્ધૃત કર્યો છે. તેઓ સુમનભાઈએ મારી સામે કોઈ ચર્ચાપત્ર કર્યું છે? – તેવી વિગત ધરે છે; એવું ફલિત કરવા કે સુ.શા. સહિષ્ણુ છે! હું ચર્ચાપત્ર કરું છું તેથી અસહિષ્ણુ?! ચર્ચાપત્ર એ સહિષ્ણુતા-અસહિષ્ણુતાના માપદંડો હોઈ શકે નહીં. મારી સામે એમનો વધારાનો આક્ષેપ છે કે મેં સુ.શા. પર ‘સન્ધાન’ને ગૂંગળાવી મારવાનો આક્ષેપ કર્યો છે. ભલા, ‘પ્રશ્નાર્થચિહ્ન’ જોવાની ભૂલ તો કરો. મેં ‘સન્ધાન’ને ‘શુદ્ધતમ’ પુરસ્કાર ગણાવી એ લોકશાહીપૂર્ણ પ્રક્રિયા કેમ ખોરંભાઈ ગઈ, કોના વતી – એવો પ્રશ્ન કર્યો છે. સુ.શા. પ્રત્યે એમને પ્રેમ છે તેથી સ્વાભાવિક મારા ચર્ચાપત્રની કેટલીક વિગતો તેમને ન દેખાઈ હોય એવો સંભવ છે. * ડૉ. સતીશ વ્યાસના નિમિત્તે ‘સન્નિધાન’ને મારે એટલું જ જણાવવાનું કે સામૂહિક ધોરણે, સાગમટે લખાયેલા ચર્ચાપત્રમાંય આટલો મોટો વિગતદોષ શા માટે? ‘સન્નિધાન’ જડ સરકારી સંસ્થા જેવી થઈ ગઈ છે? ‘જાલકા’નો મારો લેખ ‘શબ્દસૃષ્ટિ’ના જાન્યુ-’૯૩ના અંકમાં જ્યારે ‘સન્નિધાન’ના ડિસે-’૯૨ના અંકમાં! પૂર્વ કયાં પશ્ચાદ્‌ ક્યાં – જણાવવું નહીં પડે ને? ‘સન્નિધાન’ને પુસ્તક ગણતા હોઈ અન્યત્ર લખાણ પછી તો મોકલી શકાય છે. ‘થ્રી-સિસ્ટર્સ’નું વાંચેલું એ પ્રયોજક સાથે જ વાંચેલું. તે ‘લખાણ’ કઈ રીતે? એ લેખ હતો અને જરાય ફેરફાર વિના એ ‘ફાર્બસ’માં પ્રસિદ્ધ થયેલો છે. ‘સન્નિધાન’માં નિયમો સચવાય છે એવું થોડું છે? પારૂલ ભટ્ટનો ‘તણખા મંડળ-૧ વિશે બે અવતરણો’ એ લેખમાં સ્વસામગ્રી પ્રગટ કરવાની પ્રયોજકની ચળને શું કહેશો? ભોળાભાઈનો ‘મહાપ્રસ્થાન’ વિશે પૂર્વપ્રગટ લેખ જ લેવામાં આવ્યો છે. ‘સન્નિધાન’ના આરંભે જ શ્રી કે. એસ. શાસ્ત્રીએ કહેલું કે – “ ‘અનૌપચારિક સંસ્થા’ ‘સન્નિધાન’નું ભવિષ્ય ત્યાં જ સારું રહેશે કે જ્યાં લગી પૂર્વપદ જળવાઈ રહેશે. ઉત્તરપદ પર ભાર વધવો ન જોઈએ.” મને ‘સન્નિધાન’નું આવું ઉત્તરપદકેન્દ્રી એક-હથ્થુ સત્તામાં પરિવર્તન અનુભવાયું છે.”

– ભરત મહેતા
આ ચર્ચા અહીં પૂરી થાય છે. – સંપા.
[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૭, પૃ. ૪૪]

[સતીશ વ્યાસની પત્રચર્ચા : જુઓ, વ્યાપક સંદર્ભો વિભાગમાં]