‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘આ બધા ઉપજેલા વિવાદો નિવારી શકાય?’ : કિશોર જાદવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨ ખ
કિશોર જાદવ

[સંદર્ભ : એ જ, એપ્રિલ-જૂન ૨૦૦૦]

૧. ‘આ બધા ઉપજેલા વિવાદો નિવારી શકાય?’

પ્રિય રમણભાઈ, હમણાં જ ‘પ્રત્યક્ષ’નો જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૦નો અંક મળ્યો, સૌ પ્રથમ તો, ગયા અંકના ‘પ્રત્યક્ષીય’માં તમે મારા અંગ્રેજી સંપાદન ‘કૉન્ટેમ્પરરિ ગુજરાતી શૉર્ટ સ્ટોરીઝ’ની સરાહના કરતાં જે સમતોલ સમીક્ષા આપી છે તે બદલ હૃદયપૂર્વક તમારો આભાર માનું છું, તેના સંદર્ભમાં આ વેળા, બ્હેન વર્ષાબેને દિલ્હીથી ‘પ્રત્યક્ષ’ સુધી પહોંચાડેલી તેમની અને મારા પ્રકાશક વચ્ચેની વાતચીત, ‘પત્રચર્ચા’માં મેં જોઈ. કંઈક આશ્ચર્ય અને આઘાતની લાગણી અનુભવી. હવે, વિગતવાર ચર્ચા જાહેરમાં કરવી તે સર્વોચિત લાગ્યું, કે જેથી આ બધા ઉપજેલા વિવાદો નિવારી શકાય; એટલું જ નહિ, કેટલાક વાર્તાકાર મિત્રોએ મારા ઉપર પત્રોમાં મૂકેલા દુષ્ટ આશયના દુરાક્ષેપોનું પણ નિરાકરણ થાય. ઘનશ્યામભાઈ દેસાઈ અને ઈવા ડેવની વાર્તાઓના અનુવાદો, જે વર્ષાબેને કરેલા તે, મેં સાહિત્ય અકાદમીના ‘ઇન્ડિયન લિટરેચર’ના અંકો(મારી પાસે મોજૂદ છે)માંથી ઉપાડ્યા નથી બલ્કે તેને લેખકો તરફથી તેમની સંમતિસહિત મેં ઉપલબ્ધ કર્યા છે. વર્ષાબેનને સ્હેજેય આશ્ચર્ય થાય, તે સ્વાભાવિક છે, પણ આ સ્પષ્ટતા કરવી આવશ્યક લેખું છું. મારા એ અંગ્રેજી સંપાદનમાંથી તેના પ્રકાશનવેળા, પ્રકાશકે સર્વ અનુવાદકોનાં નામો – કે જે મેં પ્રત્યેક વાર્તાકૃતિના અંતે કૌંસમાં વક્રાક્ષરો(ઈટાલિક)માં કમ્પ્યુટરથી ટાઈપ કરાવેલાં, તેને ઉડાવી દીધાં છે. તેનું દેખીતું કારણ હજીય મને નથી સમજાતું. કદાચ, તેની પાછળ વ્યાપારિકદૃષ્ટિ હોય, અથવા તો પ્રકાશકે આવું સંપાદન અગાઉ પ્રગટ કર્યું ન હોય ને તેના બિનઅનુભવથી, તે અનુવાદકોનાં નામો નિરર્થક છે, એમ ધારીને ઉડાવી દીધાં હોય – ગમે તે હોય, પણ સંપાદનની નકલો મળતાંવેંત, તે અંગે વિરોધ દર્શાવવા જાન્યુઆરી, ૨૦૦૦માં લખેલા મારા અંગ્રેજી પત્રની ઝેરોક્સ નકલ અહીં બીડું છું. તેનો કશો ખુલાસો કરતો લેખિત ઉત્તર મને તેમણે હજી સુધી આપ્યો નથી. બાકી, એ સંપાદનની ‘મેન્યુસ્ક્રીપ્ટ’ની બીજી નકલ તેમજ તેની ‘ફ્લૉપી’ પણ મારી પાસે સહીસલામત છે. મારે ત્યાં ગયા એપ્રિલની ૨૪મી તારીખે ગુજરાતથી મારા એક આત્મીય મિત્ર અહીં આવેલા, ત્યારે તેમને એ નકલમાંના બધા જ અનુવાદકોનાં નામો સહિત ઉક્ત અંગ્રેજી પત્રની નકલ પણ તેમને રૂબરૂ બતાવેલી. પ્રકાશકો આવી મહત્ત્વપૂર્ણ બાબતો કેવી લાપરવાહીથી – બિનજવાબદારીથી લેતા હોય છે, તે મેં ભારપૂર્વક જણાવેલું. હવે, વર્ષાબેન સાથેની વાતચીતમાં જો પ્રકાશકે સ્વ-બચાવઅર્થે રક્ષાકવચ પહેરી લઈ, તેમના દોષનો ટોપલો મારા ઉપર ઢોળ્યો હોય તો તે નરાતર ખોટું છે. ગેરવ્યાજબી છે ને નિંદાસ્પદ છે. થયેલી ભૂલને ખેલદિલીથી સ્વીકારવાને બદલે સંપાદક ઉપર આમ આળ નાંખવું, એ તો ભીરુતા કહેવાય. હવે