‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પ્રસાદી મળે છે : ભારત મહેતા
ભરત મહેતા
[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૧૯૯૬, ‘નાટ્યનાન્દી’ની સમીક્ષા, મીનળ દવે]
પ્રસાદી મળે છે
‘પ્રત્યક્ષ’ વર્ષ ૫ અંક ૧ (જાન્યુઆરી ’૯૬)માં ‘પ્રત્યક્ષીય’ અને મીનળ દવેના લેખ દ્વારા મને પ્રસાદી મળી છે. કેટલોક ખુલાસો : ‘મારી હકીકત’ માત્ર મૂળ કૃતિનું જ પ્રકાશન છે. આગળ માત્ર દીર્ઘ લેખ છે. આને સંપાદન ગણવાનો રિવાજ છે. ઇબ્સનનાં નાટકો નસીમ ઇઝીકેલે અને રાંગેય રાઘવે હિન્દી કૃતિઓ આ રીતે સંપાદિત કરી છે. ‘સંપાદન’નું આ સ્થૂળ ઉદાહરણ છે, ‘સંપાદન’ના વિવિધ પ્રકારોમાં આનો રાબેતા મુજબ સમાવેશ થાય છે. તમારા લેખ પછી તો મેં અંગ્રેજીમાંથી સંખ્યાબંધ ઉદાહરણો ખોળી કાઢ્યાં છે. માગશો તો મોકલાવીશ. દૃષ્ટાંતો ભલેને અંગ્રેજીમાંથી મળ્યાં, એને ‘ધોરણ’ શા માટે માની લેવાનું? સંપાદનનાં કોઈ પ્રયાસ – પ્રક્રિયા વિનાની આવી વિલક્ષણ સંપાદન ‘પ્રવૃત્તિ’ને આ રીતે છાવરવાની? ‘સંખ્યાબંધ ઉદાહરણો ખોળી કાઢ્યાં છે’ – એ તમને જ પ્રેરક બળ આપશે. – સંપા. ‘પ્રત્યક્ષ’ સામાન્ય રીતે જે તે ક્ષેત્રના અધિકારી પાસે કૃતિ તપાસનો આગ્રહ રાખે છે. મીનળ દવેનો લેખ પક્ષપાતથી ભર્યો છે. ગુજરાતી રંગભૂમિ વિષયકના મારાં લખાણોના સંદર્ભે એમણે ઉદાહરણથી વાત નથી કરી. જ્યાં ઉદાહરણ આપ્યું ત્યાં ‘તીડ’ને નાટક ગણાવ્યું છે, એ એકાંકી છે એકાંકી. મારા પ્રત્યેક લેખમાં રંગભૂમિક્ષમતાની ચર્ચા છે એ તેમને દેખાઈ જ નથી. ભારતીય રંગભૂમિવિષયક વિભાગમાં એમને ‘ધૃતરાષ્ટ્ર’ સંદર્ભે સવાલ છે. શ્રી ભોળાભાઈ પટેલ અને ડૉ. સતીશ વ્યાસને એ મહત્ત્વનું નાટક લાગેલું તથા પાઠ્યપુસ્તક પણ બનેલું તેથી તેની નબળાઈનો મેં ઢોલ પીટ્યો હતો. મારું ‘ડોલ્સહાઉસ’નું જે વિધાન એમને સમજાયું નથી તે કોઈ F.Y.B.A.ના વિદ્યાર્થી પાસે વાંચવાથી એને ય સમજાઈ જાય એટલું સરળ છે. “પુસ્તકને સૌથી વધુ નિરાશાજનક લેખ છે કાલિગુલા અને અસ્તિત્વવાદ’.” સાબિતી જ નહીં! અવલોકનની સામાન્ય શિસ્ત પણ પળાઈ નથી. ‘સગપણ એક ઉખાણું’ કે પિરાન્દેલોના નાટકમાં એમને કંઈ દેખાયું જ નથી! આ પુસ્તકમાં ચાર લેખ ચિનુ મોદી વિશે છે એ વિશે એમને કંઈ કહેવાનું જ નથી? ઉપલકિયા અવલોકનની ‘પ્રત્યક્ષ’ પણ ટેવ પાડી રહ્યું છે એવું લાગે છે.
સંતરામપુર, ૨૪-૬-’૯૬
ભરત મહેતા
[એપ્રિલ-જૂન, ૧૯૯૬, પૃ, ૩૭]