‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘પ્રશ્ન માત્ર ભાષાનો જ નહીં સાંસ્કૃતિક વલણનોય છે’ : જયંત મેઘાણી

૧૩
જયંત મેઘાણી

[સંદર્ભ : જુલાઈ-સપ્ટે., ૨૦૧૧, ભાષા અંગેની સમજ, બલકે સંવેદનશીલતા]

પ્રશ્ન માત્ર ભાષાના જ નહીં, સાંસ્કૃતિક વલણોનોય છે ભાષા અંગેની સમજ, બલકે સંવેદનશીલતા – એ વિશે તમે વાત કરી (પ્રત્યક્ષીય, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૧) એ આપણા શિક્ષિત વર્ગને, ખાસ તો શિક્ષણની પ્રવૃત્તિમાં પડેલા સહુને ઢંઢોળનારી બનવી જોઈએ. કોઈ પણ ભાષા પાંગરે એ અનેક ભાષાઓના શબ્દ-સીંચનથી પણ કેવળ લાપરવાહીથી કે બીજી ભાષાથી અંજાઈને સ્વભાષાના સત્ત્વને હણવાનું થઈ રહ્યું છે. બે-ત્રણ શતક સુધી જેની ગુલામી વેઠી એ પ્રજાની ભાષા આપણને ગમી હોય તો તેને પોતીકી કરીએ એ આપણું શાણું તાટસ્થ્ય ઠરે, પણ એક વાર આપણી ઉપર સ્વામીત્વ કરી ગયેલાઓએ પ્રભાવ પાડવા પણ એ ભાષા ખપમાં લીધેલી. ગોરા સાહેબોએ વિદાય લીધી પછી ‘કાળા અંગ્રેજો’એ તેને પ્રભાવનું, વિશેષાધિકારનું એક સાધન માની લીધું અને અંગ્રેજી શબ્દો અને પ્રયોગોના એવા અનેક નુસખાઓની નકલ કરી; એટલું જ નહીં, તેને પ્રસ્થાપિત કરી. સ્વાતંત્ર્ય પછીની ત્રીજી પેઢી આવા મિથ્યા પ્રભાવ-ખ્યાલને જડબેસલાક કરી રહી છે, અને નગરસંસ્કારનો આ રેલો હવે તો ગ્રામપ્રદેશમાં ઊતરી રહેલો જોઈએ છીએ. વિદ્યાકીય વર્ગ સાથેના સંપર્ક દરમિયાન જોયું છે કે ત્રીસ વરસ પહેલાં અધ્યાપકો-વિદ્યાર્થીઓ ‘પુસ્તક’ કે ‘ચોપડી’ માગતા; ઉત્તરોત્તર આ વર્ગ ‘બુક’ શબ્દ વાપરતો થયો ને આજે ભણનાર-ભણાવનાર તમામને ‘બુક’ શબ્દ માતૃભાષાનો લાગે છે! તાલુકામથકમાં વસતા, પાંચ ચોપડીનું જ ભણતર પામી શકેલા એક શ્રમજીવી મિત્રને મેં એક વાર પૂછ્યું, “આપણી ભાષાનો શબ્દ છોડીને બુક શબ્દ કેમ વાપરો છો?” એમનો ભોળો ગામડિયો જવાબ હતો : “તે ‘બુક’ શબ્દ આપણી ભાષાનો નથી એની મને ક્યાં ખબર છે?” એમણે પોતાના દેશી પરિસરમાં પણ આ અંગ્રેજી શબ્દ જ સાંભળ્યે રાખ્યો છે! અંગ્રેજી ભાષાનો પેસારો કેટલે પહોંચ્યો છે એ માટે આ એક ઉદાહરણ પૂરતું નથી? દુકાનો-દફતરોનાં - અરે, લારી-ગલ્લાઓનાં પણ બોર્ડ અંગ્રેજીમાં, સંસ્થાઓનાં બોર્ડ પણ અંગ્રેજીમાં, ગુજરાતની એક [ગૂજરાત વિદ્યાપીઠ] સિવાયની સાત યુનિવર્સિટીઓનાં મુખ્ય બોર્ડ અંગ્રેજીમાં! આવડી મોટી વસતી ભણી રહી છે એ શીખે છે, ગ્રહણ કરે છે શિક્ષકો પાસેથી, માબાપો