‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘ભરત મહેતાનાં ચર્ચાપત્રમાં હકીકતદોષો છે અને ગોસિપિંગનો ઉત્સાહ છે’


જયેશ ભોગાયતા

‘ભરત મહેતાના ચર્ચાપત્રમાં હકીકતદોષો છે અને ગોસિપિંગનો ઉત્સાહ છે.’

‘પ્રત્યક્ષ’ના જુલાઈ-સપ્ટે. ૧૯૯૬ના અંકમાં છપાયેલા. ભરત મહેતાના ચર્ચાપત્રમાં ઘણા હકીકતદોષો જોવા મળ્યા છે તેમજ એમાં એક જાતના ગોસિપિંગનો ઉત્સાહ દેખાય છે – તેના સંદર્ભે મારી જાણકારીની મર્યાદામાં રહીને વાચકોને સાચી હકીકતોથી વાકેફ કરવાનો મારો આશય છે : ૧. સુરેશ જોષીનું અવસાન ૬. સપ્ટે. ૧૯૮૬એ થયું હતું. ‘ખેવના’ દ્વિમાસિકનો પ્રથમ અંક માર્ચ-એપ્રિલના ૧૯૮૭માં પ્રગટ થયો હતો. ભરત મહેતાનો આક્ષેપ છે કે ‘સુરેશ જોષીના અવસાન પછી ‘ખેવના’નો લગભગ અંક ફાળવતા લિ. સુ.જો.ના નામે સુરેશભાઈના પત્રોય છપાયા છે’ (ભરત મહેતાએ તેમના પત્રમાં અંકનું વર્ષ કે ક્રમ દર્શાવ્યા નથી). તો ભરત મહેતાને નિવેદન કરું કે તેઓ ‘ખેવના’ના અંક ૧, ૨, ૪, ૫, ૬ મેળવીને વાંચે. આ પાંચ અંકનાં કુલ ૨૪૦ પાનાંમાંથી સુરેશ જોષીના પત્રોનાં પાનાંની કુલ સંખ્યા માત્ર ૧૩ જેવી થાય છે! ૨. ભરત મહેતા સુમન શાહની ભાષાને ‘ભાંડણ ભાષા’ કહે છે પરંતુ પ્રસ્તુત ચર્ચાપત્રમાં એમની પોતાની ભાષા કેવી છે? જેમકે, ‘પરિષદ પ્રમુખની ચટણી વાટવામાં...’ ‘દાંત પાડી નાખેલા ઝેરની કોથળી વિનાના સાપને મદારી જ મનોરંજનાર્થે રમાડતા હોય છે એવું સુમનભાઈનો લેખ વાંચતાં અનુભવાય છે.’ વગેરે. ૩. ભરત મહેતાનો બીજો વાંધો સુમન શાહના અસહિષ્ણુ વ્યક્તિત્વ સામેનો છે. ને તેના સમર્થનમાં એમણે સંપાદકીય અને ઇન્ટરવ્યુમાંથી દાખલાઓ ટાંકેલા છે. ‘કથાપદ’ અને ‘થ્રી સિસ્ટર્સ’ની ભરત મહેતાની વિવેચના સામે સુમન શાહે કોઈ ચર્ચાપત્ર કર્યું છે ખરું? તો ભરત મહેતાએ પોતાના તમારી પુસ્તકની સમીક્ષા કે નાની એવી વીગતભૂલની સામે ચર્ચાપત્રો કર્યા છે તેનેય અસહિષ્ણુતા કહી શકાય ખરીને? ૪. ‘સન્ધાન’માં ઇનામો આપવાની પ્રવૃત્તિને સુમન શાહે ગૂંગળાવી મારી છે તેવો ભરત મહેતાનો આક્ષેપ ત્યારે જ સ્વીકાર્ય બને જ્યારે એની કોઈ જાહેર ચર્ચા થઈ હોય. ને તે પોતે તો ‘સન્ધાન’ના સંપાદક-મંડળમાં નહોતા તો પછી માત્ર આવી ગોસિપિંગને હકીકતો માની શકાય? ૫. ‘પુષ્પદાહ’નાં વિમોચનો પર સુમન શાહનું તૂટી પડવું એમને વાજબી લાગ્યું નથી કારણ કે તે માને છે કે ‘વિવેચન કે પુરસ્કારથી કશુંય વળતું નથી.’ પરંતુ વિમોચનો અને પુરસ્કાર પ્રાપ્તિના મોટા સમારંભો જાહેરમાં થાય છે. પ્રજા તેની સાક્ષી બને છે. પુરસ્કૃત લેખક પોતાનાં આવાં ‘ધોરણો’ વડે જ ધીમે ધીમે સ્થાપિત હિત બને છે. એ ધોરણો સાહિત્યના ઇતિહાસમાં દાખલ થાય છે. માય ડિયર જયુની સમીક્ષા પછી થયેલી ‘પુષ્પદાહ’ની પ્રશંસાત્મક સમીક્ષાઓ ને ચર્ચાપત્રો વાંચીએ છીએ ત્યારે એવું લાગે છે કે હવે આ પ્રકારની કૃતિઓના વિવેચનોના પણ જાહેર સમારંભો થશે!

મને લાગે છે કે ગુજરાતીમાં વિવેચન કરનાર સૌ પરસ્પરનાં મનદુઃખ અને ગ્રહો-પૂર્વગ્રહોને ઊહાપોહનો સ્વાંગ પહેરાવવાને બદલે સાહિત્યજગતના અક્ષુણ્ણ માર્ગોને પ્રકાશમાં લાવી સંવાદિતાથી ગુજરાતી ભાષાસાહિત્યને સમૃદ્ધ કરવા તાકશે. તો તેને જ જાગૃતિનું પ્રથમ સોપાન કહેવાશે!

વડોદરા : ૨૫-૧૧-૯૬

– જયેશ ભોગાયતા

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૬, પૃ. ૪૦]