‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘ગઝલનો હસ્તઉદ્યોગ ચાલી રહ્યો છે’ : રવીન્દ્ર પારેખ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧ ક
રવીન્દ્ર પારેખ

[સંદર્ભ : ગઝલનો વર્તમાન : જે લાક્ષણિકતા એ જ સીમા, ઑક્ટો.-ડિસે. ૧૯૯૮]

ગઝલનો હસ્તઉદ્યોગ ચાલી રહ્યો છે. ’

પ્રિય રમણભાઈ, ‘શબ્દસૃષ્ટિ’ના ગઝલ-વિશેષાંક-સંદર્ભે ગયા અંકના ‘પ્રત્યક્ષીય’માં ગઝલ વિશે તમે જે મુદ્દાઓ કર્યા છે તે સંદર્ભે મારે થોડી વાત કરવી છે. ગઝલ વિપુલ પ્રમાણમાં લખાય છે કે જે આવે તે ગઝલ પર જ મંડી પડે છે કે ઘણી કૃતક રચનાઓ હાથ લાગે છે એ બાબતે તો તમારી જોડે સંમત થવું પડે તેમ છે. ગઝલનો હસ્તઉદ્યોગ ચાલી રહ્યો છે એમ જ હું તો માનું છું, પણ તે માટે ગઝલકારને દોષિત ઠેરવવાને બદલે ગઝલને દોષિત ઠેરવવાનો અર્થ નથી. તૂર્તજ પ્રત્યાયનક્ષમતા ગઝલના શૅરની વિશેષતા છે, પણ સભારંજનના સસ્તા હેતુને બર લાવવા ગઝલકારોએ એ જ વિશેષતાને વિચિત્રતા કે મર્યાદામાં ફેરવી નાખી છે. પણ એમાં વાંક હોય તો ગઝલકારોનો છે, નહિ કે ગઝલના સ્વરૂપનો. ગઝલમાં ઉચ્ચ કવિતા સિદ્ધ થઈ શકતી નથી કે બે જ પંક્તિનું શૅરનું ફલક કવિતા સિદ્ધ કરવામાં ટાંચું પડે છે કે એમાં વિસ્તારને અવકાશ નથી જેવી વાતો સાંભળું છું ત્યારે રમૂજ થાય છે. નાના ફલકમાં કવિતા સિદ્ધ ન થાય તો તે કવિની મર્યાદા હોઈ શકે, જે તે કાવ્યસ્વરૂપની નહીં. વળી જો કવિ વિસ્તાર જ સાધવા ઇચ્છતો હશે તો એ એટલો અબૂધ તો નહીં જ હોય કે દીર્ઘ કાવ્યપ્રકારો પસંદ કરવાને બદલે ગઝલ જોડે કામ પાડવા કટિબદ્ધ થાય. પોતાને કયું કાવ્યસ્વરૂપ અનુકૂળ આવશે એ નક્કી કરવાનું એટલું અઘરું કે સંગોપિત, કવિ માટે નહીં જ હોય એવું ખરું? વર્ણન કે વિસ્તાર શેરને અભિપ્રેત જ નથી પછી એની પાસેથી એવી અપેક્ષા રાખવાનો શો અર્થ રહે? ગઝલ બાબતે મુશ્કેલી એ થઈ કે ગઝલ લખનારાઓ ગઝલના પ્રેમમાં છે અને ગઝલ ન લખનારાઓ ગઝલને પૂર્વગ્રહથી જુએ છે. એટલે એને વિશે તટસ્થ અને નિર્ભિક વાતો ઝાઝી થઈ નથી. આપણે ત્યાં એટલું સારું છે કે ગઝલ કે ગઝલ વિશે લખનારાઓ માટે તેનું શાસ્ત્ર જાણવાનું અનિવાર્ય નથી એટલે સંપાદકોનું અજ્ઞાન કે અલ્પજ્ઞાન ઘણાં સામયિકો કે દૈનિકોમાં ગઝલોનો ચરખો ફરતો રાખે છે. વળી કવિસંમેલન કે મુશાયરાના આયોજકોને માટે તો એ પ્રતિષ્ઠા કે આઇટેમનો ભાગ છે એટલે એ કંઈ જોવાના થોડા કે જે કૃતિઓ રજૂ થવાની છે તેમાંની કેટલી ખરેખર ગઝલ નામને પાત્ર છે? વળી મુશાયરા કે કવિસંમેલનોમાં ગઝલકાર કે કવિને બિરદાવવાનું અભિપ્રેત હોઈને ત્યાં પણ પીઠથાબડ-પ્રવૃત્તિથી વિશેષ કંઈ થાય તેવી અપેક્ષા કોઈ ને જ હોતી નથી. આ બધાં કારણોસર પણ ગઝલ અતિપ્રશંસાનો ભોગ થઈ પડી હોય એમ બને. એ સાથે જ હું એમ પણ માનું છું કે કવિતાએ સિદ્ધ થવા માટે પંક્તિની મર્યાદાઓના મહોતાજ રહેવાનું નથી. એ સત્તર અક્ષરમાંયે સિદ્ધ થઈ શકે અને ન તો સત્તરસો પંક્તિમાંય શક્ય ન બને. ‘તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી’માં કે ‘શૈલાધિરાજ તનયા ન યયૌ ન તસ્થો’માં કે ‘ન થા કુછ તો ખુદા થા, ન કુછ હોતા ખુદા હોતા, ડૂબોયા મુઝકો હોનેને, ન મૈં હોતા તો ક્યા હોતા?’ કે ‘જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરીઝ, ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે’ – જેવામાં જે ચમત્કાર સધાય છે તે બે પંક્તિમાં સધાતો હોવાને લઈને જ કાવ્યને ઉપકારક નથી એમ કહી શકાશે? વળી મનોજ, ચિનુ કે રાજેન્દ્ર શુક્લ જેવા કવિઓની ગઝલેતર કાવ્યરચનાઓમાંની સિદ્ધિ પ્રશંસાપાત્ર હોય તો પણ તેઓ ગઝલકાર મટી જતા નથી, બલકે મને તો વહેમ છે કે આ ત્રણેય સર્જકો કદાચ ગઝલકાર તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરે. કેવળ ગઝલ લખનાર ઓછો કે ઊણો કવિ નથી. એવું જ હોત તો ગાલિબ, મીર કે મરીઝ કે આદિલ આટલા પોંખાયા ન હોત. બીજી એક મહત્ત્વની વાત મારે એ કરવાની છે કે અન્ય કાવ્યપ્રકારોમાં નીવડેલા આપણા મૂર્ધન્ય કવિઓ જ્યારે ગઝલને રવાડે ચડ્યા છે ત્યારે સ્થિતિ બાવાના બેય બગડ્યા જેવી થઈ છે. એમને ગઝલનું શાસ્ત્ર ખબર જ નથી, પરિણામે સંસ્કૃત વૃત્તોની છૂટછાટ લઈને ગાડું ગબડાવ્યા રાખે છે. ગઝલ બોલાતી ભાષાનો મહિમા કરે છે એ ધ્યાનમાં રાખ્યા વિના અને પ્રવાહી છંદોની ફાવટનો લાભ લઈને, સૉનેટમાં સધાય તેમ ગઝલમાં વિચાર વિસ્તાર કરે છે આપણા કવિઓ, ત્યારે એમની મૂર્ધન્યતા કેવળ મૂર્ખતામાં પરિણમે છે. ગઝલના છંદો સંસ્કૃત વૃત્તોથી જુદા છે એ સાથે જ એકાક્ષરી શબ્દો જેવા કેટલાક શબ્દો કે અક્ષરો લઘુ કે ગુરુ તરીકે પણ ખપમાં લઈ શકાય છે કે બે લઘુનો એક ગુરુ થવાની અનુકૂળતા કેવળ ગઝલમાં જ છે કે કેટલાક છંદોમાં બે લઘુનો ગુરુ ન થતાં લઘુ જ રહે કે કયા બે લઘુ, લઘુ જ રહે છે – જેવી બાબતોથી અજાણ રહીને ગઝલનો વેપલો કરવાનું ગઝલના હિતમાં નથી. આવી પણ ઢગલો અ-ગઝલો ગઝલને નામે માથે મરાઈ છે અને એને લીધે પણ ગઝલ વગોવાઈ રહી છે તે નોંધવું ઘટે. ગઝલને બેવડું નુકસાન સંપાદકોએ પહોંચાડ્યું છે. ગઝલ વિશે ન જાણનાર અજ્ઞાનનો લાભ ગઝલને આપે છે તો ગઝલને જાણનારો સંબંધો સાચવવા કે મૅગેઝિન ચલાવવા જાહેરાતો ઉઘરાવીને કે ગઝલ છપાવવા ઉત્સુક ગઝલકારોનાં ગજવાં ખંખેરીને જે ગઝલ(કુ)કર્મ કરે છે તે વધારે અક્ષમ્ય અને ઘાતક છે. રોંગ સાઈડ જતા વાહનચાલકને તો દંડ પણ કરી શકાય, પણ આવા સંપાદકોને સજા કે દંડની કોઈ જોગવાઈ નથી એટલે ગઝલ વિશે ન જાણનારાઓ કરતાં, ગઝલ વિશે જાણજનારાઓથી ગઝલને વિશેષ હાનિ પહોંચી છે તે સખેદ નોંધવું પડે તેમ છે. ‘શબ્દસૃષ્ટિ’નિમિત્તે તમારે ગઝલ વિશે કહેવાનું થયું ને ‘પ્રત્યક્ષ’ને નિમિત્તે મારે થોડી વાત કરવાનું બન્યું તે માટે તમારો આભાર માનું છું. કુશળ હશો.

સુરત;
૬-૧-૯૯

– રવીન્દ્ર પારેખ

[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૯, પૃ. ૪૭-૪૮]