‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘કૌંસમાં’ની કવિતા બંધિયાર છે? : અવનીશ ભટ્ટ


અવનીશ ભટ્ટ

[સંદર્ભ : ઑક્ટો.-ડિસે.૧૯૯૫ ‘કૌંસમાં’ની સમીક્ષા, ચંદ્રકાન્ત ટોપીવાળા]

‘કૌંસમાં’ની કવિતા બંધિયાર છે?

‘પ્રત્યક્ષ’ ઑક્ટો. ૯૪ના અંકમાં પ્રગટ થયેલી ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાની ‘કૌંસમાં’ (પ્રબોધ પરીખ)ની સમીક્ષા-સંદર્ભે મારો પ્રતિ-ભાવ લખું છું. બારીઓ ખૂલે છે, ત્યારે જે ‘કૌંસમાં’ છે તે બંધિયાર નથી પણ તે કૌંસમાં રહીને જે બહાર છે એની સ્પષ્ટતા કરે છે. કવિતા જે સમયે લખાઈ હોય એ સમયને સંદર્ભે જ સ્પર્શે છે એ વાત સાચી, પણ કોઈ એક કવિતાનું કલ્પન સ્વતંત્ર રીતે કોઈ પણ સમયે આનંદ આપી શકે છે. ડૉ. ટોપીવાળા ‘સ્ટીલવૉટર કાવ્યો’માંની પંક્તિ ‘શબ્દો ભઠ્ઠીમાંથી કાચા શેકાઈને તડતડ ફૂટે છે’ને આધારે સર્જકની ભાષાને ‘લવરી’ – તાવનો સનેપાત – ગણાવે છે. પણ કવિ પોતેય આ શબ્દધોધ વિશે સભાન છે અને આ જ શ્રેણીના ચોથા કાવ્યની આ પંક્તિઓ જુઓ :

‘વ્યાકરણ વિનાની સાંજ કેવી આકરી હોય છે!
બધા રંગો જોઉં છું
પણ કોઈ નામ સૂઝે નહીં!’

આમાં પોતાના શબ્દોને એક વ્યવસ્થા (સિસ્ટમ)માં ઢાળવા કવિ વ્યાકુળ છે. કવિની આ વ્યાકુળ સ્થિતિ-the state of aphasia – માટેનું કલ્પન આજેય ગમે છે. પછી ભલેને કવિતા ૧૯૭૨માં લખાઈ હોય! આ કાવ્યો જોતાં કવિની શબ્દસૃષ્ટિ મર્યાદિત છે ધ્યાનમાં આવે છે પણ એ ‘એક જ પ્રકારની એકવિધતા’માં લઈ જતી નથી કારણ કે એમાં ઇન્દ્રિય-ઘનતા - sensuous intensity - છે, જે ‘ગાંજાના સાક્ષાત્કારમાં’ ‘doors of perception’ ખોલી નાખે છે. ૧૯૯૫માં આજેય એક જ ફરિયાદ છે કે આ મુંબઈ શહેરમાં કંઈક અંદરથી થતું નથી, ત્યારે ‘કંઈક’ થાય એનો વેગ પ્રબોધ પરીખની કવિતામાં અનુભવાય છે. સાહિત્યિક આધુનિકતાનો યુગ ભલે આથમી ગયો હોય પણ આજના યુવાન તરીકે આપણા મૂડીવાદ તરફ ધસતા સમાજમાં મારે માટે તો પ્રશ્નો એ જ છે જે વીસીના દાયકામાં યુરોપમાં હતા. આધુનિક કવિતા લખવાની ‘ફૅશન’ ગઈ, કારણ કે એ તો ગુજરાતી સાહિત્યમાં વિવેચને ઠોકી બેસાડેલી આધુનિકતા હતી. જ્યારે બદલાતા સમાજ સાથે ખરેખરી આધુનિક સંવેદનશીલતા આજે જ activate થઈ છે. જો સર્જક અસ્તિત્વવાદી દ્વિધામાં અટવાયો હોય તો એ પ્રકારની કૃતિ લખે; આપણે એમ તો ન કહી શકીએ કે હવે તો કૅમ્યુના જમાના ગયા, હવે શું આવું લખવાનું?! કદાચ આવા ‘ફૅશન’ના પ્રવાહને કારણે જ ખરેખરી આધુનિક કવિતા કે અસ્તિત્વવાદી નવલકથાઓ આપણે ત્યાં prematured સમયે લખાઈ ગઈ. વળી સાહિત્યમાં ‘પીરીયડ’ શું છે? શું દરેક સમયમાં અન્ય સમયનાં તત્ત્વો હાજર નથી હોતાં? માત્ર કેટલાંક પ્રોમીનન્ટ હોય છે તો કેટલાંક બૅકગ્રાઉન્ડમાં. આ બે સ્થિતિ વચ્ચે જ તત્ત્વો અને લાક્ષણિકતાઓ interchange થયા કરે છે, એથી વિશેષ શું? ‘ફોર ક્વાર્ટેટ્‌સ’માં એલીયટ લખે છે. ‘Time present and time past/Are both perhaps present in time future...All time is eternally present...’ ડૉ. ટોપીવાળા લખે છે, “આધુનિકતાનું હવે લગભગ આથમણું છે.” – તો પછી ઉગમણું શેનું છે? અનુઆધુનિકતાનું? ભારતીય ભાષા-સાહિત્ય, આ રીતે પશ્ચિમમાં ફેશનેબલ હોય એવી થીયરીથી જ આકૃત થયા કરે? અને ધારોકે આપણે અત્યારે ‘Postmodern Condition’માં છીએ (We are thankful to you, Lyotard!) તો પણ ‘અનુઆધુનિકતા’ એ સંજ્ઞા પોતે જ આધુનિકતાની મહત્તા સ્થાપિત નથી કરતી? અને એવું સૂચન કરે છે કે અત્યારની સ્થિતિની મુખ્ય લાક્ષણિકતા ‘આધુનિકતાની પછી હોવું’ એ છે. માની લઈએ કે ‘આધુનિકતા’ અત્યારે ‘કાલબાહ્ય’ છે. પણ આજે જ્યાં છીએ ત્યાં પહોંચવા માટે પણ ‘આધુનિકતા’ની સ્થિતિમાં વણાવું આપણે માટે જરૂરી જ હતું ને? અને એટલે જ પાછું વળીને જોતાં પાછળ મૂકી આવ્યા છીએ એ કથાને એને સંદર્ભે મહત્ત્વ આપવું જ પડે. ડૉ. ટોપીવાળાનો આખો લેખ જોતાં પ્રશ્ન થાય છે કે એમને ફરિયાદ કવિતા સામે છે કે કાવ્યસંગ્રહ મોડો પ્રગટ કરવા સામે છે?

મુંબઈ; ૨૬ ફેબ્રુઆરી ’૯૫
– અવનીશ ભટ્ટ
[જાન્યુઆરી-માર્ચ ૧૯૯૫, પૃ. ૩૯-૪૦]