‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘આપણી પહેલી અને પરમ ખેવના તો કાવ્યની છે’ : રમણ સોની
રમણ સોની
‘આપણી પહેલી ને પરમ ખેવના તો કાવ્યની છે’
પ્રિય રવીન્દ્ર, અક્ષરમેળ હોય કે માત્રામેળ હોય, છંદ-રચનાઓનું શાસ્ત્ર આખરે તો લયના(લયની ભાતના) પૃથક્કરણમાંથી નીપજ્યું છે ને? અલબત્ત, એથી શાસ્ત્રનું મહત્ત્વ ઘટતું નથી. એ નિયંત્રક અને સંઘટક બળ છે ને પછી રચના-પ્રભાવક પણ બને છે. (એટલે તમારા જેવા, તેમજ આ અંકમાં ‘છાતીમાં બારસાખ’ની સમીક્ષામાં ઉદયન ઠક્કર જેવા સર્જકો શાસ્ત્રને આગળ કરે છે. એનો આદર કરે છે એનો આનંદ પણ છે). પરંતુ, મારો મુદ્દો માત્ર એટલો જ છે કે કવિતા કરવા જનાર સૌ પહેલાં તો અંતઃકર્ણેન્દ્રિયથી પ્રવૃત્ત થાય છે. બીજી રીતે કહીએ તો, અંતઃકર્ણેન્દ્રિય સાબૂત હોય એ કવિતારચનાની એક (ઘણીમાંની એક) ક્ષમતા ગણાય છે. જેના કાન કેળવાયેલા નથી એ છંદ કે લય તરફ પહેલું ડગલું જ શી રીતે માંડશે? એ પછી શાસ્ત્ર પણ આવશ્યક બનવાનું. હવે, ગઝલના છંદના લય-ગ્રહણમાં આપણા કવિઓનું વલણ સ્વાભાવિક રીતે જ એને માત્રામેળી રચના તરીકે લેવા તરફનું રહ્યું છે. એનું કારણ છે : ગઝલના છંદો અક્ષરમેળ છે, પણ એ સંધિજૂથોના આવર્તનોવાળા છે – ‘કામિલ’માં મુતફાઈલુન (લલગાલગા) એ અર્કાનનાં, સંધિનાં જ સળંગ ચાર આવર્તનો છે ને ‘રજઝ’માં મુસ્તફઈલુન નાઈ (ગાગાલગા)નાં સળંગ ચાર આવર્તનો છે. આ છંદો આવૃત્તસંધિ અક્ષરમેળ છે. આપણે ત્યાં ભુજંગી (લગાગાx૪). તોટક (લલગાx૪) વગેરે કેટલાક આવા છંદો છે. પણ ગઝલના તો મોટાભાગના (-ક્યાંક સંધિમિશ્રણો છે) છંદો આવૃત્તસંધિ છે. એટલે આપણે ત્યાં એ માત્રામેળ રૂપે જ વધુ સ્વીકારાયા. ‘બૃહત્ પિંગળ’માં પણ રામનારાયણ પાઠકે નોંધ્યું છે કે ‘ગુજરાતીમાં આવેલી ગઝલનો મેળ જાત્યાત્મક છે.’ (જુઓ : ૧૯૯૨ની આવૃત્તિ, પૃ. ૫૪૬) પરિણામે, આપણી ઘણીબધી ગઝલોમાં ‘કામિલ-રજઝ’નો અક્ષરસંખ્યાભેદ જળવાયો નથી. એટલું જ નહીં, એક જ પંક્તિમાં એક સંધિ/અર્કાન કામિલનો હોય ને બીજા રજઝના હોય એવાં દૃષ્ટાંતો પણ મળશે જેમકે :
બલિહારિ તા, રા અંગની ચંબેલિમાં, દીઠી નહીં
લલગાલ ગા, ગા ગાલગા, ગાગાલગા, ગાગા લગા
મુતફાઈલુન્ મુસ્તફઈલુન્ મુસ્તફઈલુન્ મુસ્તફઈલુન્
એક ગુરુની જગાએ બે લઘુ વર્ણ મૂકવાની તો માત્રામેળોમાં જ નહીં, ગઝલમાં પણ નવાઈ જ નથી. બળવંતરાય જેવા તો અક્ષરમેળોમાં પણ આ “છૂટ’(?) લેતા હતા. વર્ણ એ લિપિ-ઘટક (આલ્ફાબેટ) છે ને અક્ષર એ ઉચ્ચારણ-ઘટક (સિલેબલ) છે એ ખ્યાલમાં હશે તો પછી – ‘થઈ ઘાસ કર રસ ભર અને એવું થતાં તું શું ડરે?’ માંના ‘થઈ, કર્, રસ્, ભર્’ એ શબ્દોમાં લય-સંગતિને વાંધો આવશે નહીં. ગઝલને આપણે લયમેળી રચના-વૈવિધ્યો રૂપે ગ્રહી છે; છંદનામથી નહીં – સંસ્કૃત છંદ-રચનાઓમાં આપણે છંદનામ-સભાન હોઈએ છીએ (પહેલાં તો કાવ્યશીર્ષક પછી તરત છંદનામ લખાતું, અત્યારે પણ કોઈક ક્યારેક લખે છે) પણ ગઝલમાં આપણે આ રીતે છંદનામ-સભાન નથી, ગઝલ એ સ્વરૂપ હોવા છતાં આપણે છંદનામની જગાએ પણ ‘ગઝલ’ એવો નિર્દેશ જ કરીએ છીએ. આ આપણી રૂઢિ છે (શાસ્ત્રાત્ બલિયસિ?). એ પણ બતાવે છે કે ગુજરાતી ગઝલે વિવિધ ફારસી છંદોને બહુધા કાનથી ગ્રહ્યા છે, ને એ રીતે જ પ્રયોજ્યા છે. એની અનેક ભાતોને આમ ગ્રહી-આલેખવામાં કવિઓને આપત્તિ નડી નથી. અભ્યાસીઓએ (એમાં કવિઓય હોવાનાજ) પછી આપણે ત્યાંય ગઝલનું છંદશાસ્ત્ર આપ્યું. એટલે આ વાત તો પૂરી. એમાં તકરાર હતી જ નહીં – અગ્રતાક્રમનો ને આનુપૂર્વીનો જ પ્રશ્ન હતો. પણ રવીન્દ્ર, તમારા જેવા કર્ણપટુ ને શાસ્ત્રચાહકના લખાણમાં પણ આવી વિસંગતિઓ શાને પ્રવેશી ગઈ? : (૧) શિખરિણી છંદની વાત કરતાં – ‘જરા મારી સાથે પવન ખઈને તું નીકળજે’ને બદલે કોઈ ‘જરા મારી સાથે હવા ખાઈને તું જજે’ જેવી પંક્તિ ઠઠાડે તો તે શિખરિણીમાં ન ખપે પણ ગઝલોમાં બંને પંક્તિઓ છંદમાં ગણવાનું વલણ છે’ – એવું તમે લખ્યું છે. પણ ના, આ પંક્તિ તો માત્રામેળમાંય ટકે એમ નથી. એમાં માત્રાઓ ક્યાં સરખી થાય છે? તમારે કહેવું કદાચ એમ છે કે ‘પવન ખઈને’ (લલલ લલગા)ને બદલે ‘હવા ખાતાં’ (લગા ગાગા) એવું માત્રામેળમાં ચાલે, અક્ષરમેળ શિખરિણીમાં ન ચાલે. પણ તમે ‘પવન ખાઈને’ને બદલે ‘હવા ખાઈને’, તથા ‘નીકળજે’ની જગાએ ‘જજે” લખ્યું એમાં તમે પોતે જ ‘ઠઠાડવા’નો ગોટાળો કર્યો. (૨) લઘુ-ગુરુ અંગેની ચર્ચા કરતાં, ‘અવતરણ’માં ‘ગાલગા’ વિકલ્પ જ સ્વીકારી શકાય ને ‘અમરફળ’માં ‘લગાગા’ જ ખપમાં આવે એની જે વાત તમે કરી છે એ ભલા, ગુજરાતીભાષીને કહેવાની હોય ખરી? તમે તો જાણે કોઈ ફારસીભાષા જ જાણનારને, ગુજરાતીમાં ગઝલ લખવી હોય તો કયો વિકલ્પ એણે સ્વીકારવો, એવા માર્ગદર્શન રૂપે આ લખ્યું જણાય છે. (૩) ‘ગઝલની શાસ્ત્રીયતા અનિવાર્ય લેખાઈ નથી ને માત્રામેળની જાણકારી દ્વારા જ ગાડું ગબડાવાયું છે’ – એમ કહેવામાં, ગુજરાતી ગઝલમાં બધા નહીં તો ઠીકઠીક છંદો ખપમાં લીધા છે એવા ઘણા કવિઓને અન્યાય થાય ગઝલના હજુ વધારે છંદોના વૈવિધ્યની જાણકારી, ને તાલીમ પણ, કવિને મળવી જોઈએ ને શાસ્ત્રસભાનતા વધવી જોઈએ એ મત સાથે હું સંમત છું પણ આપણી પહેલી ને પરમ ખેવના તો કાવ્યની છે. એટલે ગઝલને કે કોઈપણ કાવ્યપ્રકારને ‘હૃદયવગો’ રાખવાની પૂર્વશરત એટલી જ કે એ વિકસ્યો’ ભલે હોય, ‘વકર્યો’ ન હોય.
– રમણ સોની
[જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૯, પૃ. ૪૦-૪૧]