કનેથી, અનુસરે છે આસપાસના પરિસરના સંચાલક મોવડીઓને. યુરોપના દેશોના લોકો અંગ્રેજી ઓછું જાણે, અને જાણે તેનો પણ જરૂર હોય ત્યાં જ ઉપયોગ કરે. તો, આપણું માનસ આવું કેમ તેનાં મૂળ શોધીએ. બાકી, અંગ્રેજી ભાષા તો સંસ્કૃતિનું એક આભૂષણ છે, આપણે માટે તો જ્ઞાનવિશ્વની બારી છે. તેની જાણકારીનું અલાયદું સ્થાન જરૂર છે. ખરેખર તો આ પ્રશ્ન માત્ર ભાષાનો નથી, સાંસ્કૃતિક વલણો પણ એમાં સંકળાયેલાં છે. કૉન્વેન્ટનો વિદ્યાર્થી માત્ર અંગ્રેજી ભાષાને નથી વળગતો; એ અંગ્રેજી પહેરવેશ પણ અપનાવે છે; તેના ‘લંચ-બૉક્સ’માં તેનાં ‘મમ્મી’ રોટલી-શાક નહીં મૂકે, સેંડિ્‌વચ બંધાવશે; ભરઉનાળે પણ એ ટાઈ-મોજાં-બૂટથી ટેવાશે; એ બકોર પટેલની વારતાઓ તો ક્યાંથી માણશે? તેની ગુજરાતી વાતચીતમાં ગુજરાતી શબ્દો ઓશિયાળા હશે; ગુજરાતીને ઉતારી પાડતો શબ્દ ‘ગુજ્જુ’ વાપરવામાં એને લહેર પડશે. બીજાઓથી ચડિયાતા હોવાનું માનસ એ કેળવશે. આ બધી બાબતોને પ્રતિષ્ઠા મળે છે આ બધું દેખાદેખીની બાબત બની રહી છે તેને કેવી રીતે થંભાવી શકાશે? સમસ્યા માત્ર ભાષાની નથી, સંસ્કારિતાની છે, અને એ પ્રજાની અસ્મિતા પ્રગટાવે છે. સ્વભાષાનું સ્વાભિમાન તળપદ સંસ્કારો સાથે વણાયેલું છે. એક મિત્ર ૬ નવેમ્બરે અસમમાં હતા. એક મહાન ગાયક [ભૂપેન હજારિકા) વિદાય થયા હતા; ત્યાંની પ્રજાએ ઘરેઘરે ને હાટડીહાટડીએ દીવા પ્રગટાવીને એ સ્વરસ્વામીને મૂક અંજલિ આપેલી એમણે જોઈ હતી. અસમ સાહિત્ય સભાના વાર્ષિક અધિવેશનના મંડપો લાખ-બે લાખની મેદનીથી ઊભરાતા રહે છે એ વાત તો ભોળાભાઈ પટેલ આપણને કહી ચૂક્યા છે. આને કહેશું ‘અસ્મિતા.’ આ અસ્મિતાનિર્માણના કોઈ પ્રકલ્પો ન હોઈ શકે. પરંપરાઓ અનેક પેઢીઓની સરજત હોય છે, અનેક પરિબળોના લાંબા કાળના સંયોગ-રસાયણે રસાય છે; એ કોઈ ‘એક્શન પ્લાન’ની કહ્યાગરી ન બને. અને અસ્મિતાભાવ પ્રજાનાં ભાષા-સાહિત્ય ઉપરાંત પરિધાન, ખોરાક, કળાકસબ, સામુદાયિક વર્તન : આવી અનેક બાબતો વાટે પણ પ્રગટતો રહે છે. એમનો માર્ગ સહિયારો હોય છે. નેતૃત્વ-રંક એક વિરાટ વસતીવિકાસના સ્વચ્છંદ વલોણે ચડી છે ત્યારે એ કેવાં રત્ન પામશે એ કોણ કહી શકશે? ઑસ્ટ્રીઅન ચિંતક વિટ્‌ગનસ્ટાઇને આ એક વાક્યમાં જ વાતનો સાર કહ્યો નથી? : પ્રજાની ભાષાની ઊણપ તેના સંસ્કાર-વિશ્વની પણ સંકીર્ણતા બને છે.

ભાવનગર; ૬ ડિસેમ્બર ૨૦૧૧

– જયંત મેઘાણી

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૧, પૃ. ૪૨-૪૩]