‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘ગઝલ’ અને ’ગઝલ કવિઓ’ વિશે વિચારવું પડે : હરિકૃષ્ણ પાઠક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧ ખ
હરિકૃષ્ણ પાઠક

[સંદર્ભ : ઑક્ટો.-ડિસે, ૧૯૯૮. ગઝલનો વર્તમાન; જે લાક્ષણિકતા એજ સીમા]

‘ગઝલ’ અને ‘ગઝલ કવિઓ’ વિશે વિચારવું પડે.

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ ઑક્ટો.-ડિસે. ૧૯૯૮ના અંકમાં ‘શબ્દસૃષ્ટિ’ના ગઝલ-વિશેષાંક નિમિત્તે તમે ગઝલના કાવ્યસ્વરૂપની, તેની વિશેષતાઓ અને ખાસ તો મર્યાદાની જે વાત છેડી છે તે સમયસરની છે. હકીકતે ‘ગઝલ’ અને ‘ગઝલ કવિઓ’ વિશે વિચારવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ જ ચૂકી છે. આ બાબતમાં આપણા કેટલાંક અગ્રણી કવિઓ લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર કે ચંદ્રકાન્ત ટોપીવાળા કંઈક ઉગ્ર પ્રતિભાવ આપી ચૂક્યા છે. મને અંગત રીતે એવું લાગે છે કે કવિસંમેલનોમાં ગઝલનો કવિ એક એવું વાતાવરણ રચી દે છે, એક એવી રુચિ સર્જે છે કે પછીના કવિઓની વધુ સારી કાવ્યકૃતિ પણ જો ગઝલ-સ્વરૂપની ન હોય તો શ્રોતાઓ તેને માણી શકતા નથી. ગઝલમાં પ્રબળ રૂપે રહેલું સભારંજની તત્ત્વ ક્યારેક આત્મરંજક બનીને ખુદ કવિને લોભાવતું હોય છે. હમણાંનો એક અનુભવ ટાંકું : નવકવિઓને ગીત-ગઝલની તાલીમ (એટલે કે ભાળ) આપવા માટેના એક શિબિરના સંચાલનમાં જવાનું થયેલું. ગીતના સંસ્કાર લઈને આવેલા એક શિબિરાર્થીએ પછીથી મને જે રચનાઓ અભિપ્રાય ને માર્ગદર્શન માટે મોકલી તે ગઝલ-સ્વરૂપની હતી, તો એક બીજા શિબિરાર્થી કે જેમણે ગીતના સ્વરૂપમાં નોંધપાત્ર રચનાઓ કરેલી તેમણે પણ પછીથી એક ગીત સાથે બે ગઝલ પાઠવેલી. રદીફ-કાફિયાની ગોઠવણીની ફાવટ આવી જાય પછી બીબાંઢાળ રચનાઓ તો થોકબંધ થઈ શકે, અને એટલું ય ન સચવાતું હોય તો ‘પ્રયોગ’ કર્યો ગણાય કે પછી સર્વમાન્ય એવી છૂટ લીધી ગણાય. અને આમ ગઝલના કવિએ પછી બીજું કશું ખાસ કરવાનું ન રહે. વળી પાંચ-સાત કે પંદર-સત્તર શેરની ગઝલમાં બેત્રણ શૅર નીવડી આવે તો ‘બન ગઈ’નો સંતોષ લેવાની પરંપરા થઈ ગઈ છે. અને એવા બે-પાંચ શેરને ‘દુબારા’ મળે એટલે કવિ તરતો થઈ જાય! પણ ખરી મુશ્કેલી બીજી છે. ગઝલના માત્ર બાહ્ય સ્વરૂપને રદીફ-કાફિયા-મત્લા-મક્તા-ને જાળવીને લખાતી પણ ગઝલના મિજાજ વિનાની, એટલે કે ગઝલના માંયલા વિનાની કૃતિઓ પણ ગઝલમાં ખપે છે – ને ખપાવાય છે. તેથી ગઝલનામી રચનાઓ અને ગઝલકાર (શાયર)નામી કવિઓની નબળાઈઓ ઝટ આંખે ચડે છે. ગઝલ લખવા માટે પ્રવૃત્ત થતો કવિ પોતાના પિંડમાં કે લોહીના લયમાં ગઝલ વસે છે કે કેમ તે પ્રથમ જાણી લે તો ગઝલ માથેનું આળ કંઈક હળવું બને. બાકી ગઝલમાં જે વાવણી થાય છે તેના પ્રમાણમાં ઉતાર અત્યંત અલ્પ છે તે તો સ્વીકાર્યે જ છૂટકો. ગઝલ માટે પક્ષપાત દાખવનારા અને ગઝલની ટીકા અંગે ઉગ્રતાથી પેશ આવનારા ’સવાઈ કવિઓ’ માટે, ગઝલના જ સ્વરૂપમાં એક હળવી રચના કરેલી :

ગઝલ ગાઈ નાખી તો એની તુમાખી;
ને ખિસ્સામાં રાખી તો એની તુમાખી.

અને એ જ વાતને ઠઠ્ઠાચિત્ર રૂપે ગઝલ-વિશેષાંક માટે દોરી આપેલું. આ બંને ‘કૃતિ’ને ’શબ્દસૃષ્ટિ’માં સ્થાન આપવામાં તેના સંપાદકનું ખુલ્લું મન પણ જોઈ શકાય. હા, ગઝલમાં ઊંચી કવિતા હાંસલ થઈ શકે કે કેમ તે પ્રશ્નનો રોકડો જવાબ ગઝલમાં કવિતા સિદ્ધ કરનાર અગ્રણી કવિઓએ આપવાનો બાકી છે.

ગાંધીનગર,
૧૦/૨/૯૯

– હરિકૃષ્ણ પાઠક

[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૯, પૃ. ૪૮-૪૯]