‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘છંદમાં હોય એ કૃતિ લઈને હોય એ સાચું. પણ...’: રવીન્દ્ર પારેખ
રવીન્દ્ર પારેખ
[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૧૯૯૯, રમણ સોનીની નોંધ]
‘છંદમાં હોય એ કૃતિ લયમાં હોય એ સાચું પણ...’
પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ના જાન્યુઆરી-માર્ચ ૧૯૯૯ના અંકમાં મારા પત્રસંદર્ભે તમે જે સ્પષ્ટતાઓ કરી તેને કેવળ નિમિત્ત ગણીને ગઝલ વિશે થોડી વાત કરવા ધારું છું. ‘અંતઃકર્ણેન્દ્રિય’ સાબૂત હોય તો શાસ્ત્રની જાણકારી અનિવાર્ય નથી એવું તમે માનતા હો તો હું તમારી સાથે સંમત નથી. છંદમાં હોય તે કૃતિ લયમાં હોય એ સાચું, પણ કેવળ લયમાં હોય તો કૃતિ છંદભેદે સ્પષ્ટ થઈ જ જાય એવું હંમેશ ન પણ બને. ગીતો જુદાજુદા લયમાં હોય, પણ તેથી તે અમુક ચોક્કસ છંદમાં જ છે એવું દરેક વખતે નક્કી કરી શકાશે? માત્રામેળ છંદો પૂરતી તમારી વાત સ્વીકારવાનો વાંધો નથી, પણ અક્ષરમેળ છંદો બાબતે મુશ્કેલી સર્જાય એમ બને. મારી વાત ઉદાહરણથી સ્પષ્ટ કરું. શિખરિણી કે મંદાક્રાન્તામાં પાંચ લઘુને બદલે બબ્બે લઘુના ગુરુ કરીને ચાલીએ તો કાનને ખટકો ન લાગે તે રીતે તે રજૂ થઈ શકે. એટલે કે— લગાગાગાગાગા લલલલલગા ગાલલલગા –માં જ્યાં બે લઘુ છે ત્યાં ગુરુ ગણવાની સગવડ કામે લગાડીને લગાગાગાગાગા લગાગાગા ગાગાલગા – એમ છંદ ગણી કોઈ ગઝલ રચે તો. લયભંગ ન થાય કે કાનને ખટકો ન આવે એમ બને, પણ બે લઘુનો ગુરુ કરવાની આ સગવડ છંદને શિખરિણી ન રહેવા દે એ પણ એટલું જ સાચું. ગઝલમાં એ શક્ય છે. શિખરિણી ધારો કે ગઝલનો છંદ હોત તો અહીં લીધેલો બીજો છંદ પણ ગઝલનો છંદ ગણાયો હોત. ટૂંકમાં– ‘જરા મારી સાથે પવન ખઈને તું નીકળજે’– ને બદલે કોઈ ‘જરા મારી સાથે હવા ખાઈને તું જજે’ – જેવી પંક્તિ ઠઠાડે તો તે શિખરિણીમાં ન ખપે, પણ ગઝલમાં બંને પંક્તિઓ છંદમાં ગણવાનું વલણ છે. આ બંને પંક્તિઓ કાનને નડતી નથી છતાં બંને પંક્તિઓ શિખરિણીની જ છે એવું કહી શકાશે? સંસ્કૃતવૃત્તોને એની શિસ્ત છે તેમ ગઝલના છંદોનેય છે. સંસ્કૃતવૃત્તોનો જાણકાર ગઝલના છંદોમાં કાન સાબૂત હોય તો પણ, ભૂલ કરી શકે, બલકે એવી ભૂલો જ ઘણી થઈ છે. બે લઘુનો ગુરુ કરવાની કેટલાક છંદોની સગવડને બાદ કરીએ તો ગઝલના છંદો અક્ષરમેળ છંદો છે. અહીં કેવળ અક્ષરમેળ છંદોની સંસ્કૃતવૃત્તોની શિસ્ત હંમેશા ઉપકારક ન પણ નીવડે. ગઝલનો એક છંદ ‘રમલ’ ૧૧ અક્ષરનો છે. તેનું લઘુ-ગુરુ માપ નીચે મુજબ છે :
ગાલગાગા ગાલગાગા ગાલગા
આ છંદમાં એક શે’ર છે.
આંખનેયે ક્યાં કશું દેખાય છે?
શ્વાસની વણઝાર ચાલી જાય છે.