મારા પક્ષે આટલું ઉમેરવાનું – કે મને હજી સ્મૃતિવિસ્મરણ યા તો સ્મૃતિભ્રષ્ટતાની બીમારી લાગુ પડી નથી. સંપાદનનું બબ્બેવાર પ્રૂફ તપાસતી વેળા, જોગાનુજોગ સન્મિત્ર શિરીષ પંચાલનો પણ પત્ર આવેલો ને તેમણે અનુવાદકના નામોલ્લેખની જિકર કરેલી જે મેં અતિ ચીવટતાથી નામોના ખરા સ્પેલિંગ સુદ્ધાં તપાસી જઈ, કમ્પ્યુટરમાં અંકિત કરાવેલાં. પ્રકાશકને મેં મોકલાવેલી પ્રેસ-નકલ તથા સાથેની ‘ફ્લોપી’માં પણ તે અંકિત છે જ; તેમને મુદ્રારાક્ષસ પણ ભરખી ન શકે. આતો પ્રકાશકે છટકી જવાનો કીમિયા લડાવ્યો. (પુનર્મુદ્રણાવેળા, તે નામો મારે મોકલવાનાં હોય જ નહિ.) આ તો ‘નેશનલ બુક ટ્રસ્ટ’ જેવી ધરખમ સંસ્થાના નિયામક ખુદ પૂછતાછ કરે તો તેમને ઊઠાં ભણાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સંપાદકની નિષ્ઠા પ્રત્યે સંશયભાવ પેદા થાય ને સંપાદક વિવાદોથી ઘેરાય એવી પરિસ્થિતિથી જો હું છેક જ અજાણ હોઉં તો તે મારી બેવકૂફી જ લેખાય. તેમ કરવાથી, શી ઉપલબ્ધિ? આમેય, ગુજરાતી પ્રજા ઝીણું હોય તેને બહુ મોટું કરીને – બહિર્ગોળ કરીને જોનારી. તેમાં વળી કિશોર જાદવનું કશુંક સાહિત્યિકવિષયક હોય તો અપાર નૂક્તેચિનીઓ શોધી, તેમને આભ જેવડી બનાવનારા કહેવાતા સાહિત્યજીવોથી હું સુજ્ઞાત છું જ. તેમના પંકઉછાળની હું પરવા ન કરું. બાકી જેમની સાથે મારી નિસ્બત છે તે સૌ વાર્તાકાર મિત્રોને આખી પરિસ્થિતિની સ્પષ્ટતા કરતો પરિપત્ર મેં લખ્યો જ છે! મારા આ પત્ર તેમજ મારા પ્રકાશક પરનો અંગ્રેજી પત્ર ‘પ્રત્યક્ષ’માં પ્રકાશિત કરી આભારી કરશો, કે જેથી સાચી હકીકતથી સૌ કોઈ સુજ્ઞજનો સર્વવિદિત થાય. તમારા સહયોગની અપેક્ષા તથા ફરીથી આભારસહિત

કોહિમા, ૨૫ ઑક્ટોબર ૨૦૦૦

કિશોર જાદવનાં સ્નેહવંદન

Kohima, January ૧૦, ૨૦૦૦
Dear Shri Garg-ji Kindly accept my greetings for the HAPPY NEW YEAR and NEW MILLENNIUM. I have just received registered packet containing ૭(seven) copies of my book CON-TEMPORARY GUJARATI SHORT STORIES. I am really very happy to see such and extremely beautiful and the finest quality production brought out by you. I have no word to express my joy and gratitude to you. Please make all out efforts to get the book reviewed in National Dailies viz., The Hindustan Times and other leading News papers located at Delhi where you can exert your influence. I have noticed that in the anthology all names of the translators which were typed in the manuscript copy in the bottom of each story have been drastically omitted in the publication. I am not sure about the reactions from the translators & fellow writers. I hope I may not face their wrath. Please do write to me at your earliest convenience.

With warm regards, Yours Sincerely,
(Dr. Kishor Jadav)
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૦ પૃ. ૪૦-૪૧]