‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/કિશોર જાદવ સંપાદિત પુસ્તક વિશે : વર્ષા દાસ, વિજય શાસ્ત્રી
વર્ષા દાસ, વિજય શાસ્ત્રી
[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૦૦, ગુજરાતીનું અંગ્રેજીમાં : વિરલ ઘટનાઓ એક આનંદદાયક ઉમેરો] (Contemporary Gujarati short stories; An Anthology) વિશે
‘૧. કિશોર જાદવ સંપાદિત પુસ્તક વિશે. ’
પ્રિય રમણભાઈ ‘પ્રત્યક્ષ’નો એપ્રિલ-જૂનનો અંક જોયો. નવા ગ્રંથોની સમીક્ષાઓથી સભર આવા એક મારા જેવાં, ગુજરાતથી દૂર વસતાં, ગુજરાતીઓને ગુજરાત સાથે જોડાવવામાં કેટલો મદદરૂપ થાય છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ગુજરાતી સાહિત્ય તથા સાહિત્યપ્રેમીઓની તમે જે સેવા કરી રહ્યા છો, તે માટે તહેદિલથી અભિનંદન. અંક ખોલતાં જ કિશોરભાઈ જાદવ દ્વારા સંપાદિત ગુજરાતી વાર્તાઓના અંગ્રેજી અનુવાદવાળા પુસ્તક વિશે જાણ્યું. ખૂબ આનંદ થયો. આગળ વાંચ્યું તો ખબર પડી કે ઘનશ્યામભાઈ દેસાઈ અને ઈવા ડેવની વાર્તાઓના મેં કરેલા અનુવાદો પણ એમાં છે! આશ્ચર્ય થયું. આ બંને અનુવાદો આજથી પંદરેક વર્ષ પહેલાં સાહિત્ય અકાદમીના ‘ઇન્ડિયન લિટરેચર’ સામયિકમાં છપાયેલા. તે વખતે કેશવ મલિક તેના તંત્રી હતા. આગળ વાંચ્યું. ‘આ પુસ્તકમાં અનુવાદકોનાં નામ રહી ગયાં છે’, અને સંપાદકના કહેવા પ્રમાણે એમણે મોકલેલી દરેક વાર્તાની નીચે અનુવાદકનું નામ હતું, પણ પ્રકાશકે બધાં નામો કાઢી નાખ્યાં હતાં! આ વાંચીને આક્રોશ થયો. મેં તરત ટેલીફોન કર્યો પુસ્તકના પ્રકાશક શ્રી સતીશકુમાર ગર્ગને. અનુવાદકોનાં નામો કાઢી નાખવાનું કારણ પૂછ્યું. શ્રી ગર્ગે આ પ્રકારનું કહ્યું – ‘સંપાદકશ્રી કિશોર જાદવનું આ પુસ્તક છે.’ મેં કહ્યું – ‘પણ બધી વાર્તાઓના અનુવાદક તેઓ નથી.’ ગર્ગ – ‘સંપાદકે અનુવાદકોનાં નામ મોકલ્યાં જ ન હતાં. નામો છાપવામાં પ્રકાશકને શો વાંધો હોઈ શકે? વાર્તાનું ટાઈપ-સેટિંગ કરતી વખતે નીચે એક નામ જ ઉમેરવાનું હતું. એમાં કંઈ ખર્ચ પણ નહોતું. મેં પૂછ્યું - ‘આ પુસ્તકનું પુનર્મુદ્રણ થશે? ગર્ગ – ‘પુસ્તકની માત્ર ૫૦૦ નકલો છાપેલી. પુનર્મુદ્રણનો સંભવ છે. જો સંપાદક અનુવાદકોનાં નામ મોકલી આપે તો પુનર્મુદ્રણ વખતે તે નામો જરૂર છાપીશું.’ મેં કહ્યું –‘ગુજરાતમાં આ વિશે ચર્ચા થઈ રહી છે. શ્રી જાદવે કહ્યું છે કે પ્રકાશકે નામો કાઢી નાખ્યાં છે!’ ગર્ગ ‘ના, તે સાચું નથી. મને શો વાંધો હોય?’ આ સાંભળીને નવાઈ ને નારાજગી એકમેકમાં એવાં ભળી ગયાં કે મેં ‘ધન્યવાદ’ કહીને ફોન મૂકી દીધો. મને થયું કે શ્રી ગર્ગ સાથેની મારી વાતચીત ‘પ્રત્યક્ષ’ સુધી પહોંચાડું. એટલે આ પત્ર. તમારા અને ‘પ્રત્યક્ષ’ના દીર્ઘાયુની કામના સાથે નવી દિલ્હી, – વર્ષા દાસનાં વંદન ૨૦ જુલાઈ ૨૦૦૦
[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૦, પૃ. ૩૪]
૨.
પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ એપ્રિલ-જૂન-૨૦૦૦માં તમે કિશોર જાદવ સંપાદિત ‘કૉન્ટેમ્પટરી ગુજરાતી શૉર્ટસ્ટોરીઝ : ઍન ઍન્થોલોજી’ની સમતોલ સમીક્ષા કરી છે. આવાં મહત્ત્વનાં છતાં છૂટાંછવાયાં પ્રકાશનોની વ્યવસ્થિત સમીક્ષાઓ ભાગ્યે જ થતી હોય છે. તમે એ બાબતે સભાન રહો છો એ સુખદ ઘટના છે. હજુ આપણે ત્યાં વિવિધ યુનિ.ઓનાં, અકાદમીનાં, નેશનલ બુક ટ્રસ્ટનાં, ખાનગી ટ્રસ્ટોનાં (જેવાં કે ચન્દ્રકાન્ત દરૂ મૅમોરિયલ ટ્રસ્ટ અને બીજાં), ગ્રંથનિર્માણ બૉર્ડનાં મહત્ત્વનાં પ્રકાશનોની પ્રજાને ખબર જ પડતી નથી, વિવેચનનાં સામયિકોને આવી સંસ્થાઓ પુસ્તકો મોકલવામાં ઝાઝી ચીવટ દાખવતી નથી. પછી સમીક્ષાની તો વાત જ ક્યાં? ખરેખર તો છેલ્લા બેત્રણ દસકામાં કદી સમીક્ષા નહીં પામેલાં મહત્ત્વનાં પુસ્તકોની સમીક્ષાઓ થવી જોઈએ. તમારા ઉક્ત ‘પ્રત્યક્ષીય’ લેખમાં એક બાબત તરફ ધ્યાન દોરું તો – મારી એક ટૂંકીવાર્તા કિશોર જાદવ સંપાદિત ઉક્ત પુસ્તકમાં સમાવેશ પામી છે પરંતુ એની કોઈ નકલ મને પહોંચી નથી. તેથી તમે લખો છો તે બરાબર છે કે ‘દરમ્યાનમાં એ સારા સમાચાર પણ મળો કે એક્કેએક વાર્તાકાર અને અનુવાદકને પ્રકાશક તરફથી (હા, પ્રકાશક તરફથી) પહેલી આવૃત્તિની નકલ પણ પહોંચી છે.’ ફક્ત નકલનું જ શા માટે, પુરસ્કારનું પણ લખીએ.
સુરત,
૮ ઑગસ્ટ, ૨૦૦૦
– વિજય શાસ્ત્રી
– રમણ સોની
[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૦, પૃ. ૩૪]