શે’રની ઉપલી પંક્તિમાં છંદના માપ પ્રમાણે અગિયાર અક્ષરો છે પણ બીજી પંક્તિમાં અક્ષરો બાર છે. સંસ્કૃતવૃત્તમાં આવું બને તો છંદદોષ ગણાય, પણ ગઝલના છંદમાં બાર અક્ષરો છતાં છંદદોષ નથી, તેનું કારણ એ કે વણઝારમાં વણ - ના બે લઘુનો એક ગુરુ થતાં અક્ષરોની અગિયારની સંખ્યા જળવાઈ રહે છે. સંસ્કૃતવૃત્તોમાં બે લઘુનો ગુરુ ન થાય તેમ ગઝલમાંય છે. કેટલાક છંદોમાં બે લઘુનો ગુરુ નથી જ થતો. થાય તો છંદ બદલાઈ જાય એમ બને. જેમ કે કામિલ છંદ છે. ૨૦ અક્ષરી. તેનું માપ નીચે મુજબ છે. લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા હવે બે લઘુનો ગુરુ અહીં કરવા જઈએ તો તેનું માપ આમ થશે. ગાગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા પણ એમ કરવા જતાં છંદ કામિલ ન રહેતાં ૧૬ અક્ષરી રજઝ છંદ થશે, જે આપણા હરિગીતને મળતો આવે છે. (ઘણા એ બંને એક જ ગણે છે, પણ એવું નથી, પણ લંબાણભયે એ વાત અહીં ટાળું છું.) સંસ્કૃતવૃત્તોમાં જ્યાં પાંચ લઘુ છે ત્યાં(કે તેથી વધુ કે ઓછા લઘુ હોય તો પણ) બે લઘુનો ગુરુ નથી થતો, ગઝલમાં ઘણા ખરા છંદોમાં એમ બને છે, પણ ત્યાં પણ લઘુ-ગુરુનું માપ શબ્દના સહજ, પ્રચલિત ઉચ્ચારણ પરથી નક્કી થાય છે. જેમકે ‘અવતરણ’ શબ્દ છે. તે સંસ્કૃતવૃત્તોમાં તો પાંચ લઘુ તરીકે ઉચ્ચારણભેદની ચિંતા વગર ખપમાં લેવાશે, પણ ગઝલમાં જ્યાં પણ બે લઘુનો ગુરુ થવાની શક્યતા છે ત્યાં પણ ત્રણ વિકલ્પો હશે. લગાગા / ગાગાલ / ગાલગા હવે ‘અવતરણ’નું ઉચ્ચારણ અવ+ત+રણ-થતાં, ને બે લઘુનો ગુરુની છૂટ ખપમાં લેતાં, લગાગા કે ગાગાલનું લઘુગુરુ રૂપ ખપમાં નહીં આવે, પણ ગાલગા રૂપ જ ખપમાં આવશે. એ જ રીતે અમરફળ-માં અ+મર+ફળ- ઉચ્ચારણ થતું હોવાને લઈને ત્યાં ગાલગા કે ગાગાલ માપ નહીં કામ લાગે, પણ લગાગા-જ ખપ લાગશે. હવે અહીં સંસ્કૃતવૃત્તીય પાંચ લઘુની જાણકારીને જ ગઝલમાં ખપમાં લેવાથી કામ સરી જશે? હકીકત તો એ છે કે સંસ્કૃતવૃત્તોમાં જે તે વૃત્તની જાણકારી કે તેની શાસ્ત્રીય સમજ જેટલી અનિવાર્ય લેખાઈ છે તેટલી ગઝલ લખવા માટે ગઝલની શાસ્ત્રીયતા અનિવાર્ય લેખાઈ નથી અને માત્રામેળની જાણકારી દ્વારા જ ગાડું ગબડાવાયું છે એનાથી નુકસાન એ થયું છે કે ગઝલના છંદોવિધાનથી કે તેના છંદના વૈવિધ્યથી ગુજરાતી ગઝલ ઠીકઠીક દૂર રહેવા પામી છે. એ આયાતી કાવ્યપ્રકાર છે એટલે એને લગતી જાણકારીનો અભાવ હંમેશ ગઝલ સંપડાવશે એવા ભ્રમમાં રહેવા જેવું નથી. બીજું, ગઝલ એટલી બધી ગુજરાતી થઈ છે કે તેના વિવિધ છંદો ખપમાં લેવાય તો જે એકવિધતાનો ભોગ ગઝલ બની છે તેમાંયે કશુંક નવું સર્જાવાની શક્યતાઓ વધશે. ગુજરાતી બનવા માટે ગઝલે જે સ્વરૂપગત પરિવર્તન સાધ્યું છે તેને લીધે જ આ પ્રકાર આટલો વિકસ્યો કે વકર્યો છે એટલે એને અળગી રાખીને એમાં કામ કરવા કરતાં એને હૃદયવગી રાખીને વાત કરવાથી એની સિદ્ધિ-મર્યાદાઓ વિશે અધિકૃત રીતે વાત થઈ શકશે. આભાર સહ
– રવીન્દ્રનાં વંદન.
[જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૯, પૃ. ૩૯]